ડાયાબિટીઝને કારણે થતા મસલ લૉસ માટે શું કાળજી લેવી ?

13 October, 2021 07:42 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

ફાંદ પર ચરબીનો થર એવો ને એવો જ છે. શું મારું વજન ઊતરે છે? વજન કાંટા પર ખાસ કઈ લાગતું નથી કે વજન ઊતરતું હોય. તો આ હાથ-પગ પાતળા થવાનું શું કારણ છે? એવું ન થાય એ માટે મારે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૫ વર્ષ છે અને મને છેલ્લાં ૧૦ વર્ષથી ડાયાબિટીઝ છે. એ માટે દવા પણ ચાલે છે. આમ તો મારો બાંધો સુદૃઢ હતો, પણ છેલ્લા થોડાક વર્ષોમાં ધીમે-ધીમે મારા પગ એકદમ પાતળા થતા જતા હોય એવું લાગે છે. સાથે-સાથે મારા હાથ પણ એકદમ દુબળા થતા જાય છે. ફાંદ પર ચરબીનો થર એવો ને એવો જ છે. શું મારું વજન ઊતરે છે? વજન કાંટા પર ખાસ કઈ લાગતું નથી કે વજન ઊતરતું હોય. તો આ હાથ-પગ પાતળા થવાનું શું કારણ છે? એવું ન થાય એ માટે મારે શું કરવું?
   
જવાબ : તમને જે લક્ષણ છે એ વજન ઘટવાના નથી. એને મસલ લૉસ કહે છે એટલે કે સ્નાયુઓ ખવાતા જાય છે અને વ્યક્તિ દુર્બળ બનતી જાય છે. મસલ્સ સ્ટ્રેન્ગ્થ ઘટવા લાગે એટલે નબળાઈની શરૂઆત મોટા ભાગે પગના સ્નાયુઓથી થાય છે અને હાથના સ્નાયુઓનું પણ મસલ લૉસ થાય એટલે એ વધુ સારી રીતે જોઈ શકાય છે. ડાયાબિટીઝને કારણે વ્યક્તિ કુપોષિત બનતી હોય છે. એના દરેક કોષ સુધી શુગર વ્યવસ્થિત રીતે પહોંચતી ન હોવાથી શરીર એનર્જી માટે સ્નાયુઓને બાળે છે અને એને કારણે મસલ લૉસ થાય છે, પરંતુ ડાયાબિટીઝના બધા જ દરદીઓને મસલ લૉસ થાય જ એવું હોતું નથી. 
આવું ન થાય એ માટે શુગરને બરાબર કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે.
જે વ્યક્તિ પોતાની શુગરને એકદમ કાબૂમાં રાખે છે, પોતાનું ડાયટ એકદમ હેલ્ધી રાખે છે જેમાં પ્રોટીનનું પ્રમાણ સારું જાળવેલું રાખે છે અને મસલ્સને મજબૂતાઈ મળે એ માટે એક્સરસાઇઝ પણ નિયમિત કરે છે તે વ્યક્તિને ડાયાબિટીઝ હોવા છતાં ક્યારેય મસલ લૉસ થતું નથી. 
આમ, તમને ડાયાબિટીઝ છે તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જે લૉસ થઈ ગયું એને પણ ફરી રીપેર કરવાની કોશિશ કરો. ખોરાકમાં પ્રોટીનની માત્રા પૂરતી લો છો કે નહીં એનું ખાસ ધ્યાન રાખો. તમારા વજનના ૧ કિલો સામે ૧ ગ્રામ પ્રોટીન દરરોજ ખોરાકમાં લેવું જોઈએ, જેમ કે તમારું વજન ૬૦ કિલો છે તો ૬૦ ગ્રામ પ્રોટીન દિવસના જુદા-જુદા ભાગમાં શરીરમાં જવું જ જોઈએ. એટલું ધ્યાન રાખો. હેલ્ધી વ્યક્તિ એને કહેવાય જેના સ્નાયુઓ સુદૃઢ હોય. એનું લૉસ થવું હેલ્ધી બાબત નથી. માટે આ બાબતે કાળજી અત્યંત જરૂરી છે.

health tips columnists