શું તમને સાવ નાની-નાની વાતમાં રડવું આવી જાય છે?

27 November, 2025 02:06 PM IST  |  Mumbai | Jigisha Jain

તમે ખૂબ જ સંવેદનશીલ છો એટલે વાત-વાતમાં રડી પડો છો, પણ એને કારણે જ તમારાં સંવેદનોનું મૂલ્ય ઘટી જાય ત્યારે સમજવું જરૂરી છે કે આ પરિસ્થિતિમાં કરવું શું?

પ્રતીકાત્મક તસવીર

સમાજમાં એવા ઘણા લોકો છે જેઓ અતિ લાગણીશીલ સ્વભાવ ધરાવતા હોય છે અને જરાજેવી વાતમાં તેમની આંખ ભીની થઈ જાય છે. રડવું એ કોઈ કાયરતાની નિશાની નથી; પરંતુ જે વ્યક્તિ વાત-વાતમાં રડતી હોય તેની લોકો ખિલ્લી ઉડાડતા હોય છે અને નજીકના લોકો આવી વ્યક્તિનાં ઇમોશન્સની વધુ પરવા કરતા નથી હોતા, કારણ કે તેમને લાગે છે કે આ તો રડ્યા જ કરે છે. એક સમય પછી લોકો મનાવતા નથી કે જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા કે તે વ્યક્તિ કેમ રડી. તમે ખૂબ જ સંવેદનશીલ છો એટલે વાત-વાતમાં રડી પડો છો, પણ એને કારણે જ તમારાં સંવેદનોનું મૂલ્ય ઘટી જાય ત્યારે સમજવું જરૂરી છે કે આ પરિસ્થિતિમાં કરવું શું?

કિસ્સો ૧   - જમવાના ટેબલ પર મહેમાનો સાથે આખો પરિવાર બેઠો છે અને કોઈ વાત નીકળી કે આજકાલ સમાજ કેવો બનતો જાય છે, ઘરડાં માતા-પિતા બાળકો પર બોજ બની ગયાં છે, તેમનું વર્તન કેટલું ખરાબ થતું જાય છે એ વાતમાં યજમાન ૬૨ વર્ષનાં સુશીલાબહેન રડી પડ્યાં. સહજ છે કે મહેમાનોને લાગ્યું કે સુશીલાબહેનની પણ એ જ હાલત છે. ત્યારે તેમનાં બાળકોએ સ્પષ્ટતા કરવી પડી કે અમે એવું કશું જ મમ્મી સાથે નથી કરતાં, મમ્મી અમારી એકદમ સેન્સિટિવ છે એટલે કોઈના દુખે પણ પોતે દુખી થઈ જાય છે અને રડી પડે છે. મહેમાન ગયા પછી બધા ખૂબ હસ્યા કે મમ્મી, તારી આ વાત-વાતમાં રડવાની આદત અમને વિલન બનાવે છે.

કિસ્સો ૨   - લગ્નની શરૂઆતના ૬ મહિના વિકાસ ખૂબ સ્ટ્રેસમાં રહેતો. તેની નવપરિણીત પત્ની કિંજલની આંખમાં આંસુ જોઈને તે મૂંઝાતો રહેતો કે કિંજલને અહીં ફાવતું નથી કે ઘરમાં કોઈ તેને હેરાન કરી રહ્યું છે. તે ખૂબ પ્રેમથી દરેક વખતે તેને પૂછતો કે શું થયું. જે જવાબ તેને મળતા એના પરથી તેને ધીમે-ધીમે સમજાયું કે વાતમાં કશું ન હોય તો પણ કિંજલ રડી પડતી હોય છે. ઘણી વાર તો વાંક તેનો જ હોય તો પણ તે જ રડતી હોય અને વિકાસ તેને મનાવતો હોય. ધીમે-ધીમે વિકાસે તેને પૂછવાનું અને મનાવવાનું બંધ કર્યું. લગ્નના એક વર્ષ પછી આજે કિંજલ રડી દે તો વિકાસને લાગે છે કે આ તો રડ્યા જ કરે છે. તેનાં આંસુનું કોઈ મૂલ્ય વિકાસના મનમાં રહ્યું નથી. હવે તે તેનાં આંસુ જોઈને ગભરાતો નથી, તેને રડી લેવા દે છે.

