વાઇટ ફૅટ વર્સસ બ્રાઉન ફૅટ

15 May, 2026 11:39 AM IST  |  Mumbai | Heena Patel

ચરબી કેટલી છે એ તો ખરું જ, પણ શરીરમાં ક્યાં જમા થયેલી છે એ નક્કી કરે છે તમારી ફિટનેસ

પ્રતીકાત્મક તસવીર

બે વ્યક્તિનું વજન અથવા શરીરમાં ચરબીની કુલ ટકાવારી એકસમાન હોવા છતાં તેમનો હેલ્થ-પ્રોફાઇલ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે, કારણ કે સ્વાસ્થ્યનો આધાર માત્ર ચરબીના જથ્થા પર નહીં પરંતુ એ શરીરમાં ક્યાં સંગ્રહિત થયેલી છે એના પર પણ રહેલો છે. એટલે સ્વાસ્થ્યને અંદરથી સુધારવા માટે ખરાબ વાઇટ ફૅટને ઘટાડીને સારી બ્રાઉન ફૅટને વધારવા પર ફોકસ કરવું જોઈએ.

થોડાં વર્ષો પહેલાં યુનિવર્સિટી ઑફ ગ્લાસગોના સંશોધકોએ પેટ પરની ચરબીનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેમણે ૧૪ દક્ષિણ એશિયનો અને ૨૧ ગોરા યુરોપિયનોને સમાન ખોરાક આપ્યો અને પછી શું થયું એનો અભ્યાસ કર્યો. બન્ને જૂથોનું વજન વધ્યું અને બન્નેનાં પેટ બહાર આવ્યાં. ઉપરછલ્લી રીતે જોતાં એમાં બહુ તફાવત નહોતો; પરંતુ સંશોધકોએ જોયું કે યુરોપિયનોમાં પેટના ભાગે ત્વચાની નીચે ચરબી જમા થઈ હતી, જ્યારે દક્ષિણ એશિયનોમાં ત્વચાની નીચે ચરબી ખૂબ ઓછી હતી પરંતુ લીવર, સ્નાયુઓ અને રક્તવાહિનીઓમાં ફૅટનો જથ્થો જમા થયો હતો. રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ એશિયનોમાં જન્મજાત રીતે જ નાના ચરબીના કોષો ઓછા અને મોટા કોષો વધુ હોય છે. ચરબીના કોષોની આ ખાસ રચના (મોટા કોષો હોવા) ભારતીયોમાં વજન વધવાની સાથે થતા ગંભીર મેટાબૉલિક ફેરફારો માટે જવાબદાર છે. મતલબ કે એને કારણે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા ખોરવાય છે અને ડાયાબિટીઝ, હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફો પેદા થાય છે.

મેટાબૉલિક જોખમ કેમ વધે?

આ પ્રક્રિયાને સારી રીતે સમજાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘જ્યારે નાના ચરબીના કોષો ઓછા અને મોટા કોષો વધુ હોય છે ત્યારે શરીરની ચરબી સંગ્રહ કરવાની ક્ષમતા અસરગ્રસ્ત બને છે. સામાન્ય રીતે નાના કોષો વધારાની ચરબીને સલામત રીતે સંગ્રહવામાં મદદ કરે છે, પરંતુ મોટા કોષો પહેલેથી જ ફુલાયેલા હોવાથી એમાં વધુ ચરબી સમાઈ શકતી નથી. પરિણામે જ્યારે વજન વધે છે ત્યારે આ ચરબી ત્વચાની નીચે સંગ્રહિત થવાને બદલે શરીરની અંદરનાં અંગોમાં જવા લાગે છે. આ પ્રક્રિયાને કારણે લિવર, સ્નાયુઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ અંગોમાં ચરબી જમા થવા લાગે છે જેને વિસેરલ અથવા એક્ટોપિક ફૅટ કહેવામાં આવે છે. આ પ્રકારની ચરબી મેટાબૉલિક રીતે વધુ હાનિકારક હોય છે, કારણ કે એ શરીરમાં સોજો વધારતાં રસાયણો ઉત્પન્ન કરે છે અને ઇન્સ્યુલિનના પ્રભાવને ઘટાડી દે છે. પરિણામે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે અને આગળ જઈને ટાઇપ ટૂ ડાયાબિટીઝ, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર જેવા રોગોનો ખતરો વધી જાય છે. તેથી જ દક્ષિણ એશિયનોમાં ઓછું વજન વધવા છતાં પણ મેટાબૉલિક સમસ્યાઓ ઝડપથી વિકસતી જોવા મળે છે.’

