ગરમીમાં શરીરને રાખવું હોય કૂલ તો ડાયટમાં સામેલ કરો અસલી દેશી કાકડી

13 May, 2026 03:06 PM IST  |  Mumbai | Heena Patel

મે મહિનાની ગરમી ચરમસીમાએ હોય ત્યારે બજારમાં મળતી હાઇબ્રિડ કે અંગ્રેજી કાકડી કરતાં દેશી કાકડી ખાવી સારી. આ કાકડી માત્ર સ્વાદમાં જ ચડિયાતી નથી, એના ફાયદા પણ અદ્ભુત છે...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સામાન્ય રીતે બજારમાં હાઇબ્રિડ અને અંગ્રેજી કાકડી વધુ જોવા મળે છે; પણ સ્વાદ, ઠંડક અને પોષણની બાબતમાં દેશી કાકડી આજે પણ એક પગલું આગળ માનવામાં આવે છે. ખાસ કરીને મે મહિનાની કાળઝાળ ગરમીમાં દેશી કાકડી શરીરને કૂલ રાખવા માટે પર્ફેક્ટ સમર-ફૂડ સાબિત થાય છે. આજે આપણે ભાયખલામાં ઝીલ વેલનેસ નામે ક્લિનિક ચલાવતાં ડાયટિશ્યન સકીના પત્રાવાલા પાસેથી દેશી કાકડીના ગુણો અને એના સેવનની યોગ્ય રીત વિશે જાણી લઈએ.

ગરમીમાં દેશી કાકડી કેમ સારી?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં દેશી કાકડી હાઇબ્રિડ કાકડીની સરખામણીએ વધુ ગુણકારી સાબિત થાય છે, કારણ કે એમાં હાઇડ્રેશન અને પોષક તત્ત્વોનું પ્રમાણ વધુ હોય છે. દેશી કાકડીમાં કુદરતી રીતે પાણીનું સ્તર ઊંચું હોય છે જે શરીરને લાંબો સમય હાઇડ્રેટેડ રાખે છે. એની જાડી છાલ ફાઇબરનો અદ્ભુત સ્રોત પૂરો પાડે છે. આ ઉચ્ચ ફાઇબર ઉનાળામાં સુસ્ત બનેલા પાચનતંત્રને ગતિ આપે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે, જેનાથી પેટમાં હળવાશ અને ઠંડક જળવાઈ રહે છે. આ કાકડીમાં પોટૅશિયમ અને મૅગ્નેશિયમ જેવાં ખનિજો ભરપૂર માત્રામાં હોવાથી એ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવવામાં અને ઉનાળામાં થતા થાકને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પ્રકૃતિએ વધુ ઠંડી હોવાને કારણે એ માત્ર તરસ જ નથી છિપાવતી, શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરીને લૂ સામે રક્ષણ આપવામાં પણ હાઇબ્રિડ જાત કરતાં વધુ ચડિયાતી સાબિત થાય છે.

દેશી અને હાઇબ્રિડ કાકડીમાં ફરક શું?
દેશી કાકડી કદમાં થોડી નાની અને જાડી હોય છે અને એના પર હળવા સફેદ કે પીળાશ પડતા લીટા હોય છે. એની ચામડી થોડી ખરબચડી અને જાડી હોઈ શકે છે. દેશી કાકડીનો સ્વાદ એકદમ મીઠો અને રિફ્રેશિંગ હોય છે. એમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એમાં બી થોડાં મોટાં અને નરમ હોય છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ કાકડી પ્રકૃતિએ વધુ ઠંડી હોય છે. ગામડાંમાં ખેતરોમાં થતી આ કાકડી ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે બેસ્ટ માનવામાં આવે છે. વિદેશી અથવા હાઇબ્રિડ કાકડી લાંબી, પાતળી અને એકદમ ડાર્ક લીલા રંગની હોય છે. એની ચામડી એકદમ લિસ્સી હોય છે. એનો સ્વાદ દેશી કાકડી જેટલો મીઠો નથી હોતો. એ થોડી ફિક્કી લાગે છે. જોકે એની ખાસિયત એ છે કે એ ક્યારેય કડવી નથી નીકળતી. હાઇબ્રિડ કાકડીમાં બી કાં તો હોતાં નથી અથવા એકદમ ઝીણાં હોય છે.