કિસ્સો ૩  - કૉલેજના નવા વર્ષની શરૂઆતમાં ગૅન્ગ મૂવી જોવા ગઈ. એ એક ઍક્શન મૂવી હતી. ફિલ્મમાં હીરોનો એક ઍક્સિડન્ટ થાય છે એ જોઈને સ્તુતિ એ મૂવીમાં રડી પડી. બીજા દિવસે આખી કૉલેજમાં આ વાત ફેલાઈ ગઈ. બધા લોકો તેને ચીડવવા લાગ્યા. એ પછી સ્તુતિને દરેક ફિલ્મમાં લઈ જવી અને તે ત્યારે રડે એ જોવાનું લોકોને ફની લાગવા લાગ્યું. સ્તુતિની સેન્સિટિવિટી લોકો માટે મજાક બની ગઈ.

કોઈ દિગ્ગજ ઍક્ટરની આંખમાં આંસુ આવે તો એ નૅશનલ ન્યુઝ બની શકે છે, પણ આમિર ખાન જેવો દિગ્ગજ કલાકાર જ્યારે સ્ટેજ પર રડી બેસે છે કે કોઈ ફંક્શનમાં તેનાં આંસુ ટપકી પડે છે ત્યારે મીડિયા માટે એ ન્યુઝ નથી. આટલાં વર્ષોમાં લોકો પણ સમજી ગયા છે કે આમિર ખાન એવી વ્યક્તિ છે જે ખૂબ સંવેદનશીલ છે અને સરળતથી રડી પડે છે. તેણે ખુદ કબૂલ્યું છે કે દિવસમાં એક વાર તો હું રડી જ પડું છું. સમાજમાં નજર ફેરવીએ તો આવા સેન્સિટિવ લોકો ઘણા જોવા મળશે જેમના માટે આંસુ સારવાં ખૂબ સહજ પ્રક્રિયા છે. તેમની આંખ ગમે ત્યારે ભીની થઈ શકે છે. જોકે આવી વ્યક્તિની આજુબાજુના લોકોનું રીઍક્શન આપણે ઉપરનાં ઉદાહરણોમાં જોયું એવું આવે છે. લોકો આ વ્યક્તિનાં આંસુ પર હસતા હોય છે અથવા એ આંસુની તેમને મન કોઈ કદર હોતી નથી. બીજું એ કે તમારા આ સ્વભાવને કારણે તમારી આજુબાજુના લોકો મુસીબતમાં મુકાઈ જતા હોય છે. બન્ને પક્ષે કાં તો તમે હર્ટ થાઓ છો અને કાં તો બીજી વ્યક્તિને હર્ટ કરો છો. આજે સમજવાની કોશિશ કરીએ કે કેમ અમુક લોકો ખૂબ રડતા હોય છે?

શારીરિક કારણો

કેટલીક વ્યક્તિઓ કેમ વધુ રડતી હોય છે એ સમજવા માટે અમુક બાબતો સમજવી જરૂરી છે. એ વિશે વાત કરતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘આપણા મગજમાં એક ભાગ છે જેને એમિગ્ડેલા કહેવાય છે. જ્યારે કોઈ ડેન્જર આવે ત્યારે આ ભાગ સક્રિય થઈ જાય છે. આખી નર્વસ સિસ્ટમ પર એની અસર થાય છે જેને બૅલૅન્સ કરવા માટે આંસુ સરે છે. આપણે રડીએ ત્યારે આપણું સ્ટ્રેસ પ્રોસેસ થાય છે. એને માપમાં રાખવા માટે કે મૅનેજ કરવા માટે રડવું ઉપયોગી સાબિત થાય છે. રડ્યા પછી જે શાંતિ લાગે છે કે સારું લાગે છે એનું કારણ જ આ છે. એટલે જ રડવું ખૂબ સારું છે. જે લોકો રડી નથી શકતા તેમને થેરપી લેવી પડે છે. જોકે એની સાથે વધુપડતું રડવું કે વાત-વાતમાં રડવું પણ સારું નથી.’

