સતત થાક લાગવો દર વખતે આયર્નની કમી ન પણ હોય

04 February, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હીમોગ્લોબિન ઓછું છે એમ વિચારીને બેફામ આયર્ન સપ્લિમેન્ટ લેતા લોકો ખાસ વાંચે આ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ઘણી વાર જ્યારે આપણને ખૂબ થાક લાગે, આળસ આવે કે યાદશક્તિ નબળી પડે ત્યારે આપણે માની લઈએ છીએ કે શરીરમાં લોહી અથવા આયર્નની ઊણપ હશે પરંતુ સ્કૉટલૅન્ડની ૨૬ વર્ષની નર્સ બેથ મુઈર સાથે બનેલી ઘટનાએ એક મહત્ત્વના વિષય પર લોકોનું ધ્યાન દોર્યું છે. થાક અને માનસિક સુસ્તીના સતત અનુભવને કારણે આયર્નની કમીની ધારણા સાથે એનાં સપ્લિમેન્ટ લેતી નર્સે જ્યારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તેને આયર્નની ઊણપ નહીં પરંતુ ‘હીમોક્રોમેટોસિસ’ નામની બીમારી હતી. આ એક આનુવંશિક જિનેટિક સ્થિતિ છે જેમાં શરીર ખોરાકમાંથી જરૂર કરતાં વધુ આયર્ન શોષવા લાગે છે. આ વધારાનું આયર્ન ધીમે-ધીમે લિવર, હૃદય, સાંધા અને પૅન્ક્રિયાસમાં જમા થાય છે જે લાંબા ગાળે આ અંગોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. એને સેલ્ટિક કર્સ પણ કહેવામાં આવે છે કારણ કે એ આયરલૅન્ડ અને સ્કૉટલૅન્ડના મૂળ વતનીઓમાં વધુ જોવા મળે છે. એટલે આયર્નની કમી જ નહીં પણ આયર્નનો અતિરેક પણ સેમ ટુ સેમ લક્ષણો દેખાડે છે અને ઘણી વાર લોકો સમજ્યા વિના સપ્લિમેન્ટનું સેવન કરીને પરિસ્થિતિને વધુ વણસાવી દેતા હોય છે.

અતિશય અને સતત થાક લાગવો, સાંધામાં દુખાવો (જાણે સાંધાને અંદરથી કાટ લાગી રહ્યો હોય એવો અનુભવ), પેટમાં દુખાવો અથવા અસ્વસ્થતા, યાદશક્તિ નબળી પડવી અથવા એકાગ્રતા ઘટવી, હૉર્મોન્સમાં ફેરફાર અથવા મૂડ ખરાબ રહેવો આ બધાં જ લક્ષણો આયર્ન એટલે કે લોહ તત્ત્વનું પ્રમાણ વધી જાય ત્યારે પણ જોવા મળે છે. એવામાં તપાસ વિના સીધી તમે લોહીની ઊણપ સમજીને જાતે-જાતે દવા લેવા માંડો તો આ દવા શરીરમાં ઝેર જેવું કામ કરે છે અને શરીરમાં આયર્નનું સ્તર ખતરનાક રીતે વધારી દે છે. આ બીમારીના નિદાન માટે લોહીની સાદી તપાસ કરવામાં આવે છે. જો આયર્નનું પ્રમાણ વધુ હોય તો જિનેટિક ટેસ્ટ કરવામાં આવે છે. એની સારવારમાં શરીરમાંથી લોહી કાઢવામાં આવે છે જેથી શરીર વધારાના આયર્નનો ઉપયોગ કરીને નવું લોહી બનાવે. આનાથી શરીરમાં આયર્નનું સ્તર ફરી સામાન્ય થઈ જાય છે.

આખી વાતનો સાર એટલો કે આયર્ન સપ્લિમેન્ટ્સ લેતાં પહેલાં હંમેશાં બ્લડ ટેસ્ટ કરાવો. જો પરિવારમાં કોઈને આ બીમારી હોય તો ટેસ્ટ જરૂર કરાવો કારણ કે આ વારસાગત બીમારી છે. આ અવસ્થામાં વિટામિન Cનું સેવન પણ ટાળવું જોઈએ કારણ કે એ આયર્નનું શોષણ વધારે છે.

health tips healthy living life and style lifestyle news columnists