દરરોજની એક ચિક્કી તમને આખા વર્ષની તાકાત આપી જાય છે

02 December, 2025 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ચિક્કીમાં વાપરવામાં આવતાં જુદાં-જુદાં તત્ત્વોના ફાયદા સમજીએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શિયાળાની સીઝન છે ત્યારે બાળક હોય કે વયસ્ક, બધાએ દરરોજની એક ચિક્કી ખાવી જોઈએ. એમાં નાખવામાં આવતાં તત્ત્વો અત્યંત ઉપયોગી છે. આજે ચિક્કીમાં વાપરવામાં આવતાં જુદાં-જુદાં તત્ત્વોના ફાયદા સમજીએ. એમાં સૌથી પહેલાં આવે સિંગ. સિંગને વર્ષોથી ગરીબોની બદામની ઉપમા આપવામાં આવે છે કારણ કે બદામ જેવા જ ગુણો સિંગ સસ્તામાં આપણને આપતી હોય છે. હેલ્ધી ફૅટ્સમાં જેની ગણના થાય છે એવી સિંગ કે મગફળીમાં સારી ક્વૉલિટીનું પ્રોટીન હોય છે જેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં છે.

શિયાળામાં રાજગરાની ચિક્કી અને લાડુ પણ ખૂબ ખવાય છે. રાજગરામાં ભરપૂર કૅલ્શિયમ અને ફૉસ્ફરસ હોય છે જેને લીધે હાડકાં મજબૂત બને છે અને ભવિષ્યમાં ઑસ્ટિઓપોરોસિસ થવાનું રિસ્ક ઘટે છે.

આ ઉપરાંત ચિક્કીમાં સૂકું નારિયેળ નાખવામાં આવે છે. નારિયેળમાં પણ ખૂબ સારી હેલ્ધી કહી શકાય એવી ફૅટ્સ હોય છે. એમાં પૉલિફિનોલ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલાં છે જે ખૂબ ઉપયોગી છે. એ ભવિષ્યમાં અઢળક બીમારીઓથી બચાવે છે.

ઘણા લોકોને દાળિયાની ચિક્કી ભાવતી નથી, પણ એ અત્યંત પોષણયુક્ત હોય છે. દાળિયા ચણાને શેકીને બનાવવામાં આવે છે. એ એક ધાન્ય છે જે શરીરને બ્લડ-પ્રેશર, ઓબેસિટી, હાઈ લેવલ ટ્રાયગ્લિસરાઇડથી બચાવવા માટે સક્ષમ છે. આ ઉપરાંત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી પણ એ બચાવે છે.

આ ઉપરાંત કાળા તલની ચિક્કી કે સાની કે કચરિયું ખાવાની પરંપરા આપણે ત્યાં છે. મહાદેવને ચડતા કાળા તલને સફેદ તલ કરતાં પણ વધુ પોષણયુક્ત માનવામાં આવે છે. તલની આ વરાઇટી ફક્ત એશિયામાં જોવા મળે છે. કાળા તલમાં મૅક્રો અને માઇક્રો ન્યુટ્રિઅન્ટ્‌સ રહેલાં છે. આ ઉપરાંત હેલ્ધી ફૅટ્સ છે જેને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક ઘટે છે. સફેદ તલ પણ એટલા જ ઉપયોગી છે. કોષોની કાર્યક્ષમતા અને મેટાબોલિઝમને બળ આપવાનું કામ સફેદ તલ કરે છે, કારણ કે એમાં થિયામિન, નિયાસિન અને વિટામિન B6 બહોળી માત્રામાં છે. એ બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રાખે છે, કારણ કે એમાં મૅગ્નેશિયમની માત્રા ઘણી વધુ છે. એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ નળીમાં પ્લાકનું નિર્માણ રોકે છે.

ખાંડ અને ગોળ બન્ને વડે ચિક્કી બની શકે છે. બન્ને શેરડીમાંથી જ બને છે, પરંતુ બન્નેની બનવાની રીતમાં ઘણો ફરક હોય છે. બન્નેમાંથી એકસરખી કૅલરી મળે છે એટલે કે એનર્જી એકસરખી મળે છે. એમાં ખાંડ બનાવવા માટે પ્રોસેસ કરવી પડે છે. ગોળ પ્રોસેસ્ડ નથી હોતો એટલે એનર્જી સિવાય ગોળમાંથી આયર્ન, ફાઇબર અને મિનરલ્સ મળે છે, જ્યારે ખાંડમાંથી ફક્ત કૅલરીઝ એટલે કે એનર્જી મળે છે. બજારની ચિક્કી કરતાં ઘરે ચિક્કી બનાવવાનો આગ્રહ પણ એટલે જ કરવામાં આવે છે કે બજારમાં ખાંડની ચિક્કી મળતી હોય છે. આપણે ઘરે ગોળની ચિક્કી બનાવવી જોઈએ.

healthy living health tips life and style lifestyle news columnists