લાગણીઓ વ્યવસ્થિત પ્રોસેસ ન થાય ત્યારે...

જે લોકો વાત-વાતમાં રડી પડે છે તેમની સાથે શું થાય છે એ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘ઇમોશન્સ દરેક વ્યક્તિમાં ઉદ્ભવે છે, પણ દરેક ઇમોશનને પ્રોસેસ કરવાની રીત દરેક વ્યક્તિની પોતાની હોય છે. ઘણા લોકો પોતાની લાગણીઓને સમજી શકતા નથી, કેટલાક લોકો એને દબાવી દે છે તો કેટલાક લોકો એને વધુ પડતી એક્સપ્રેસ કરી દે છે. જે વધુપડતું રડે છે તેઓ આ કૅટેગરીના હોય છે. તેમની લાગણીઓને પ્રોસેસ કરતાં તેમને આવડતું નથી. તેઓ એમાં વધુપડતા વહી જાય છે. વળી આ પ્રોસેસિંગ કલ્ચર પર પણ નિર્ભર કરે છે. ચીન અને યુરોપના લોકો લાગણીને એક્સપ્રેસ કરવામાં માનતા નથી. અમેરિકા અને ભારતના લોકો એટલું જ એક્સપ્રેસ કરવાને પ્રાધાન્ય આપે છે. છોકરાઓ કરતાં છોકરીઓ લાગણીઓને વધુ એક્સપ્રેસ કરે છે. આમ ઘણીબધી બાબતો એના પર અસર કરતી હોય છે.’

કારણો

કોઈ વ્યક્તિ વધુપડતી સેન્સિટિવ હોય તો એ તેનો સ્વભાવ હોઈ શકે છે, પરંતુ અમુક કારણો પણ જવાબદાર હોય છે. અહીં  નેહા મોદી કહે છે, ‘જેમ કે નાનપણમાં તેમને જે મળવી જોઈએ એવી કાળજી ન મળી હોય અથવા તેઓ ઓવર-પ્રોટેક્ટિવ રહ્યા હોય. બન્ને પરિસ્થિતિમાં ઇમોશન્સને કઈ રીતે પ્રોસેસ કરવાં એ સમજાતું નથી. નાનાં બાળકો એટલે જ રડે ત્યારે માતા-પિતાએ તેમની પાસે રહેવું જરૂરી છે. હું છું એવી બાંયધરી બાળકને ઇમોશનલ સિક્યૉરિટી આપે છે જેનાથી કોઈ પણ ઇમોશનને કઈ રીતે પ્રોસેસ કરવું એ વ્યક્તિ સમજી શકે છે. જો વ્યક્તિ બાળપણમાં ખૂબ બુલી થઈ હોય, ખૂબ ક્રિટિસિઝમ સહન કર્યું હોય, સતત સ્ટ્રેસમાં જ જીવી હોય કે કોઈ પણ પ્રકારનો ટ્રૉમા લઈને તે મોટી થઈ હોય તો તે આ પ્રકારની વધુપડતી સેન્સિટિવ થઈ જાય છે. સ્ત્રીઓમાં ખાસ પ્રકારે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થાય ત્યારે તે વધુપડતી સેન્સિટિવ થઈ જાય છે. જેમ કે પિરિયડ્સ પહેલાં, ડિલિવરી પછી, મેનોપૉઝ પહેલાં અને પછી આવું થઈ શકે છે. જોકે એ સમય પૂરતું મર્યાદિત હોય છે. અહીં આપણે હંમેશાં આવી જ રહેતી વ્યક્તિની વાત કરી રહ્યા છીએ.’

