હાર્ટ-અટૅક જેવાં લક્ષણો દેખાય ત્યારે સૌથી પહેલાં ક્યાં જવું?

29 November, 2021 09:26 AM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

ગયા અઠવાડિયે મારા પાડોશમાં રહેતા કાકાને હાર્ટ-અટૅક આવ્યો. તેમને અંધેરી લઈ જતા હતા ત્યાં રસ્તામાં તે ગુજરી ગયા. પપ્પા સાથે આવું નથી થવા દેવું મારે. તેમના ડૉક્ટર તો ખૂબ સારા છે.

પ્રતીકાત્મક તસવીર

મારા પપ્પા ૫૮ વર્ષના છે અને તેમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલની તકલીફ છે. અમે મુંબઈના સારામાં સારા ડૉક્ટરને કન્સલ્ટ કરીએ છીએ. અમે રહીએ છીએ કાંદિવલી અને તેમના ડૉક્ટર મુંબઈ સેન્ટ્રલ પાસે છે. ગયા અઠવાડિયે મારા પાડોશમાં રહેતા કાકાને હાર્ટ-અટૅક આવ્યો. તેમને અંધેરી લઈ જતા હતા ત્યાં રસ્તામાં તે ગુજરી ગયા. પપ્પા સાથે આવું નથી થવા દેવું મારે. તેમના ડૉક્ટર તો ખૂબ સારા છે. તેમને તેમના પર જ ભરોસો છે. જોકે અચાનક કંઈ થયું તો મુંબઈમાં તેમને કાંદિવલીથી સેન્ટ્રલ સુધી લઈ જવામાં જો વાર લાગી ગઈ તો? આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?  

મુંબઈ જેવા શહેરની ઍવરેજ જોઈએ તો વ્યક્તિ હાર્ટ-અટેક પછીના ચાર કલાકે હૉસ્પિટલમાં પહોંચે છે. અંધેરીની વ્યક્તિને મુંબઈ સેન્ટ્રલની હૉસ્પિટલમાં જવું હોય છે તો ચોપાટી પર રહેતી વ્યક્તિને બાંદરા જવું હોય છે. અમુક જ હૉસ્પિટલ સારી છે અને ત્યાં જ ઇલાજ કરાવાય એવી ગ્રંથિને કારણે લોકો સમજતા નથી કે આ ઇમરજન્સી છે અને નજીકની જ હૉસ્પિટલમાં ભાગવું જોઈએ. જે પણ હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૉરોનરી કૅર યુનિટ હોય ત્યાં પહોંચી જઈને તાત્કાલિક ઇલાજ લેવો વધુ મહત્ત્વનો છે. કોઈ પણ એમડી કે ફિઝિશ્યન અટૅકના દરદીને ટ્રીટ કરી શકે છે અને પ્રાઇમરી કૅર આપીને તેને બચાવી શકે છે.
આદર્શ રીતે કોઈ પણ ઉંમરના વયસ્કને ચેસ્ટ પેઇન થાય તો તાત્કાલિક અડધો કલાકની અંદર જ ગફલતમાં રહ્યા વગર હૉસ્પિટલ પહોંચી જવું જરૂરી છે. અડધો કલાક નહીં તો ૧૮૦ મિનિટ એટલે કે ત્રણ કલાકની અંદર પણ જો વ્યક્તિ હૉસ્પિટલ પહોંચી જાય તો તેને બચાવવાની શક્યતા ઘણી વધી જાય છે, કારણ કે જેવી વ્યક્તિ હૉસ્પિટલ પહોંચે કે તેને તરત જ આ સમય દરમિયાન લોહીની નળીના ક્લૉટને તોડી નાખે એવી દવા આપવામાં આવે છે. ૮૫ ટકા દરદીઓમાં આ દવા ધમનીને ખોલી નાખે છે જેનાથી હાર્ટને ડૅમેજ થતું બચાવી શકાય છે. જ્યારે દરદી સ્ટેબલ થઈ જાય પછી ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જેવી પ્રોસીજર માટે વિચારવું જોઈએ. એ તમે તમારા ડૉક્ટર પાસે કરાવી શકો છો, પરંતુ શરૂઆતમાં પ્રાઇમરી કૅર માટે નજીકની હૉસ્પિટલ જ બેસ્ટ છે. 

health tips columnists