કાકડી ખાવાના ફાયદા
કાકડી દેશી કે હાઇબ્રિડ ગમે એ હોય, બન્નેને ખાવાના પોતાના ફાયદા તો છે જ. 
પાણી અને હાઇડ્રેશન : કાકડીમાં કુદરતી રીતે ૯૫થી ૯૬ ટકા જેટલું પાણી હોય છે, જે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને હાઇડ્રેટેડ રાખે છે.
વજન ઘટાડવામાં મદદ : એમાં કૅલરી ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. જમતાં પહેલાં કાકડી ખાવાથી પેટ ભરેલું લાગે છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

પોષક તત્ત્વોનો ભંડાર : કાકડીમાં વિટામિન K, વિટામિન C, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, કૉપર અને ફૉસ્ફરસ જેવાં મહત્ત્વનાં તત્ત્વો હોય છે.
ઊર્જા અને પાચન : એમાં રહેલાં સૂક્ષ્મ ખનિજો ખોરાકમાંથી ઊર્જા મેળવવામાં મદદ કરે છે. ફાઇબર અને પાણીનું મિશ્રણ પાચન સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
હૃદય અને બ્લડશુગર : કાકડીમાં રહેલું ઉચ્ચ ફાઇબર અને પોટૅશિયમ બ્લડશુગર અને કૉલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં તેમ જ હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ : એમાં રહેલાં ફ્લેવનૉઇડ્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરના કોષોને નુકસાન થતું અટકાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

કાકડીની છાલ કાઢવી જોઈએ?
કાકડીને છાલ સાથે ખાવાથી વધુ પોષણ મળે છે. કાકડીની છાલ વિટામિન A, મૅગ્નેશિયમ, પોટૅશિયમ અને સિલિકા જેવાં પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોય છે. છાલમાં રહેલું ફાઇબર પાચનમાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. કાકડીમાં રહેલા વિટામિન Kનો આશરે ૮૦ ટકા હિસ્સો એની છાલમાં કેન્દ્રિત હોય છે. એની છાલમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે હાનિકારક ફ્રી રૅડિકલ્સ સામે કોષોને રક્ષણ આપે છે. બજારમાં મળતી ઘણી કાકડી પર તાજગી જાળવવા માટે મીણનું પડ ચડાવેલું હોય છે. ઘણી વાર એમાં પેસ્ટિસાઇડ્સ હોવાની શક્યતા હોય છે એટલે એને સરખી રીતે બે-ત્રણ વાર પાણીથી ધોઈને ખાવી જોઈએ.

કાકડી ખાવાનો શ્રેષ્ઠ સમય 
કાકડી ખાવા માટે બપોરનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. બપોરે જ્યારે તડકો અને ગરમી વધારે હોય ત્યારે કાકડી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. એમાં રહેલું ફાઇબર બપોરના ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે. રાત્રે કાકડી ખાવાનું ટાળવું જોઈએ. કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેનાથી રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડી શકે છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. કેટલાક લોકોને રાત્રે કાકડી ખાવાથી પેટમાં ભારેપણું અથવા ગૅસની સમસ્યા થઈ શકે છે.

