✕

ચૉપિંગ બોર્ડ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જરૂરી છે?

28 September, 2026 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસોડામાં શાકભાજી કે ફળ કાપવા માટે ચૉપિંગ બોર્ડનો ઉપયોગ સામાન્ય બની ગયો છે, પણ જો યોગ્ય બોર્ડ ન હોય અથવા એની સફાઈ બરાબર ન થાય તો આ જ ચૉપિંગ બોર્ડ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે

ચૉપિંગ બોર્ડ

ચૉપિંગ બોર્ડ પર વારંવાર છરી વાગવાથી એના પર કાપા પડી જાય છે અને એમાં શાકભાજી અને ફળોના નાના કણો અને ભેજ જમા થાય છે. એ ડીપ ક્લીનિંગ કરવા છતાં પણ બરાબર સાફ થતા નથી અને બૅક્ટેરિયાનું પ્રજનન-કેન્દ્ર બની જાય છે. આ પરિસ્થિતિ ફૂડ-પૉઇઝનિંગ, પેટના ઇન્ફેક્શન અને પાચન સંબંધિત અન્ય ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.

ચૉપિંગ બોર્ડના ફાયદા અને જોખમો

પ્લાસ્ટિકનું ચૉપિંગ બોર્ડ: પ્લાસ્ટિકનું ચૉપિંગ બોર્ડ કિંમતમાં સસ્તું અને વજનમાં હલકું હોવાથી ઘણાં ઘરોમાં વપરાય છે. શરૂઆતમાં એ નૉન-પોરસ હોય છે અને સાફ કરવાં સરળ લાગે છે, પણ એનો ઉપયોગ વધતાં એમાં બૅક્ટેરિયા જમા થાય છે. એટલું જ નહીં, શાકભાજી કાપતી વખતે પ્લાસ્ટિકના કણો ખોરાકમાં ભળીને પેટમાં જવાનો મોટો ભય રહે છે જે લાંબા ગાળે આંતરડાં અને એકંદર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

લાકડાનું ચૉપિંગ બોર્ડ : મોટા ભાગે લાકડાનાં બોર્ડ બેસ્ટ માનવામાં આવે છે. લાકડાની કુદરતી રચનામાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે અમુક અંશે જીવાણુઓને નષ્ટ કરવામાં મદદ કરે છે. લાકડું છરીની ધારને પણ બગાડતું નથી, પણ લાકડાનાં બોર્ડ છિદ્રાળુ હોવાથી એ પાણી અને ભેજને ઝડપથી શોષી લે છે. જો એને ધોયા પછી તરત જ બરાબર સૂકવવામાં ન આવે તો એમાં ફૂગ અને બૅક્ટેરિયા વધવાની શક્યતા રહે છે. લાકડાના બોર્ડને મશીન કે ડિશવૉશરમાં ધોઈ શકાતું નથી અને એને સમયાંતરે ઑઇલિંગ કરવાની જરૂર પડે છે.

બામ્બુનું ચૉપિંગ બોર્ડ : બામ્બુ લાકડાનો ઇકો-ફ્રેન્ડ્લી વિકલ્પ છે. વાંસનું બોર્ડ વધુ મજબૂત, ઓછું છિદ્રાળુ અને વધુ ટકાઉ હોય છે. એ ભેજને ઝડપથી શોષતું નથી એટલે એમાં બૅક્ટેરિયા કે ફંગસ થવાનું જોખમ સામાન્ય લાકડા કરતાં ઓછું રહે છે. બામ્બુનું ચૉપિંગ બોર્ડ પર્યાવરણની દૃષ્ટિએ પણ સલામત છે.

સ્ટીલ અથવા ગ્લાસનું ચૉપિંગ બોર્ડ : આરોગ્ય અને હાઇજીનની દૃષ્ટિએ સ્ટીલ અને ટેમ્પર્ડ ગ્લાસનાં બોર્ડ સૌથી સુરક્ષિત ગણાય છે. આ બોર્ડ પર બૅક્ટેરિયા કે માઇક્રો-પ્લાસ્ટિક્સનું કોઈ જોખમ રહેતું નથી અને એને સાફ કરવું અત્યંત સરળ છે.

સાવચેતીઓ

 બોર્ડનો ઉપયોગ કર્યા પછી તરત જ એને ગરમ પાણી અને સાબુથી ધોઈ નાખવું. ધોયા પછી એને ભેજવાળી જગ્યાએ મૂકી રાખવાને બદલે ઊભું રાખીને હવામાં અથવા તડકામાં સંપૂર્ણ સુકાવા દેવું.
 અઠવાડિયામાં એક વાર લાકડા કે બામ્બુના બોર્ડ પર લીંબુ અને મોટું મીઠું ઘસીને સાફ કરવું. આનાથી બોર્ડમાં રહેલી દુર્ગંધ દૂર થાય છે અને બૅક્ટેરિયાનો નાશ થાય છે.
 જો તમારા પ્લાસ્ટિક કે લાકડાના બોર્ડ પર ખૂબ ઊંડા કાપા પડી ગયા હોય, બોર્ડ વળી ગયું હોય કે એનો રંગ બદલાઈ ગયો હોય તો એનો ઉપયોગ બંધ કરીને તાત્કાલિક નવું બોર્ડ ખરીદી લેવું સ્વાસ્થ્યપ્રદ છે.

ચૉપિંગ બોર્ડ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો

 જો સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રથમ પ્રાથમિકતા હોય તો સારી ગુણવત્તાનું બામ્બુ અથવા અલ્ટ્રા-હાર્ડ ગુણવત્તાવાળું લાકડું પસંદ કરવું. જો જીવાણુમુક્ત અને માઇક્રો-પ્લાસ્ટિકમુક્ત વિકલ્પ જોઈતો હોય તો સ્ટીલ અથવા ગ્લાસનું બોર્ડ શ્રેષ્ઠ છે. બોર્ડ ખૂબ નાનું કે સાવ પાતળું ન હોવું જોઈએ. શાકભાજી આરામથી કાપી શકાય એટલી પૂરતી જગ્યા ધરાવતું અને મજબૂત જાડાઈવાળું બોર્ડ પસંદ કરવું, જેથી કાપતી વખતે એ વળી ન જાય. બોર્ડ નીચેથી લપસી ન જાય એ માટે એની નીચે રબરનાં પૅડ્સ કે સપોર્ટ હોવાં જરૂરી છે. કટિંગ વખતે બોર્ડ લપસવાથી હાથમાં વાગવાનું કે ઈજા થવાનું જોખમ રહે છે. જો તમારી પાસે બોર્ડને વારંવાર તડકામાં સૂકવવાનો કે ઑઇલિંગ કરવાનો સમય ન હોય તો લાકડાના બોર્ડને બદલે સ્ટીલ કે બામ્બુ બોર્ડ પસંદ કરવું વધુ વ્યવહારુ રહેશે.

lifestyle news life and style healthy living health tips gujarati mid day