આજે વર્લ્ડ સ્લીપ ડે પર પોતાને આ સવાલ પૂછવા જેવો છે, હું મારા શરીરને વ્યવસ્થિત રીતે રિકવર થવા દઉં છું કે નહીં?

13 March, 2026 11:11 AM IST  |  Mumbai | Jigisha Jain

Sleep Well, Live Better: વર્લ્ડ સ્લીપ ડેની આ વર્ષની આ થીમ છે. આ સિમ્પલ છતાં પાવરફુલ સ્લોગન એ વાત પર ભાર મૂકે છે કે ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ માટે ઊંઘ અત્યંત આવશ્યક પરિબળ છે.

પ્રતીકાત્મક તસવીર

આપણું શરીર એક ઇન્ટેલિજન્ટ મશીન છે જેને ખુદને રિપેર કરતાં આવડે છે. શરત ફક્ત એટલી છે કે તમે એને જોઈએ એટલો પૂરતો આરામ આપો. હેલ્થનું ધ્યાન રાખવા માટે ખોરાક અને એક્સરસાઇઝ કરતાં પણ સૌથી વધુ મહત્ત્વ ઊંઘનું છે. રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે શરીરમાં દિવસ દરમિયાન લાગેલા ઘસારાનું રિપેરકામ ચાલે છે, પરંતુ જે લોકો વ્યવસ્થિત ઊંઘ લેતા નથી તેમનું શરીર રિપેર કે રિકવર થઈ નથી શકતું. કઈ રીતે ઓળખી શકાય કે રિકવરી થઈ નથી અને આવું ન થાય એ માટે શું કરવું એ સમજવાની કોશિશ કરીએ

કોઈ પણ મશીન ૨૪ કલાક ન ચાલી શકે. દરેકની પોતપોતાની કૅપેસિટી છે. એક મિક્સર ગ્રાઇન્ડરનું જ ઉદાહરણ લઈએ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પીસીએ છીએ ત્યારે વચ્ચે અમુક સેકન્ડ બંધ કરીએ છીએ અને ફરીથી ચાલુ કરીએ છીએ. કોઈ પણ સ્ત્રી મિક્સર વાપરતી હોય તો એ બંધ-ચાલુ બંધ-ચાલુવાળી મેથડનો જ ઉપયોગ કરતી નજરે ચડે છે. હવે તો ઘણાં ઍડ્વાન્સ મશીન આવી ગયાં છે તો પણ એને વાપરવાની આદત બધાની એ જ છે. જો એમ ન કરીએ તો મશીન ખૂબ ગરમ થઈ જાય. દરેક મશીનને બ્રેક જોઈએ છે. મુંબઈની લાઇફલાઇન એવી આપણી લોકલ પણ રાત્રે થંભી જાય છે. એ જે બ્રેક છે એ મશીનને ચાલતું રહેવામાં મદદ કરે છે. માણસનું શરીર પણ એક મશીન છે અને એનો બ્રેક એટલે એની રાતની ઊંઘ. કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિને રાત્રે ૭-૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે. આ મશીન એવું છે કે દિવસ દરમિયાન એ સતત કામ કરે છે, પણ રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે એ તરોતાજા થાય છે અને બીજા દિવસે કામ કરવા લાયક બને છે.

રિકવરી

રાતની ઊંઘને આપણે ખૂબ અવગણીએ છીએ. એક સારી ઊંઘ વ્યક્તિના દિવસ દરમિયાનના બધા જ થાક અને તકલીફનું નિવારણ સાબિત થાય છે. જો શરીરની દરેક સિસ્ટમ ઠીક રાખવી હોય તો રાતની ઊંઘ અનિવાર્ય છે. દિવસ દરમિયાન જુદા-જુદા કામોમાં શરીરમાં ઘણું વેર ઍન્ડ ટેર થાય છે એટલે કે ઘણો ઘસારો લાગે છે. એને રિપેર કરવાની જરૂર પડે છે જે રિપેરકામ રાત્રે થાય છે. આખા દિવસમાં દરેકેદરેક સિસ્ટમમાં કેટકેટલું કામ ચાલતું હોય છે. મગજથી લઈને હૃદય સુધી, હાડકાંથી લઈને સ્નાયુઓ સુધી, લોહીની નળીઓથી લઈને પાચન સુધી, લિવરથી લઈને કિડની સુધી દરેકેદરેક સિસ્ટમમાં જે પણ ઘસારો લાગ્યો છે એ ઘસારાની રિકવરી રાત આખામાં આવે છે. આપણે દિવસે જે મેમરી બનાવી એને સ્ટોર કરવાનું કામ રાત્રે થાય છે. લિવર દ્વારા શરીરનાં ટૉક્સિન્સ દૂર કવાનું કામ રાત્રે થાય છે. સ્નાયુ ઘસાયા હોય એનું રિપેરકામ રાત્રે થાય છે, પાચન પૂરેપૂરું થઈને રાત્રે શરીરમાં મળ બને છે જેનાથી કચરો સવારે શરીરમાંથી બહાર ફેંકાઈ શકે. આમ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ પણ શરીર નામનું મશીન પોતાને ઠીક કરવામાં લાગેલું હોય છે. જો આપણે રાત્રે ન સૂઈએ તો એને રેસ્ટ મળતો નથી. એ ખુદને પૂરી રીતે રિપેર કરી શકતું નથી.

