07 August, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લુ થયો છે તો દવાની સાથે ડાયટમાં પણ ધ્યાન રાખજો, રિકવરી ઝડપી થશે
સીઝનલ ફ્લુ આવે ત્યારે તાવ, શરીરમાં દુખાવો, ગળામાં ખિચખિચ, થાક અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ સામાન્ય છે. આવા સમયે ઘણા લોકો ઓછું ખાય છે અથવા માત્ર દવાઓ પર આધાર રાખે છે, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે ફ્લુ દરમ્યાન શરીરને વાઇરસ સામે લડવા માટે પૂરતું પ્રવાહી, પ્રોટીન અને પોષક તત્ત્વોની જરૂર પડે છે. કોઈ એક ખોરાક ફ્લુને મટાડી શકતો નથી, પરંતુ પોષણયુક્ત અને હલકો ખોરાક માંદગીમાંથી જલદી બેઠા કરી દે છે
ફ્લુ થયો હોય ત્યારે થાક અને નબળાઈ ખૂબ જ આવી જાય છે. જો સામાન્ય તાવ હોય તો આરામ અને દવાથી આપમેળે ઊતરી જાય છે. જોકે એ તાવમાંથી રિકવર થઈને ફરીથી એનર્જેટિક થવાની પ્રક્રિયા ઝડપી બનાવવી હોય તો તાવ આવતો હોય ત્યારે ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો આજે જાણીએફ્લુ થયો હોય ત્યારે શું ખાવું અને શું નહીં?
ફ્લુ દરમ્યાન તાવ અને પરસેવાને કારણે શરીરમાં પાણીની ઊણપ થવાની શક્યતા વધી જાય છે. એથી દિવસ દરમ્યાન વારંવાર પ્રવાહી પીતા રહેવું ખૂબ જરૂરી છે. આ માટે સાદું પાણી સૌથી શ્રેષ્ઠ છે. ઉપરાંત ગરમ શાકભાજીનો સૂપ, આદુંની ચા, મધ સાથેની હર્બલ ટી, લીંબુવાળું ગરમ પાણી અને ડૉક્ટરની સલાહ મુજબ ORS લઈ શકાય છે. સાકર નાખ્યા વગર તાજાં ફળોનો રસ પણ ઉપયોગી બની શકે છે. નારંગી અને તરબૂચ જેવાં પાણીથી ભરપૂર ફળો પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
ફ્લુ દરમ્યાન ગરમ સૂપ પીવાથી એકસાથે અનેક ફાયદા મળે છે. એ શરીરમાં પાણીની ઊણપ દૂર કરવામાં મદદ કરે છે, ગળાને આરામ આપે છે અને પચવામાં પણ હળવો હોય છે.
વિટામિન C રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. ફ્લુ દરમ્યાન નારંગી, કિવી, બેરીઝ અને અન્ય સિટ્રસ ફળો શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડે છે. જોકે માત્ર વિટામિન C લેવાથી ફ્લુ તરત જ મટી જશે એવું માનવું યોગ્ય નથી, પરંતુ એ શરીરને રિકવરીમાં મદદરૂપ બની શકે છે.
પાલક, મેથી અને અન્ય લીલાં શાકભાજીમાં વિટામિન A, C, E અને K સાથે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. બ્રૉકલીમાં પણ વિટામિન C અને Eનું પ્રમાણ સારું હોય છે. જો ભૂખ ઓછી લાગતી હોય તો એને સૂપમાં ઉમેરીને ખાઈ શકાય.
ફ્લુ દરમ્યાન ભારે ભોજનને બદલે સરળતાથી પચી જાય એવો ખોરાક લેવો વધુ યોગ્ય છે. ઓટમીલ, ખીચડી, પાતળી દાળ, નરમ ભાત અથવા દહીં-ભાત જેવા વિકલ્પો શરીરને ઊર્જા પણ આપે છે અને પેટ પર ભારે પણ પાડતા નથી. ઓટ્સમાં ફાઇબર, ઝિન્ક અને અન્ય મિનરલ્સ હોવાથી એ સારો વિકલ્પ ગણાય છે.
આદું અને હળદરમાં કુદરતી ઍન્ટિ-ઇન્ફ્લમેટરી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ તત્ત્વો હોય છે. આદું ગળાની ખરાશ અને ઊબકા ઘટાડવામાં મદદ કરી શકે છે, જ્યારે હળદર શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ બન્નેનો ઉપયોગ ચા, સૂપ અથવા ગરમ પાણીમાં કરી શકાય છે. માત્ર ખોરાક પૂરતો નથી યોગ્ય આહાર ફ્લુ દરમ્યાન શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે; પરંતુ પૂરતો આરામ, નિયમિત પાણી પીવું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી એટલાં જ જરૂરી છે. જો તાવ લાંબો સમય રહે, શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા લક્ષણો ગંભીર બને તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. યોગ્ય ખોરાક ફ્લુનો ઇલાજ નથી પરંતુ શરીરને ઝડપથી સાજા થવામાં ચોક્કસ મદદ કરી શકે છે.
ફ્લુ દરમ્યાન કેટલીક વસ્તુઓ શરીરની રિકવરી ધીમી કરી શકે છે.
વધુ સાકરવાળાં પીણાં અને મીઠાઈ
તળેલો અને વધુ તેલવાળો ખોરાક
અત્યંત પ્રોસેસ્ડ ફૂડ
દારૂ
વધુ પડતુ કૅફીન
આ પ્રકારનો ખોરાક શરીરમાં પાણીની ઊણપ વધારી શકે છે અથવા પાચનતંત્ર પર વધારાનો ભાર મૂકી શકે છે.