વજન નહીં, ફિટનેસ જુઓ

આ આખા સંશોધનનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે બહારથી જોતાં ભલે બે વ્યક્તિ સમાન રીતે મેદસ્વી કે પાતળી દેખાતી હોય, પણ તેમની અંદરનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. આ પાછળનું લૉજિક સમજાવતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘ફિટનેસનો સાચો માપદંડ માત્ર વજનકાંટાનો આંકડો નથી પરંતુ એ છે કે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ કેટલું છે અને એ કઈ રીતે વહેંચાયેલી છે. ત્વચાની નીચેની ચરબી એક સુરક્ષિત સંગ્રહસ્થાન જેવી છે જે શરીરના અંદરના ભાગોને નુકસાન પહોંચાડતી નથી. જ્યારે ચરબી ઓવરફ્લો થઈને લિવર, હૃદય અને સ્નાયુઓ જેવાં અંગોમાં ઘૂસી જાય છે ત્યારે એ વિલન બને છે અને અંગોની કામગીરીમાં દખલ દઈને અનેક મેટાબૉલિક રોગોનું કારણ બને છે. અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે આપણે અત્યાર સુધી જે ચરબીની વાત કરી એ મુખ્યત્વે વાઇટ ફૅટ છે જે શરીરમાં ઊર્જા સંગ્રહવાનું કામ કરે છે. દક્ષિણ એશિયનોમાં આ વાઇટ ફૅટની સંગ્રહ-ક્ષમતા મર્યાદિત હોવાને કારણે વધારાની ચરબી અંદરનાં અંગોમાં જવા લાગે છે. ચરબી ક્યાં સ્ટોર થાય છે એમાં જિનેટિક્સનો ભાગ હોય છે, પરંતુ લાઇફસ્ટાઇલથી એના પ્રભાવને ઘણા અંશે બદલાવી શકાય છે.’

શરીરમાં ચાલતું ફૅટનું ગણિત

લાઇફસ્ટાઇલને કઈ રીતે સુધારવી એ સમજતાં પહેલાં આપણા શરીરમાં રહેલી વાઇટ ફૅટ અને બ્રાઉન ફૅટ વચ્ચેનો તફાવત અને એની કામ કરવાની રીત સમજવી જરૂરી છે. એ વિશે માહિતી આપતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘વાઇટ ફૅટ એ શરીરમાં સૌથી સામાન્ય જોવા મળતી ચરબી છે. એ ત્વચાની નીચે અને લિવર તેમ જ જઠર જેવાં મહત્ત્વનાં અંગોની આસપાસ સંગ્રહિત થાય છે. જ્યારે આ ચરબીનું પ્રમાણ વધે છે, ખાસ કરીને પેટના ભાગે, ત્યારે એ નુકસાનકારક બને છે અને જીવનશૈલીને લગતા રોગોનું જોખમ વધારે છે. બીજી બાજુ બ્રાઉન ફૅટ શરીરમાં ઓછી માત્રામાં હોય છે, જે સામાન્ય રીતે ગરદન અને પીઠના ઉપરના ભાગમાં જોવા મળે છે. બ્રાઉન ફૅટ મેટાબોલિઝમને ઍક્ટિવ રાખે છે, ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધારે છે, સોજો ઘટાડે છે. એટલે આમ જોવા જઈએ તો બ્રાઉન ફૅટ શરીરમાં વાઇટ ફૅટના નકારાત્મક પ્રભાવને ઓછો કરે છે. અહીં એ સમજવું જરૂરી છે કે આપણા શરીરને સરખી રીતે કામ કરવા માટે વાઇટ અને બ્રાઉન બન્ને ફૅટની જરૂર છે. વાઇટ ફૅટ શરીરમાં ઊર્જા સંગ્રહવાનું કામ કરે છે. આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે વધારાની કૅલરી આ ફૅટમાં સંગ્રહિત થાય છે, જેથી જરૂર પડે ત્યારે શરીર એનો ઉપયોગ કરી શકે. સાથે જ આ ચરબી હૉર્મોન્સ બનાવવામાં મદદ કરે છે અને આંતરિક અંગોને રક્ષણ પણ આપે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ ફૅટનું પ્રમાણ વધારે થઈ જાય અને ખાસ કરીને પેટની આસપાસ થઈ જાય.’