નુકસાન

હેલ્થની બાબતમાં લોકો ખોરાક પર, એક્સરસાઇઝ પર કે હલનચલન પર ધ્યાન આપતા હોય છે પણ ઊંઘ પર નહીં એમ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘આપણે જો હેલ્થને સારી રાખવી હોય તો ઊંઘને સર્વોપરી રાખવી જોઈએ. ખાવામાં થોડું ઉપર-નીચે થાય, એક્સરસાઇઝ એકાદ દિવસ છૂટી જાય તો ચાલી શકે પરંતુ ઊંઘમાં એક દિવસની પણ ખલેલ શરીર પર તરત અસર કરે છે. રાત્રે જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી તેમના શરીરમાં રિકવરી આવતી નથી. એટલે કે શરીર બીજા દિવસે ફરીથી વ્યવસ્થિત કામ કરવા માટે તૈયાર થયું જ નથી. આવું જ્યારે સતત થયા કરે ત્યારે શરીર ધીમે-ધીમે નબળું બનતું જાય. પાચન નબળું થઈ જાય, મગજ વ્યવસ્થિત ચાલે નહીં, એક જગ્યાએ ધ્યાન ન આપી શકાય, યાદશક્તિ પર અસર પડે, કુપોષણ આવે, નાની ઉંમરમાં ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવા રોગો આવે જેને લીધે હાર્ટ-ડિસીઝની તકલીફ થાય, લિવર અને કિડની નાની ઉંમરમાં વ્યવસ્થિત કામ ન કરી શકે એટલે ધીમે-ધીમે શરીરમાં ટૉક્સિન્સનો ભરાવો થાય અને શરીર ધીમે-ધીમે રોગનું ઘર બની જાય. આમ આ રિકવરી અત્યંત મહત્ત્વની છે જેના માટે રાત્રે ૧૦થી સવારની ૬ વાગ્યાની ઊંઘ અનિવાર્ય છે.’

શું કરવું?

સારી ઊંઘ માટે વ્યક્તિએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે એ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિ શાહ કહે છે, ‘રાત્રે જમવાનું જેટલું જલદી લઈ શકો એટલું બેસ્ટ. સૂર્યાસ્ત પહેલાં જમી શકો તો ખૂબ સારું, નહીંતર કોશિશ કરીને ૭.૩૦ સુધીમાં જમી લેવું. બીજું એ કે રાત્રે એકદમ મીઠાં પીણાં ન લેવાં. શુગર એકદમ અવૉઇડ કરવી. ભારે લાગે એવું જમવું નહીં. ડિનર થોડું હળવું જ રાખવું. સૂવાનો અને ઊઠવાનો સમય નિશ્ચિત કરી દો. જેમ કે રાત્રે ૧૦ વાગ્યે તમે સૂઈ જ જાઓ એવો નિયમ હોય તો પોણાદસ પહેલાં તમારે રૂમમાં પહોંચી જવું. એક બેડટાઇમ રૂટીન કેળવો જેથી સમયપર ઊંઘ આવી જ જાય. સાંજે ૪ પછી ચા કે કૉફી કે ગ્રીન ટી પણ ન પીવી. સૂવાના એક કલાક પહેલાં મોબાઇલ અને ટીવીથી દૂર રહેવું. જેમને વાંચવાની આદત હોય તે બુક વાંચતાં-વાંચતાં સૂઈ શકે છે, એ એક હેલ્ધી આદત છે. રાત્રે સૂતાં પહેલાં વધુપડતું પાણી ન પીવું કે રાત્રે બાથરૂમ જવા માટે તમારે ઊઠવું પડે.’

