તમારું બાળક સૌથી વધારે તમારી સામે ટૅન્ટ્રમ દેખાડે છે?

31 March, 2026 01:05 PM IST  |  Mumbai | Jigisha Jain

આજે સમજવાની કોશિશ કરીએ કે કેમ આવું થાય છે અને આવું થાય ત્યારે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

બાળક કેમ મારી સાથે જીભાજોડી કરે છે, કેમ મારું કહ્યું જ નથી માનતો, કેમ હું કામ સોંપું ત્યારે જ નખરાં બતાવ્યા કરે છે, કેમ મારી સામે જ જીદે ચડે છે, કેમ મને અવગણે છે... એવા અઢળક ‘કેમ’ મમ્મીઓને હેરાન કરતા હોય છે. આખી દુનિયા સામે નૉર્મલ રહેતું બાળક અચાનક મા પાસે આવીને જીદ કરે, તેને નખરાં દેખાડે, તેની વાત ન માને ત્યારે મમ્મીઓને થાય છે કે આ મારી સાથે જ ખરાબ વર્તન કરે છે. આજે સમજવાની કોશિશ કરીએ કે કેમ આવું થાય છે અને આવું થાય ત્યારે શું કરવું?

મારી પાંચ વર્ષની મિરાયાને ઘરે મમ્મી પાસે મૂકીને કામે જાઉં ત્યારે આખો દિવસ તે એકદમ શાંત રહે; તેનું ખાવાનું, નહાવાનું, રમવાનું બધું જ મજેથી કરે. જેવી હું ઘરે આવું ત્યારે તે પ્રૉબ્લેમ્સ કરતી થઈ જાય છે. નાની-નાની વાતે રડવા લાગે છે, જેને કારણે મમ્મી મને સંભળાવતાં થઈ ગયાં છે કે તું હોય છે ને ત્યારે જ રડે છે, બાકી તો એકદમ ખુશ હોય છે.

મારી સાત વર્ષની ઝલક કોઈના ઘરે જાય ત્યારે આખી થાળી ખતમ કરે, વ્યવસ્થિત જમી લે અને ઘરમાં હું સામે હોઉં તો મમ્મી, આ નથી સારું, પેલું નથી ભાવતું કર્યા કરે. જે મગ માસીને ત્યાં ખાઈ લે છે એ મગને ઘરમાં તો હાથ પણ નથી લગાડતી. મારી સામે જ નખરાં કરતી હોય છે. 

મારો ૧૦ વર્ષનો અયાન ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ કામ સોંપે તો ક્યારેય ના ન પાડે. આ લઈ આવ, આ મૂકી આપ, દરવાજો ખોલ, અંદરથી પર્સ લેતો આવ, ફોન ચાર્જ પર મૂકી દે જેવાં દિવસનાં સો જેટલાં કામ દોડી-દોડીને કરશે. પણ જેવી હું કહીશ કે મને એક ગ્લાસ પાણી આપ, તો ઊભો થવામાં એટલી વાર કરશે કે માણસ તરસ્યું મરી જાય. એક મા તરીકે એક ગ્લાસ પાણી કોઈ પાય એ પણ સુખ નથી.

મારા ૧૩ વર્ષના દીકરા અક્ષયને હું ના પાડું કે ગેમ રમવાની નથી તો મારી ‘ના’ની તેના પર કોઈ અસર જ હોતી નથી. જો હું રિમોટ સંતાડી દઉં તો મારી સામે એટલી જીદ કરશે કે પૂછો નહીં, એ જ વાત તેના પપ્પા કહે તો દુખી થાય, પણ જરાય જીદ ન કરે. વાત માની લે. કેમ તે મારી જ સામે જીદ કરે છે?

મારી ૧૪ વર્ષની દીકરી ખુશ્બૂએ રસોડામાં કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે બધા માટે ચા બનાવી. ઘરમાં બધા ખૂબ ખુશ થયા. બીજા દિવસે મેં તેને કહ્યું કે મારા માટે ચા મૂકી દે. બસ, તો સીધી મોઢા પર ના : હું નહીં મૂકું, તું જાતે બનાવી લે. ચા બનાવતાં મેં શીખવી, બધા માટે બનાવી, મારા માટે કેમ નહીં?

અહીં વાત જુદી-જુદી મમ્મીઓ કરી રહી છે પણ મૂળ પ્રૉબ્લેમ તો દરેક મમ્મીનો છે જ. આ વાતમાં દરેક મમ્મીએ પોતાની છબી નિહાળી જ લીધી હશે. બાળક નાનું હોય કે મોટું, મોટા ભાગે સૌથી વધારે સમય તે તેની મા સાથે વિતાવતું હોય છે. માએ નાનપણથી તેની ખૂબ કાળજી લીધી હોય છે. નાની-નાની વાતોમાં તેને માની જરૂર હોય છે. કોઈ પણ તકલીફ હોય તો પહેલાં તેને મા યાદ આવે છે અને બાળકના જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ તેની મા હોય છે, પણ એ જ બાળક તેની મા સાથે ઘણી લિબર્ટી લેતું હોય છે જેની ફરિયાદ મોટા ભાગે માને હોય છે.