૧. વાઇટ ફૅટ સેલ્સ

સફેદ ચરબીના કોષોમાં એક મોટું લિપિડ ડ્રૉપલેટ એટલે કે ચરબીનું ટીપું હોય છે જે કોષની મોટા ભાગની જગ્યા રોકી લે છે. આ કોષોમાં માઇટોકૉન્ડ્રિયાની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. એનું મુખ્ય કાર્ય શરીરમાં ઊર્જાનો સંગ્રહ કરવાનું છે. જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધુ કૅલરી લઈએ છીએ ત્યારે શરીર એને બૅન્કમાં રાખેલા પૈસાની જેમ આ કોષોમાં સાચવી રાખે છે. આ ચરબી મુખ્યત્વે ત્વચાની નીચે જેમ કે પેટ, સાથળ અને થાપા પર તેમ જ શરીરનાં આંતરિક અંગોની આસપાસ જમા થાય છે.

૨. બ્રાઉન ફૅટ સેલ્સ

બ્રાઉન ચરબીના કોષોમાં એક મોટા ટીપાને બદલે ઘણાં બધાં નાનાં-નાનાં ચરબીનાં ટીપાં હોય છે. આ કોષોમાં માઇટોકૉન્ડ્રિયાની સંખ્યા ખૂબ વધારે હોય છે જેને કારણે એનો રંગ બ્રાઉન દેખાય છે. આ કોષો ઊર્જાનો સંગ્રહ કરવાને બદલે એને બાળવાનું કામ કરે છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. એ મુખ્યત્વે ગળા, ખભા, કરોડરજ્જુની આસપાસ અને છાતીના ઉપરના ભાગમાં જોવા મળે છે. નવજાત શિશુઓમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આ ચરબીનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

ફૅટની હેલ્થ કેમ સુધરે?

જિનેટિક વૃત્તિઓ હોવા છતાં જીવનશૈલીમાં કરેલા ફેરફારો મોટો ફરક પાડી શકે છે.

૧. શારીરિક રીતે સક્રિય રહો : શરીરને સક્રિય રાખવું મેટાબૉલિક હેલ્થ માટેનું સૌથી અસરકારક પગલું છે. રોજિંદા જીવનમાં ઝડપથી ચાલવું, સાઇક્લિંગ કરવી અથવા કોઈ પણ પ્રકારની કસરત કરવાથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધરે છે અને હાનિકારક ચરબી ઘટાડવામાં મદદ મળે છે. દરરોજ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ મિનિટ માટે સક્રિય રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે જ અઠવાડિયામાં બેથી ત્રણ વખત સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે, જે મેટાબોલિઝમને તેજ બનાવે છે અને શરીરને વધુ કૅલરી બાળવામાં મદદરૂપ થાય છે.

૨. સાદું અને ઘરનું ભોજન અપનાવો : આપણા દૈનિક આહારમાં સાદાઈ અને ગુણવત્તા બન્ને મહત્ત્વપૂર્ણ છે. બહારના પ્રોસેસ્ડ અને જન્ક ફૂડને બદલે તાજું અને ઘરનું ભોજન લેવું વધુ લાભદાયક છે. હળદર, આદું અને કાળા મરી જેવા પરંપરાગત મસાલા શરીરમાં સોજો ઘટાડવામાં અને મેટાબોલિઝમને સપોર્ટ કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ ગ્રીન ટી, અળસી અને અખરોટ જેવો ખોરાક શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને અંદરની પ્રક્રિયાઓને સંતુલિત રાખે છે.

