તમારે ત્યાં પ્રેશર-કુકર બરાબર સાફ થાય છે?

26 August, 2026 06:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગનાં ઘરોમાં કુકર તો ધોવાઈ જાય છે, પણ એના ઢાંકણામાં લગાવેલી રબરની રિંગ પર વધુ ધ્યાન અપાતું નથી અને ભવિષ્યમાં એ જ તમારી હેલ્થ ખરાબ થવાનું કારણ બને છે

તમારે ત્યાં પ્રેશર-કુકર બરાબર સાફ થાય છે?

દરરોજ રસોડામાં દાળ-ભાત કે શાક બનાવવા માટે વપરાતું પ્રેશર-કુકર બધાના જ ઘરે હોય છે. અત્યારે એના વગર રસોઈ બનાવવાનો વિચાર કરવો અશક્ય જેવું થઈ ગયું છે. રસોઈ પૂરી થયા પછી આપણે કુકરને સોપ-વૉશથી ધોઈ તો નાખીએ છીએ, પણ શું તમે એના ઢાંકણામાં લાગેલી રબરની ગૅસ્કેટ એટલે કે રબરની રિંગને દરરોજ સાફ કરો છો? શું તમે વ્હીસલ કાઢીને એની આસપાસનો ભાગ બરાબર સાફ કરો છો? ન કરતાં હો તો એમ કરવું જરૂરી છે. મોટા ભાગનાં ઘરોમાં રસોઈ કરતી વખતે કે વાસણ ધોતી વખતે આ નાનકડી રબરની રિંગ તરફ ધ્યાન જતું નથી. જોકે આરોગ્ય નિષ્ણાતોના મતે આ નાનકડી બેદરકારી લાંબા ગાળે પાચનતંત્ર અને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

સાફ ન કરીએ તો શું થાય?

કુકરની રિંગમાં ખોરાકના સૂક્ષ્મ કણો, તેલ-ઘીની ચીકાશ અને ભેજ ભરાઈ રહે છે. બહારથી જોતાં આ રિંગ સાફ દેખાઈ શકે છે, પરંતુ એના અંદરના વળાંકોમાં ભેજને કારણે બૅક્ટેરિયા અને ફૂગ ખૂબ જ ઝડપથી વધે છે. જો એને દરરોજ ધોવામાં ન આવે તો થોડા દિવસોમાં એમાંથી દુર્ગંધ આવવા લાગે છે જે વાસ્તવમાં બૅક્ટેરિયલ ગ્રોથની નિશાની છે.
જો રિંગમાં ફૂગ જામી ગઈ હોય કે ભારે દુર્ગંધ આવતી હોય તો ખોરાક પીરસતી વખતે કે રસોઈ બનાવ્યા પછી હૅન્ડલિંગ દરમ્યાન ફૂડ-પૉઇઝનિંગ થવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને નાનાં બાળકો અને વૃદ્ધો માટે આ વધારે સંવેદનશીલ બની શકે છે.

શું કરવું જોઈએ?

 કુકરના ઉપયોગ પછી રબરની રિંગ અને વ્હીસલ બન્ને બહાર કાઢીને નવશેકા પાણી અને માઇલ્ડ ડિશ-વૉશ સોપથી ધોઈ નાખો.
 ધોયા પછી એને સંપૂર્ણપણે સુકાવા દો. ભીની કે ભેજવાળી રિંગ કે વ્હીસલને ક્યારેય કુકરમાં પાછી ન ભરાવો.
 અઠવાડિયામાં એક વાર રિંગને ગરમ પાણી અને લીંબુ અથવા વિનેગરના મિશ્રણમાં થોડી વાર બોળી રાખીને ઊંડાણપૂર્વક સાફ કરો.
 કુકરને બંધ કરીને મૂકતી વખતે ઢાંકણને ચુસ્તપણે લૉક કરવાને બદલે સહેજ ખુલ્લું રાખો, જેથી અંદર વરાળ કે ભેજ એકઠો ન થાય.
જો રબરમાં તિરાડ પડી હોય, એ ઢીલી થઈ ગઈ હોય કે એનો રંગ સાવ બદલાઈ ગયો હોય તો એને તરત જ નવી રિંગથી બદલી નાખો. આ સુરક્ષા અને સ્વચ્છતા બન્ને માટે જરૂરી છે.

lifestyle news life and style healthy living health tips gujarati mid day