બન્નેનો વપરાશ કઈ રીતે કરવો?
રસોઈ અને સ્વાસ્થ્ય બન્નેની દૃષ્ટિએ કઈ કાકડી ક્યારે વાપરવી એની પસંદગી તમારા સ્વાદ અને જરૂરિયાત પર આધાર રાખે છે. દેશી કાકડી એના અસલ સ્વાદ અને ઠંડક આપનારા ગુણો માટે જાણીતી છે. જો તમારે બુંદી કે દૂધીનું રાયતું બનાવવું હોય તો દેશી કાકડીને છીણીને નાખવાથી એ રાયતામાં અસલ મીઠાશ અને ઠંડક ઉમેરે છે. બપોરના સમયે મીઠું અને મરચું ભભરાવીને કાકડી ખાવી હોય તો દેશી કાકડી શ્રેષ્ઠ છે કારણ કે એ વધુ જૂસી અને મીઠી હોય છે. ઉનાળામાં તમારે કાકડી અને ફુદીનાનું શરબત કે જૂસ બનાવવો હોય ત્યારે દેશી કાકડી વાપરવી, કારણ કે એમાં પાણીનું પ્રમાણ અને કુદરતી ક્ષારો વધુ હોય છે. કાકડી-ટમેટાંનું કચુંબર બનાવતી વખતે એમાં દેશી કાકડીનો સ્વાદ વધુ ઊઠીને આવે છે. હાઇબ્રિડ કાકડી એના દેખાવ અને ક્રન્ચી ટેક્સ્ચર માટે પસંદ કરવામાં આવે છે. સૅન્ડવિચમાં કાકડીની ગોળ સ્લાઇસ રાખવા માટે હાઇબ્રિડ કાકડી ઉત્તમ છે, કારણ કે એ જલદી પાણી છોડતી નથી અને બ્રેડને નરમ થવા દેતી નથી. સૅલડમાં આ કાકડી વધુ સારી લાગે છે કારણ કે એ દેખાવમાં એકદમ ડાર્ક ગ્રીન અને સુંદર હોય છે. જો તમે કાચની બૉટલમાં કાકડી, લીંબુ અને ફુદીનો નાખીને ડીટૉક્સ વૉટર બનાવતા હો તો હાઇબ્રિડ કાકડીની સ્લાઇસ લાંબો સમય કડક રહે છે અને પાણીમાં ગળી જતી નથી. આંખો પર રાખવા માટે કે ફેસપૅકમાં વાપરવા માટે હાઇબ્રિડ કાકડી વધુ સારી રહે છે કારણ કે એમાં કડવાશ હોતી નથી અને એ ચામડી પર બળતરા કરતી નથી.

ત્વચા માટે કાકડીના ફાયદા
ઉનાળામાં તડકાને કારણે થતી સનબર્ન અને ટૅનિંગની સમસ્યામાં કાકડી કુદરતી રાહત આપતો ઉપાય માનવામાં આવે છે. કાકડીમાં રહેલું પાણીનું ઊંચું પ્રમાણ અને ઠંડક આપનારા ગુણ ત્વચાની બળતરા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે. એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને સિલિકા ત્વચાને શાંત રાખવામાં તેમ જ સ્કિનને હાઇડ્રેટ કરવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને આંખોની આસપાસનો સોજો, તડકાથી થયેલી ગરમી અને ટૅનિંગ ઘટાડવા માટે કાકડીની ઠંડી સ્લાઇસ અથવા એનો રસ ઉપયોગી માનવામાં આવે છે. કાકડીનો રસ, દહીં અને ગુલાબજળ મિક્સ કરીને ફેસપૅક તરીકે પણ લગાવી શકાય છે. એ ત્વચાને તાજગી અને ઠંડક આપે છે.