મારી સાથે જ કેમ?

કેમ તે મારી સાથે જીભાજોડી કરે છે, કેમ મારું કહ્યું જ નથી માનતો, કેમ હું કામ સોંપું ત્યારે જ નખરાં બતાવ્યા કરે છે, કેમ મારી સામે જ જીદે ચડે છે, કેમ મને અવગણે છે... એવા અઢળક ‘કેમ’ મમ્મીઓને હેરાન કરતા હોય છે. બાળકને ડિસિપ્લિન કરવાનું કામ મમ્મી સંભાળે છે. બહાર કઈ રીતે લોકો સામે રહેવું, વર્તન સારું કરવું એ મમ્મી શીખવે છે. આમ બોલાય, આમ ઉઠાય, આમ બેસાય જેવી કેટકેટલી સારી બાબતો શીખવે છે. બાળકો એવી જ રીતે બહાર જઈને વર્તે છે. બીજા લોકો સાથે એકદમ સભ્ય અને સંસ્કારી રીતે વર્તે છે. પણ જેણે આ બધું શીખવ્યું છે તેની સાથે એ રીતે વર્તન કરતાં નથી. તેની સામે ઘણી છૂટછાટ લે છે. એટલે મમ્મીઓ દુખી થઈ જતી હોય છે. પરંતુ આ પ્રકારનું વર્તન એકદમ નૉર્મલ છે અને એક રીતે એ મમ્મી અને બાળક વચ્ચેનો સ્ટ્રૉન્ગ બૉન્ડ બતાવે છે. કઈ રીતે? એ સમજીએ.

ઇમોશનલ ઑફ-લોડિંગ

આવું બાળકો જ નહીં, આપણે પણ કરતા હોઈએ છીએ એમ સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ શ્વેતા ગાંધી કહે છે, ‘આવું થવું એકદમ નૉર્મલ છે જેને અમે સાઇકોલૉજીની ભાષામાં ઇમોશનલ ઑફ-લોડિંગ કહીએ છીએ. આમ કરવું અને આમ ન કરવું, આમ રહેવાય અને આમ ન રહેવાય એ પ્રકારના નિયમો આપણે બધા જ ફૉલો કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે આપણી પોતાની કે આપણી એકદમ નજીકની વ્યક્તિ મળે તેની પાસે આપણે ઠલવાઈ જતા હોઈએ છીએ. તેની સામે આપણાં ઇમોશન્સ જેવાં છે એવાં જ નીકળે છે. બાળક આવું કરે છે, કારણ કે તે તમને તેની સેફ સ્પેસ ગણે છે. મમ્મીને તો કહેવાય, મમ્મી સાથે તો આમ રહેવાય, કારણ કે તે ‘મમ્મી’ છે; તે મને સમજે છે. તે મારી છે. આવું અનુભવતું બાળક મમ્મી સાથે લિબર્ટી લઈ લે છે. ખાસ ધ્યાન આપશો તો સમજાશે કે આવું કરનારાં બાળક અને મમ્મી વચ્ચે એક મજબૂત બૉન્ડ હોય છે. એ બૉન્ડને ચેરિશ કરવો જોઈએ. બાળક જે કરે છે તેના વર્તન તરફ ધ્યાન આપીને દુખી થવાને બદલે એ સમજવાનું છે કે આવું તે ફક્ત તમારી સાથે જ કરી શકે છે કારણ કે તમે તેની સૌથી નજીક છો.’

કરવું શું?

હાર્વર્ડ યુનિવર્સિટીનું એક રિસર્ચ જણાવે છે કે જે બાળકો મોટાં થઈ રહ્યાં છે તેઓ તેમના પ્રાઇમરી કૅર-ગિવર્સ સામે નખરાં બતાવે છે. મોટા ભાગે આ જગ્યાએ મમ્મી જ હોય છે એમ જણાવતાં શ્વેતા ગાંધી કહે છે, ‘આવા સમયે મમ્મીઓ ખુદ વિચારે છે કે તેમના ઉછેરમાં ક્યાં ચૂક રહી ગઈ. પણ સમજવાની વાત એ છે કે બાળકો જે પણ કરી રહ્યાં છે એ તમારું ડિસરિસ્પેક્ટ કે અપમાન નથી, બાળકો જે અનુભવી રહ્યાં છે એ તમારી સામે સુરક્ષિત મહેસૂસ કરીને જતાવી રહ્યાં છે. આવામાં તમે તેમની લાગણીઓને સાંભળો અને સમજો. બાળકને પૂરતો સમય આપો. તું જે અનુભવે છે એ ખોટું છે એવું કહેવાની જરૂર નથી. જેમ કે બાળક તમારી સામે ગુસ્સો કરતું હોય તો તેને પહેલાં ગુસ્સો કરી લેવા દો. તેનું સાંભળી લો. એ થઈ જાય પછી તે શાંત થાય એટલે તમે તેને જે સમજાવવા માગો છો એ સમજાવો. પણ એક વાર તેની લાગણીઓને બહાર આવી જવા દો એ જરૂરી છે. આ સમયે તરત તેને ખિજાવાની, તેના પર ગુસ્સે થવાની કે તેને સજા આપવાની બિલકુલ જરૂર નથી. આ સમયે પ્રેમથી અને ધીરજથી કામ કરવું જરૂરી છે.’