૩. હાનિકારક ખોરાકથી અંતર રાખો : મેટાબૉલિક સ્વાસ્થ્ય માટે એટલું જ જરૂરી છે કે આપણે શું ટાળીએ છીએ. વધારે સાકર, મીઠાઈઓ, તળેલો ખોરાક અને પૅકેજ્ડ વસ્તુઓ શરીરમાં ચરબીના સંગ્રહને વધારવા સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં વધારો કરે છે. ખાવા-પીવાની આવી આદતો લાંબા ગાળે મેટાબૉલિક સમસ્યાઓને જન્મ આપે છે. તેથી શક્ય એટલું આ પ્રકારના ખોરાકથી દૂર રહેવું અને સંતુલિત આહાર અપનાવવો જરૂરી છે.

૪. ઊંઘ અને તનાવ પર ધ્યાન આપો : શારીરિક કસરત અને યોગ્ય આહાર જેટલું જ મહત્ત્વ ઊંઘ અને માનસિક સ્વાસ્થ્યનું પણ છે. દરરોજ સાતથી ૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાથી શરીરનાં હૉર્મોન્સ સંતુલિત રહે છે અને મેટાબોલિઝમ યોગ્ય રીતે કાર્ય કરે છે. ઊંઘની કમી થવાથી શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન કૉર્ટિસોલ વધે છે જે ચરબીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે. સાથે જ સતત રહેતો માનસિક તનાવ પણ મેટાબોલિઝમને અસર કરે છે. તેથી યોગ, ધ્યાન અથવા બ્રીધિંગ એક્સરસાઇઝ જેવી પદ્ધતિઓ અપનાવીને તનાવ નિયંત્રિત રાખવો જરૂરી છે.

જીવનશૈલીમાં ફેરફાર કરવાથી શરીરમાં ફક્ત વજનમાં જ નહીં, અંદરની મેટાબૉલિક હેલ્થમાં પણ મોટો સુધારો થાય છે. નિયમિત કસરત, સંતુલિત આહાર, સારી ઊંઘ અને ઓછો તનાવ આ બધી બાબતો સાથે મળીને શરીરની ચરબી હૅન્ડલ કરવાની ક્ષમતા સુધારે છે. પરિણામે હાનિકારક વિસેરલ (અંગોની આસપાસની) ચરબી ઘટે છે અને ઇન્સ્યુલિન વધુ અસરકારક રીતે કામ કરે છે એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે. સાથે જ સ્નાયુઓનું પ્રમાણ વધે છે, જે મેટાબોલિઝમને તેજ બનાવે છે અને શરીર વધુ સારી રીતે કૅલરી બાળે છે. શરીરમાં સોજો પણ ઓછો થાય છે જે ડાયાબિટીઝ, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર જેવા મેટાબૉલિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીવનશૈલીમાં કરેલા સકારાત્મક ફેરફારો શરીરને અંદરથી મજબૂત બનાવે છે, જેથી ભલે જિનેટિક જોખમ હોય છતાં રોગોથી બચવાની શક્યતા ઘણી વધે છે.

માત્ર વજન ઘટાડવા પાછળ ન દોડવું જોઈએ, પણ શરીરને અંદરથી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વજનકાંટા પર ઓછો આંકડો જોવા કરતાં હાનિકારક ચરબી ઘટાડવી અને મેટાબોલિઝમ સુધારવું વધુ મહત્ત્વનું છે, કારણ કે સાચું સ્વાસ્થ્ય માત્ર તમે બહારથી કેવા દેખાઓ છો એ વિશે નથી પણ તમારા શરીરની અંદર ખરેખર શું થઈ રહ્યું છે એ વિશે છે. જે દિવસે આપણે વેઇટલૉસથી હટીને ઇનર હેલ્થ પર ધ્યાન આપીશું એ દિવસે આપણે ખરા અર્થમાં નીરોગી બનીશું.

health tips healthy living life and style lifestyle news columnists