કાકડી અને લીંબુનું મૉકટેલ

આ ઉનાળા માટે એકદમ રિફ્રેશિંગ ડ્રિન્ક છે. 
જરૂરી સામગ્રી : કાકડી : ૧ નંગ, લીંબુનો રસ : ૨ મોટી ચમચી, ફુદીનાનાં પાન : ૭-૮ નંગ, સંચળ : સ્વાદ મુજબ, ખાંડ : ૧ ચમચી (વૈકલ્પિક), સોડાવૉટર અથવા ઠંડું પાણી : ૧ ગ્લાસ, બરફના ટુકડા
બનાવવાની રીત : સૌપ્રથમ કાકડીને ધોઈને છાલ સાથે જ મિક્સરમાં પીસી લો અથવા છીણી લો. એક ગ્લાસમાં પીસેલી કાકડી, લીંબુનો રસ, ખાંડ, સંચળ પાઉડર અને ફુદીનાનાં પાન (હાથથી થોડા મસળીને) નાખો. બધું બરાબર મિક્સ કરો. હવે એમાં બરફના ટુકડા ઉમેરો. છેલ્લે પ્લેન સોડા અથવા ઠંડું પાણી ઉમેરીને સર્વ કરો.

વેજિટેરિયન કુકુમ્બર બોટ

આ એક આકર્ષક અને હેલ્ધી સ્નૅક છે જે ખાસ કરીને બાળકોને શાકભાજી ખાવા માટે પ્રોત્સાહિત કરે છે.
જરૂરી સામગ્રી : દેશી કાકડી : ૨ નંગ, બાફેલા ચણા અથવા ફણગાવેલાં કઠોળ : ૧ કપ, હંગ કર્ડ : ૧/૨ કપ, છીણેલું પનીર : ૧/૪ કપ, ઝીણી સમારેલી કોથમીર : ૨ ચમચી, મસાલા : ચાટ મસાલો, શેકેલું જીરું અને મીઠું (સ્વાદ મુજબ), 
લીંબુનો રસ : ૧ ચમચી
બનાવવાની રીત : કાકડીને વચ્ચેથી ઊભી કાપીને બે ભાગ કરો. ચમચીની મદદથી એનાં બી કાઢી નાખો જેથી એ હોડી જેવો આકાર લેશે. એક વાસણમાં બાફેલા ચણા અથવા ફણગાવેલાં કઠોળ લો. એમાં હંગ કર્ડ, છીણેલું પનીર, સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર અને ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તૈયાર કરેલા કાકડીના ખાલી ભાગમાં આ તૈયાર કરેલું મિશ્રણ ચમચી વડે ભરો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને થોડો લીંબુનો રસ નાખીને એને સજાવો.

કાકડી-ફુદીનાની ચટણી

કાકડી અને ફુદીનાની ચટણી ઉનાળામાં ભોજનનો સ્વાદ વધારવાની સાથે પેટને ઠંડક પણ આપે છે. આ ચટણી ખાસ કરીને સૅન્ડવિચમાં અને પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે.
જરૂરી સામગ્રી : કાકડી : ૧ નંગ, ફુદીનો : ૧ કપ તાજાં પાન, કોથમીર : ૧/૨ કપ, લીલા મરચાં : ૨-૩ નંગ, આદું : ૧ નાનો ટુકડો, લીંબુનો રસ : ૧ મોટી ચમચી, શેકેલું જીરું પાઉડર : ૧/૨ ચમચી, સંચળ અથવા સાદું મીઠું : સ્વાદ મુજબ, દહીં : ૨ ચમચી (વૈકલ્પિક)

બનાવવાની રીત : સૌથી પહેલાં કાકડીના ટુકડા કરી લો. મિક્સરના જારમાં ફુદીનો, કોથમીર, લીલા મરચાં, આદું અને કાકડીના ટુકડા ઉમેરો. હવે એમાં મીઠું, જીરું પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. બધું જ બરાબર પીસી લો. કાકડીમાં કુદરતી રીતે પાણી હોય છે એટલે પીસતી વખતે અલગથી પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. જો તમે દહીં ઉમેરવા માગતા હો તો ચટણી પીસાઈ ગયા પછી છેલ્લે દહીં નાખીને ફરી એક વાર મિક્સર ફેરવી લો.

healthy living health tips food and drink food news indian food life and style lifestyle news