સિઝેરિયન ડિલિવરી ક્યારે કરવી પડે?

30 November, 2021 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સી-સેક્શન વધી ગયા છે એનાં કારણો ઘણાં જુદાં-જુદાં છે

પ્રતીકાત્મક તસવીર

હું ૨૯ વર્ષની છું ચોથો મહિનો ચાલી રહ્યો છે. આમ તો મારી તબિયત ઠીક રહે છે. મારી મોટી બહેનની પહેલી પ્રેગ્નન્સી વખતે એને નૉર્મલ ડિલિવરી કરવી હતી, પરંતુ ડૉક્ટરે એને સિઝેરિયન કરવાનું જ કહ્યું. ડૉક્ટરે કહ્યું કે એનું પાણી ઓછું થઈ ગયું છે એટલે રિસ્ક લેવા જેવું નથી. સિઝેરિયનમાં ખર્ચો વધારે છે એટલે થોડી ચિંતા થાય છે. એવું સાંભળવા મળે છે કે ડૉક્ટર્સ નાનકડા કૉમ્પ્લીકેશનમાં પણ સિઝેરિયન સેક્શન જ સજેસ્ટ કરે છે. શું આ બાબતે કોઈ ગાઇડલાઇન છે?

સી-સેક્શન વધી ગયા છે એનાં કારણો ઘણાં જુદાં-જુદાં છે. હકીકત આજે પણ એ જ છે કે જો કોઈ સ્ત્રીને કોઈ જાતનું કૉમ્પ્લીકેશન હોય જેમાં ખબર પડી જાય કે ડિલિવરી નૉર્મલ થઈ શકે એમ નથી અને મા કે બાળક કોઈના પણ જીવને રિસ્ક છે તો અથવા અચાનક લેબર દરમિયાન આવી જાય તો જ એની સિઝેરિયન ડિલિવરી કરાય. બાકી જ્યારે સ્ત્રી હેલ્ધી હોય ત્યારે સવાલ જ ઊઠતો નથી સર્જરીનો. આ નિર્ણય ડૉક્ટરની સલાહ મુજબ જ લેવાવો જોઈએ.

જ્યારે માને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ પ્રૉબ્લેમ હોય અને એ કન્ટ્રોલમાં રાખવું મુશ્કેલ હોય ત્યારે, મા ઓબીસ હોય કે એની પ્રેગ્નન્સી આઇવીએફને કારણે હોય ત્યારે, જો એ કોરોનાગ્રસ્ત હોય, એકસાથે બે, ત્રણ કે એનાથી પણ વધુ બાળકોને જન્મ આપવાની હોય ત્યારે, સ્ત્રીને પહેલાં અબૉર્શન થઈ જવાની હિસ્ટરી હોય ત્યારે ડૉક્ટર સી-સેક્શન સજેસ્ટ કરે છે. આ સિવાય બાળકની પોઝિશન ઊંધી હોય એટલે કે એનું માથું નીચેની તરફ ન હોય ત્યારે, જ્યારે પ્લાસેન્ટા એટલે કે જેમાંથી બાળક પોષણ મેળવતું હોય એ ઉપરની તરફ હોવાની જગ્યાએ નીચે તરફ હોય ત્યારે, ગર્ભાશયમાં પાણી ઓછું હોય ત્યારે, ડિલિવરી વખતે જો બાળકના ગળામાં અમ્બિલિકલ કોર્ડ ફસાઈ જાય ત્યારે સિઝેરિયન ડિલિવરી કરવી પડે છે. જો બાળકનું વજન સાડાત્રણ કિલો કે એથી વધુ હોય તો ડિલિવરી અઘરી બને છે એ સમયે પણ સર્જરી કરવાની વાત આવે છે, કારણ કે પહેલાંની સ્ત્રીઓ કરતાં આજની સ્ત્રીઓની પેલ્વીસ ઘણી નાની હોવાથી મોટી સાઇઝના બાળકને કાઢવું અઘરું પડે છે. જો બાળકને જન્મ પછી સીધા સર્જરીની જરૂર પડવાની હોય તો એને ડિલિવરીનો ટ્રોમા આપી વધુ બીમાર કરવામાં આવતું નથી. આ સી-સેક્શન કરવા માટેની જનરલ ગાઇડલાઇન છે.

(ડૉ. સુરુચી દેસાઇના જણાવ્યા અનુસાર)

health tips columnists