કબજિયાત થઈ છે એમ ક્યારે કહી શકાય?

04 October, 2021 01:52 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

શરૂઆતમાં સવારની મીટિંગ્સને કારણે હું પ્રેશર આવે તો પણ જતો નહીં એટલે બધી ગડબડ થઈ ગઈ છે. જો દરરોજ હાજતે જવું જ છે એવો આગ્રહ રાખું તો ટૉઇલેટમાં અડધો કલાક બેઠા રહેવું પડે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૫ વર્ષ છે. કામમાં હું અત્યંત વ્યસ્ત રહું છું. છેલ્લા ૬ મહિનાથી લગભગ દિવસના ૧૨-૧૪ કલાક કામ મારું ચાલતું જ હોય છે એટલે મારી દિનચર્યા ખોરવાઈ ગઈ છે અને એને કારણે જ મને લાગે છે કે મને કબજિયાતની તકલીફ થઈ ગઈ છે. પહેલાં હું દરરોજ હાજતે જતો, પરંતુ આજકાલ દર બે દિવસે તો ક્યારેક ત્રણ દિવસે જાઉં છું. શરૂઆતમાં સવારની મીટિંગ્સને કારણે હું પ્રેશર આવે તો પણ જતો નહીં એટલે બધી ગડબડ થઈ ગઈ છે. જો દરરોજ હાજતે જવું જ છે એવો આગ્રહ રાખું તો ટૉઇલેટમાં અડધો કલાક બેઠા રહેવું પડે છે. મને ખરેખર કબજિયાત છે કે એ મારો ભ્રમ છે? કઈ પરિસ્થિતિમાં કહી શકાય કે મને કબજિયાત થઈ છે?  

આમ તો મેડિકલ સાયન્સ માને છે કે દિવસમાં ત્રણ વાર કે અઠવાડિયામાં ત્રણ વાર વચ્ચેની કોઈ પણ પરિસ્થિતિ નૉર્મલ જ ગણાય, પરંતુ ભારતીય ખોરાક મુજબ ઍવરેજ દરેક ભારતીય દરરોજ હાજતે જાય જ છે. માટે જો દર બે-ત્રણ દિવસે તમે જતા હો તો એને કબજિયાત કહી શકાય. બહારના દેશોમાં શાકભાજી વધુ માત્રામાં ખવાતાં નથી. આપણે ત્યાં ખવાય છે એટલે ડાયટમાં ફાઇબરની માત્રા વધુ હોવાથી આમ કહી શકાય. આ સિવાય તમારું સ્ટુલ ખૂબ સખત હોય અને નીકળતું જ ન હોય અને એ કાઢવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે કે આંગળી નાખીને કાઢવું પડે તો એને કબજિયાત કહેવાય. ત્રીજી પરિસ્થિતિમાં જો હાજતે જવાનો ૨૫ ટકા સમય જો તમે દમ લગાડવામાં જ પસાર કરતા હો એટલે કે તમારે ખૂબ દમ લગાડવો પડતો હોય તો તમને કબજિયાત છે એમ કહી શકાય. આ ત્રણ અલગ-અલગ પરિસ્થિતિઓ છે. 
કબજિયાત એક એવી તકલીફ છે જે ફક્ત શારીરિક નથી, માનસિક પણ છે. અમે કબજિયાતની ફરિયાદ કરતી દરેક વ્યક્તિને કબજિયાત છે જ એમ માનીને ચાલીએ છીએ, કારણ કે આ રોગ માનસિકતા પર નિર્ભર કરે છે. તમને લાગે છે કે હાજતે જવામાં તકલીફ છે તો એ તકલીફ સૉલ્વ કરવી જરૂરી છે. એમ માનીને એ કબજિયાતનો ઇલાજ કરવામાં આવે છે. આમ તો ડાયટમાં ફાઇબર્સ વધારવાથી, પાણી વધુ પીવાથી અને જીવનશૈલી ઠીક કરવાથી બધુ ઠીક થઈ જતું હોય છે, પણ એવું ન થાય તો ડૉક્ટરની મદદ લેવી.

health tips columnists