આસપાસના લોકોએ શું કરવું?

જો આવી વ્યક્તિ તમારી સાથે જોડાયેલી છે તો આટલું ચોક્કસ કરવું એ સમજાવતાં નરેન્દ્ર કિંગર કહે છે, ‘તમારે તેને સાંભળવી. તેને પૂરતો સમય આપો અને સાંભળો. જો વ્યક્તિ વ્યવસ્થિત વ્યક્ત થઈ શકશે તો તેની લાગણીઓને પ્રોસેસ થવામાં સરળતા રહેશે. બીજું એ કે એ લોકો જે ખૂબ ઇમોશનલ છે, નાની-નાની વાતે રડી પડે છે તેઓ મોટા ભાગે એવી વ્યક્તિ છે જેઓ જન્મથી જ એવી હોય છે. આટલી હદે ઇમોશનલ હોવું એ તેમનો સ્વભાવ છે એટલે તેઓ બદલાય એવી શક્યતા ઘણી ઓછી છે. એ વ્યક્તિએ પોતે તો સ્વીકારેલું જ હોય છે કે તે જેવી છે એવી લોકોએ તેને અપનાવવી જરૂરી છે. તો જ આજુબાજુના લોકો તેની સાથે રહી શકશે. જે લોકો વધુ ઇમોશનલ છે તેમની સાથે રહેનારી વ્યક્તિએ આ વાતની તકેદારી રાખવી જ પડશે. તેમને બદલવા કરતાં તમારે સમજવું વધુ સરળ છે. ઇમોશનલ હોવું એ કોઈ ખરાબ વસ્તુ નથી. બસ, વ્યક્તિને હૅન્ડલ કરતાં આવડવું જોઈએ.’ 

આંસુ રોકવાની જરૂર નથી, પણ...

રડવું ખોટું નથી, પણ નાની-નાની વાતમાં રડવું આવતું હોય તો અમુક વસ્તુ સમજવી જરૂરી છે. એ વિશે વાત કરતાં નેહા મોદી કહે છે, ‘જ્યારે તમને ખબર છે કે તમે નાની-નાની વાતે અસરગ્રસ્ત થાઓ છો અને રડવું આવે છે ત્યારે રડવાનું બંધ કરવાની જરૂર નથી. એવું કરશો તો ઊલટું માનસિક સ્વાથ્ય ખરાબ થશે. એ રડવું કેમ આવે છે એ સમજવાની જરૂર છે. કેમ તમને નાની વાતનું ખરાબ લાગે છે? કેમ તમે વધુપડતા સેન્સિટિવ છો? વસ્તુને જેવી છે એવી સ્વીકારી કેમ નથી શકતા? એ જાણવા માટે જર્નલિંગ કરો એટલે કે તમારા વિચારોને લખો. વિચારોની સ્પષ્ટતા તમને મદદરૂપ થશે. આ સિવાય પ્રાણાયામ કરો.

બૉક્સ-બ્રીધિંગ આમાં અત્યંત મદદરૂપ થાય છે. માનસિક રીતે હેલ્ધી તે વ્યક્તિને ગણી શકાય જે પોતાની લાગણીઓને દબાવે નહીં, એને પ્રોસેસ કરે અને યોગ્ય લાગતું રીઍક્શન આપે. તમે વધુપડતા રડી પડો એમાં રડવું એ પ્રૉબ્લેમ નથી, પણ તમે તમારાં ઇમોશનને વ્યવસ્થિત પ્રોસેસ નથી કરી શકતા એ પ્રૉબ્લેમ છે જેના પર કામ કરવું જોઈએ.’

mental health health tips healthy living life and style lifestyle news columnists