09 September, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેગ્નન્સીમાં સોજો
ગર્ભાવસ્થા દરમ્યાન શરીર બાળકની જરૂરિયાતો પૂરી કરવા માટે રક્ત અને પ્રવાહીની માત્રામાં વધારો કરે છે. આ વધારાનું પ્રવાહી શરીરની પેશીઓમાં એકઠું થઈ શકે છે. જેમ-જેમ ગર્ભાશયનું કદ વધે છે એમ એ પેટના નીચેના ભાગમાંથી હૃદય તરફની નસો પર દબાણ કરી શકે છે. આને કારણે પગમાંથી હૃદય તરફનું બ્લડ-સર્ક્યુલેશન ધીમું પડે છે અને પગ તથા ઘૂંટીમાં ઇન્ફ્લમેશન થાય છે. ગર્ભાવસ્થાના હૉર્મોનલ ફેરફારો પણ રક્તવાહિનીઓને અસર કરે છે. આ કારણે પ્રવાહી આસપાસની પેશીઓમાં વધુ સરળતાથી જઈ શકે છે. સામાન્ય રીતે દિવસ પસાર થતો જાય એમ ખાસ કરીને લાંબા સમય સુધી ઊભા રહેવાથી અથવા બેસી રહેવાથી સોજા વધારે દેખાય છે.
બન્ને પગ અને ઘૂંટીમાં દિવસ દરમ્યાન સોજો વધતો જાય અને રાત્રે આરામ કર્યા બાદ અથવા સવારે ઊઠ્યા બાદ ઓછો થાય તો એ સામાન્ય ફેરફાર ગણાય છે. જોકે સોજા સાથે અન્ય કોઈ અસામાન્ય લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જ્યારે પણ આરામ કરો ત્યારે પગને થોડા ઊંચા રાખવાથી સોજામાં રાહત મળી શકે છે. બેસતી વખતે પગ લાંબા સમય સુધી નીચે લટકાવીને રાખવાને બદલે વચ્ચે-વચ્ચે સ્થિતિ બદલવી જોઈએ. લાંબા સમય સુધી સતત બેસવાનું કે ઊભા રહેવાનું ટાળો. વચ્ચે-વચ્ચે થોડું ચાલવાથી, પંજાને ઉપર-નીચે કરવાથી અને પગની હળવી કસરત કરવાથી રક્તપરિભ્રમણ જાળવવામાં મદદ મળી શકે છે.
શરીરમાં સોજો છે એટલે પાણી ઓછું પીવું જોઈએ એવો વિચાર યોગ્ય નથી. શરીરને જેટલી જરૂર છે એટલું હાઇડ્રેશન રાખવું અને બાકી ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. ખોરાકમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત રાખવું અને પૅક્ડ તથા વધારે પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઘટાડવું જોઈએ. કેળાં, પાલક, બટાટા અને સંતરાં જેવા પોટૅશિયમ ધરાવતા ખોરાકને સંતુલિત આહારનો ભાગ બનાવી શકાય છે. જો કોઈ ખાસ તબીબી કારણસર પોટૅશિયમ મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવી હોય તો આ બાબતે ડૉક્ટરની સલાહ લેવી. પગરખાં પણ મહત્ત્વનાં છે. પગને દબાણ ન કરે એવાં આરામદાયક અને યોગ્ય સપોર્ટ આપતાં પગરખાં પહેરવાં જોઈએ. ખૂબ ટાઇટ શૂઝ, ચંપલ, કપડાં અથવા સૉક્સ ટાળવાં યોગ્ય છે.
ગર્ભાવસ્થામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે અચાનક થયેલા અથવા સામાન્ય કરતાં અલગ લાગતા સોજાને અવગણવો નહીં. ખાસ કરીને ગર્ભાવસ્થાનાં ૨૦ અઠવાડિયાં પછી ચહેરા અથવા હાથમાં અચાનક વધારે સોજો આવે, તીવ્ર અથવા સતત માથાનો દુખાવો થાય, આંખો સામે ધૂંધળું દેખાય અથવા પ્રકાશના ઝબકારા દેખાય, પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય કે બ્લડ-પ્રેશર વધેલું જોવા મળે તો આ પ્રી-એક્લેમ્પસિયા નામની બીમારી જે ગર્ભાવસ્થા દરમ્યાન થતી એવી ગંભીર સ્થિતિ જેમાં સામાન્ય રીતે બ્લડ-પ્રેશર વધી જાય છે અને શરીરનાં કેટલાંક અંગો ખાસ કરીને કિડની અથવા લિવર પર અસર થવાના સંકેતો જોવા મળી શકે છે. એ સામાન્ય રીતે ગર્ભાવસ્થાનાં ૨૦ અઠવાડિયાં પછી થાય છે એનો સંકેત પણ હોઈ શકે.
પગમાં સોજો દેખાય ત્યારે ૪ બાબતો ધ્યાનમાં રાખવી ઉપયોગી છે. સોજો બન્ને પગમાં છે કે માત્ર એકમાં? એ ધીમે-ધીમે આવ્યો છે કે અચાનક? આરામ કર્યા પછી સોજો ઓછો થાય છે કે નહીં? એની સાથે માથાનો દુખાવો, દૃષ્ટિમાં ફેરફાર, પેટમાં દુખાવો, લાલાશ કે પગમાં ગરમી જેવાં અન્ય લક્ષણો છે કે નહીં? આ સવાલોના જવાબથી સ્થિતિને ગંભીરતાથી લેવાની જરૂર છે કે નહીં એ સમજવામાં મદદ મળી શકે છે.
ગર્ભાવસ્થા દરમ્યાન પગમાં સોજો આવવો ઘણી વાર સામાન્ય શારીરિક ફેરફાર હોય છે. એથી દરેક સોજો જોયા પછી ગભરાવાની જરૂર નથી; પરંતુ અચાનક વધેલો સોજો, ચહેરા અથવા હાથમાં સોજો, હાઈ બ્લડ-પ્રેશર, માથાનો તીવ્ર દુખાવો, દૃષ્ટિમાં ફેરફાર અથવા એક જ પગમાં દુખાવા સાથે સોજો જેવાં લક્ષણોને અવગણવાં જોઈએ નહીં. નિયમિત પ્રેગ્નન્સી ચેકઅપ, બ્લડ-પ્રેશરની તપાસ અને ગાયનેકોલૉજિસ્ટની સલાહ ગર્ભાવસ્થા દરમ્યાન સૌથી મહત્ત્વપૂર્ણ સુરક્ષા-પગલાં છે.