ડાયાબિટીઝને કારણે કિડની ક્યારે બગડે?

02 June, 2021 12:00 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

ડાયાબિટીઝ તો મને પણ છેલ્લાં ૧૦ વર્ષથી છે. શું મારી પણ કિડની ખરાબ થઈ રહી હશે? કયાં લક્ષણો દ્વારા ખબર પડે કે મારી કિડની ખરાબ થઈ રહી છે. આ સિવાય બીજું શું ધ્યાન રાખવું એ પણ જણાવશો.

GMD Logo

હું ૬૧ વર્ષનો છું. હાલમાં મારા મિત્રને ખબર પડી કે એની કિડની ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટર કહે છે કે એના ડાયાબિટીઝને કારણે એની કિડની પર ભારે અસર થઈ છે. તકલીફ એ છે કે કિડની છેલ્લાં કેટલાંય વર્ષોથી ધીમે-ધીમે ખરાબ થતી રહી અને મારા મિત્રને એની જાણ જ ન થઈ. હું આ તકલીફ જાણી ખૂબ ડરી ગયો છું. ડાયાબિટીઝ તો મને પણ છેલ્લાં ૧૦ વર્ષથી છે. શું મારી પણ કિડની ખરાબ થઈ રહી હશે? કયાં લક્ષણો દ્વારા ખબર પડે કે મારી કિડની ખરાબ થઈ રહી છે. આ સિવાય બીજું શું ધ્યાન રાખવું એ પણ જણાવશો.     
 
ડાયાબિટીઝ જેને હોય એને કિડની ડિસીઝ થવાનું રિસ્ક ઘણું વધારે છે. ખાસ કરીને જે લોકોમાં ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન રહેતું હોય તેમને અને જેમને લાંબા ગાળાનું ડાયાબિટીઝ છે એમને પણ ડાયાબિટીઝને કારણે કિડની પ્રૉબ્લેમ થવાની શક્યતા રહે છે. બે મુખ્ય લક્ષણમાં એક ફીણવાળું યુરિન અને વગર કોઈ ઠોસ કારણે ઓછી થતી શુગર છે. ડાયાબિટીઝના દરદીને જ્યારે કિડનીમાં તકલીફ થાય ત્યારે બને કે વજન અચાનક વધવા લાગે, પગની ઘૂંટીઓ પર સોજો આવે, બાથરૂમ વારંવાર જવું પડે કે બ્લડપ્રેશર વધારે આવે. આ લક્ષણો આમ તો સામાન્ય છે. જે પણ વ્યક્તિને કિડની પ્રૉબ્લેમ થાય એનામાં આ લક્ષણો દેખાય છે. આમ, ડાયાબિટીઝના દરદીને પણ કિડની પ્રૉબ્લેમ થાય તો આ શરૂઆતી લક્ષણ જોવાં મળી શકે છે. 
પરંતુ અહીં એક ટવીસ્ટ છે કે એ જરૂરી નથી જ કે ડાયાબિટીઝના દરદીને કિડની પ્રૉબ્લેમનાં ચિહ્નો દેખાય જ. ન પણ દેખાય, એમ પણ બને. મોટા ભાગે આ દરદીઓને કિડની પ્રૉબ્લેમ છે એ બાબત રેગ્યુલર ચેક-અપના રીઝલ્ટમાં જ સામે આવતી હોય છે. આ માટે દરદીએ યુરિન રૂટીન અને યુપીસીઆર ટેસ્ટ પણ કરાવવી જરૂરી છે. કિડનીમાં તકલીફ થવાને લીધે એમના યુરિન ટેસ્ટમાં આલબ્યુમીનનું પ્રમાણ વધારે આવે. આ પ્રમાણ વધારે આવે એ કિડની ડિસીઝનાં શરૂઆતી લક્ષણો છે, જે ટેસ્ટ કરાવ્યા વગર ખબર પડે નહીં. માટે દરેક ડાયાબિટીઝના દરદીએ આ ટેસ્ટ દર વર્ષે કરાવવી જ, જેને કારણે એમને કિડની પ્રૉબ્લેમ છે કે નહીં એ તરત જ ખબર પડે અને એનો ઇલાજ શરૂ કરી શકાય. તમે પણ આ ટેસ્ટ દર વર્ષે એક વાર કરાવજો અને તમારા ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધજો.

health tips columnists