આટલું ધ્યાન રાખો

એકદમ નાનાં બાળકોની માનસિકતા સમજાવતાં મીનલ મખીજા કહે છે, ‘ઘણી વાર એવું થાય છે કે બાળક સ્કૂલ જાય ત્યાં કોઈ બનાવ બન્યો હોય કે બહાર તેના મિત્રો સાથે કંઈ ઝઘડો થયો હોય તો ત્યાંનો જે ગુસ્સો, તકલીફ કે દુઃખ હોય છે એ કઈ રીતે એક્સપ્રેસ કરવું એ બાળકને સમજાતું નથી. એટલે તે ઘરે આવે ત્યારે ટૅન્ટ્રમના નામે એ બહાર આવતું હોય છે. ઘણી વાર તે પોતે અઢળક સ્ટ્રેસમાં હોય, અસુરક્ષા અનુભવતું હોય, માને ખૂબ મિસ કરતું હોય તો શક્ય છે કે કોઈ જુદી રીતે તેનાં એ ઇમોશન્સ બહાર આવે છે. બાળક ધીમે-ધીમે મોટું થાય ત્યારે પોતાનાં સમોશન્સને વધુ સારી રીતે સમજી શકે છે અને સારી રીતે એ એક્સપ્રેસ પણ કરી શકે છે. તમે તેને તે જે અનુભવે છે એને સારી રીતે એક્સપ્રેસ કરી શકે એવું વાતાવરણ આપો અને પૂરતો સમય આપો. આપોઆપ એ સમજ આવતી જશે.’

પ્રેમથી તેને એ હક આપો

વિચારવા જઈએ તો દરેક બાળક આવું જ હોય છે. બાળકનાં મમ્મી-પપ્પા બની ગયા પછી પણ આપણે આપણાં માતા-પિતા પાસેથી હજી પણ લાડની અપેક્ષા રાખીએ છીએ. ઘણીબધી સ્ત્રીઓ જે સાસુ માટે દોડી-દોડીને કામ કરતી હોય છે, મમ્મીને ધડ દઈને ‘ના’ પાડી જ દેતી હોય છે. ઘણા છોકરાઓ જે પત્નીના હાથનું જેવું-તેવું ખાઈ લેતા હોય છે પણ મમ્મી પાસે તંત કરે છે કે મને આવું જ બનાવી દે. મમ્મી થાકી પણ ગઈ હોય તો કહેશે કે ના, મારે માટે બનાવ. આ સ્વભાવ સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ મીનલ મખીજા કહે છે, ‘આવું રહેવું એ કોઈ પણ ઉંમરના બાળક માટે એક લહાવો છે. ખૂબ ઓછી જગ્યા છે દુનિયામાં જ્યાં તમે ટૅન્ટ્રમ થ્રો કરો અને એને હોંશે-હોંશે વધાવી લેવામાં આવે. દરેક બાળકના જીવનમાં આ લહાવો હોવો જ જોઈએ. એટલે તેના આ વર્તનને સુધારવાની બિલકુલ જરૂર નથી. મમ્મી તરીકે તમારે એને પર્સનલી લેવું નહીં. બને કે દસ વાર તે એવું કરે તો એમાં બે-ત્રણ વાર તો તમને પણ ગુસ્સો આવે. પણ જ્યાં સુધી બાઉન્ડરી ક્રૉસ નથી થઈ રહી કે એકદમ અપમાનજનક પરિસ્થિતિ ઊભી નથી થઈ રહી ત્યાં સુધી વાંધો નથી. જો તમે તેને સુધારવા જશો, વધુ કડક બનશો, ગુસ્સે થશો કે પનિશમેન્ટ આપશો તો બાળક તમારી પાસે પણ વ્યક્ત થતું બંધ થઈ જશે, જે ખોટું છે. જે પણ ઇમોશન બાળકના મનમાં હોય એ બહાર આવવાં જરૂરી છે. એટલે જો તે તમારા પર આવો હક જતાવે તો તેને પ્રેમથી એ હક આપો.’

mental health health tips healthy living life and style lifestyle news columnists Jigisha Jain