ઊંઘમાં રિકવરી આવી છે કે નહીં એ કઈ રીતે સમજી શકાય? ધ્વનિ શાહ પાસેથી જાણીએ ખાસ ચિહ્નો...

તમે સૂઓ છો જ એટલા માટે કે શરીર અને મગજ બન્નેનો થાક દૂર થઈ શકે પરંતુ તમે જ્યારે ઊઠો છો ત્યારે થાકેલા જ હો, બગાસાં ખાતા હો, કોઈ પણ કામ કરવા માટે તત્પરતા લાગતી ન હોય, એકદમ ફ્રેશનેસ ફીલ ન થતી હોય તો સમજવું કે તમારી રિકવરી આવી નથી.

ઘણી વખત લોકો સવારે ઊઠે ત્યારે સાવ શૂન્યમનસ્ક હોય છે. સવાર પડી છે એટલે તે ઊઠ્યા છે એ તેમને ઝટ દઈને ક્લિક થતું નથી. આજે શું છે, શું કરવાનું છે એની સમજ પડે નહીં. મેકૅનિકલી ઊભા થઈને બાથરૂમમાં જઈને બ્રશ પકડી પણ લે પણ અરીસામાં બાઘાની જેમ જોયે રાખે. કે ફોન પર કોઈ પણ રીલ ચલાવીને એ જોયે રાખે, તેમનું મગજ કામ ન કરતું હોય એવું લાગે. એને બ્રેઇન ફૉગ કહે છે. આ પરિસ્થિતિ સૂચવે છે કે રિકવરી થઈ નથી.

તમને ઊઠીને એકદમ ભારે લાગતું હોય, જ્યારે વધુ જમાઈ ગયું હોય ત્યારે એક પ્રકારની હેવીનેસ લાગતી હોય એવું ઊઠ્યા પછી ન લાગવું જોઈએ. ઊઠીને એક વખત પેટ સાફ આવી ગયા પછી તો ચોક્કસ એકદમ હળવું લાગવું જોઈએ, પણ એવું લાગે નહીં તો ઊંઘ વ્યવસ્થિત નથી થઈ. બ્લોટિંગ પણ એક મહત્ત્વનું ચિહ્‍ન છે. જેમને બ્લોટિંગની તકલીફ ખૂબ રહેતી હોય એ લોકોએ તેમની ઊંઘ તપાસવી. વ્યવસ્થિત સૂઈ ન શક્યા હોય ત્યારે રિકવરી આવી ન હોય અને એને કારણે જ બ્લોટિંગ પણ રહે છે. ઊંઘ્યા પછી પેટ એકદમ હળવું લાગવું જોઈએ. જો એ લાગતું નથી તો એનું એક જ મુખ્ય કારણ છે કે ઊંઘમાં રિકવરી જોઈએ એવી આવી નથી.

જો તમે રાત્રે એકથી ત્રણની વચ્ચે ઊઠી જાઓ. ક્યારેક ઊઠી જવું નૉર્મલ ગણી શકાય પણ જો વારંવાર એવું થતું હોય તો તમારે એના પર કામ કરવાની જરૂર છે. એ પણ એટલી જ હકીકત છે કે એક દિવસ પણ જો તમે એકથી ૩ વચ્ચે ઊઠી ગયા, થોડો સમય ફરીથી સૂવાની કોશિશ કરીને સૂઈ ગયા તો પણ એ દિવસની રિકવરી આવી નથી. એનું કારણ છે કે આ સમય લિવરના ડીટૉક્સિફિકેશનના કાર્ય માટેનો નિશ્ચિત સમય છે. એ લિવર ડીટૉક્સ શક્ય બનતું નથી જ્યારે તમે એ સમયે ઊઠી જાઓ છો. એનો એક અર્થ એ પણ થાય કે તમારા લિવર પર ઓવરલોડ થઈ રહ્યો છે. કામ એનું વધી રહ્યું છે એટલે એ વ્યવસ્થિત કામ નથી કરી શકતું.

healthy living mental health health tips Jigisha Jain columnists gujarati mid day lifestyle news life and style