20 May, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિટામિન B7ના નામે ઓળખાતા બાયોટિન વૉટર સૉલ્યુબલ એટલે કે દ્રાવ્ય વિટામિન છે જે ગર્ભાવસ્થા દરમિયાન બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિટામિન ગર્ભના વિકાસમાં તો મદદ કરે જ છે, સાથે એનર્જી જાળવી રાખવાનું તથા મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયાને પણ સુધારે છે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે ગર્ભવતી મહિલાઓમાં બી કૉમ્પ્લેક્સ કહેવાતા બાયોટિનની અછત હોવી બહુ જ સામાન્ય વાત ગણાય છે, પણ ગર્ભમાં વિકસી રહેલા બાળકના વિકાસમાં એ અવરોધ ઊભો કરે છે. તેથી જો બાયોટિનયુક્ત આહારને ડાયટમાં સામેલ કરવામાં આવે તો માતા અને બાળકને ફાયદો થશે.
શા માટે જરૂરી છે?
પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની માગ વધે છે. એમાં બાયોટિન પણ સામેલ છે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં બાયોટિનની જરૂરિયાત વધી જાય છે. કેટલીક મહિલાઓમાં બાયોટિનનું સ્તર ઘટી જાય છે, પરિણામે બાળક ખોડખાંપણવાળું એટલે કે દોષ સાથે જન્મે છે. પ્રેગ્નન્સી દરમિયાન બાયોટિન બાળકની દૃષ્ટિ, કાન અને નસોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે. તેથી હેલ્ધી પ્રેગ્નન્સી માટે ડૉક્ટર્સ પણ બાયોટિનયુક્ત આહારનું સેવન કરવા પર ભાર મૂકતા હોય છે. બાયોટિન શરીરમાં સંગ્રહિત થઈ શકતું નથી. શરીરમાં એનું પ્રમાણ જાળવી રાખવા માટે રેગ્યુલર ડાયટમાં એનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. આમ તો બાયોટિનનાં સપ્લિમેન્ટ્સ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે, પણ એને ખોરાકના માધ્યમથી લેવાં વધારે સારું કહેવાય.
કયા આહારમાંથી મળે?
બદામ, અખરોટ, સૂર્યમુખીનાં બી અને મગફળીમાંથી ભરપૂર પ્રમાણમાં બાયોટિન મળી રહે છે. આ ઉપરાંત એમાંથી હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન પણ મળતાં હોવાથી પ્રેગ્નન્સી દરમિયાન એનું નિયમિત સેવન કરવું જોઈએ.
સ્વીટ પટેટો એટલે કે શક્કરિયાંમાં પણ વિટામિન્સ અને ફાઇબરની સાથે બાયોટિન પણ હોય છે. એમાં રહેલું વિટામિન A ગર્ભમાં બાળકની આંખો અને ત્વચાના વિકાસમાં મદદ કરે છે.
પોટૅશ્યમથી ભરપૂર કેળાંમાં પણ બાયોટિન હોય છે જે એનર્જી અને પોષણ તો આપે જ છે, સાથે પાચનતંત્ર માટે પણ સારું ગણવામાં આવે છે.
લીલાં પાંદડાંવાળી શાકભાજીની વાત કરીએ તો આયર્ન અને ફોલેટથી ભરપૂર પાલકમાં પણ બાયોટિન મળી આવે છે. પાલકનું શાક ખાવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો શરીરને ઍબ્સૉર્બ કરવામાં મદદ મળે છે અને પ્રેગ્નન્સીમાં પાલક તો અચૂક ખાવી જોઈએ એવી સલાહ ડૉક્ટર્સ પણ આપે છે.
ઘઉંની રોટલી અને બ્રાઉન રાઇસમાં પણ ફાઇબર અને આયર્ન સાથે વિટામિન B કૉમ્પ્લેક્સ સાથે બાયોટિન પણ હોય છે જે શરીરમાં એનર્જીનું પ્રમાણ જાળવી રાખવામાં અને પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે.
દૂધ, દહીં અને પનીર જેવી ડેરી-પ્રોડક્ટ્સ ફક્ત કૅલ્શિયમ અને પ્રોટીન જ નથી આપતી, એમાંથી બાયોટિન પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. જે ગર્ભવતી મહિલાઓને ડેરી-પ્રોડક્ટ્સ પચી જતી હોય તેમણે પ્રેગ્નન્સી દરમિયાન ભરપૂર ખાવી જોઈએ.