કેમ જામફળ ફળોનો રાજા હોવું જોઈએ?

04 December, 2025 01:32 PM IST  |  Mumbai | Heena Patel

આમ જોવા જઈએ તો કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે, પણ અનઑ​ફિશ્યલી તો આપણે જામફળને જ ફળોનો રાજા માનવો પડે. અનેક ન્યુટ્રિશનિસ્ટનું પણ કહેવું છે કે લોકો કેરી જેટલું મહત્ત્વ જામફળને આપતા થઈ જાય તો તેમને હેલ્ધી થતાં કોઈ રોકી ન શકે.

પ્રતીકાત્મક તસવીર

જામફળ માટે આપણે એમ કહી શકીએ કે એ એક ખૂબ અન્ડરરેટેડ ફ્રૂટ છે. એને લોકો એટલું મહત્ત્વ નથી આપી રહ્યા જે એને મળવું જોઈએ. જોકે આ ફળ એટલાં બધાં પોષક તત્ત્વોથી ભરપૂર છે કે એના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. ન્યુટ્રિશનિસ્ટ તો આને સુપર ફૂડ ગણાવે છે. આપણે પણ ન્યુટ્રિશનિસ્ટ સકીના પાત્રાવાલા પાસેથી જામફળના ફાયદાઓ જાણી લઈએ. હાલમાં જામફળની સીઝન ચાલી રહી છે ત્યારે તમે આ ફળને આરોગીને તમારા સ્વાસ્થ્યને સારું કરજો.

જામફળ કેમ છે ખાસ?

 વિટામિન C માટે લોકો સંતરાં ખાય પણ જામફળમાં એ પાંચગણું વધુ હોય છે.

 પોટૅશિયમ માટે લોકો કેળાં ખાય છે, પણ જામફળ હાઈ પોટૅશિયમ હોવાની સાથે ઓછી શુગરવાળું ફળ છે.

 સફરજનમાં ફાઇબર વધુ હોય છે, પણ જામફળમાં એનાથી બમણું ફાઇબર હોય છે.

 મોટા ભાગનાં ફળોમાં પ્રોટીન હોતું નથી ત્યારે જામફળ સૌથી વધુ પ્રોટીન ધરાવતું ફળ છે.

ફાયદા જાણી લો

પાચન સુધારે

જામફળ પાચનશક્તિને અનેક રીતે સુધારવાનું કામ કરે છે. એમાં ભરપૂર પ્રમાણમાં રહેલું ફાઇબર પેટને સાફ રાખવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ફાઇબર આંતરડાની ગતિ એટલે કે બોવેલ-મૂવમેન્ટને નિયમિત કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યા ઓછી થાય છે અને પેટમાં હળવાશ અનુભવાય છે. એ સિવાય જામફળમાં હાજર સૉલ્યુબલ અને ઇનસૉલ્યુબલ બન્ને પ્રકારના ફાઇબર આંતરડામાં ગુડ બૅક્ટેરિયા વધારે છે, જેનાથી ગટ-હેલ્થ મજબૂત થાય છે. જામફળનું નૅચરલ ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ પણ ખોરાકને તોડવામાં અને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. એ સિવાય આનો હળવો આલ્કલાઇન નેચર પેટમાં બનતાં ઍસિડ્સને સંતુલિત કરે છે, જેનાથી ઍસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા ઓછી થાય છે.

ડાયાબિટીઝમાં પણ સારાં

જામફળ ડાયાબિટીઝના દરદીઓ માટે પણ એક સુરિક્ષત અને લાભદાયક ફળ માનવામાં આવે છે, કારણ કે એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેને કારણે એ લોહીમાં શુગરને ઝડપથી નથી વધારતું. એમાં હાજર ફાઇબર શુગરના અવશોષણને ધીમું કરે છે, જેનાથી ભોજન બાદ ગ્લુકોઝનું સ્તર સ્થિર રહે છે અને ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા પણ સુધરે છે. બસ, એટલું ધ્યાન રાખવું કે વધુપડતાં પાકેલાં અને મીઠાં જામફળ ખાવાનું ટાળવું જોઈએ અને દિવસમાં એક મધ્યમ આકારનું જામફળ પર્યાપ્ત હોય છે.

બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે

જામફળ હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં ઘણું લાભદાયક માનવામાં આવે છે. સૌથી મોટું કારણ એમાં રહેલું પોટૅશિયમ છે જે શરીરમાં સોડિયમની અસરને સંતુલિત કરે છે. જ્યારે પોટૅશિયમ સોડિયમને બૅલૅન્સ કરી દે છે ત્યારે રક્તવાહિનીઓ રિલૅક્સ થાય છે અને બ્લડપ્રેશર સ્વાભાવિક રૂપે ઓછું થવા લાગે છે. એ સિવાય જામફળમાં રહેલું ફાઇબર અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરમાં ઇન્ફ્લમેશન એટલે કે સોજાને ઓછો કરે છે, જેથી ધમનીઓ પર દબાવ ઓછો પડે છે અને રક્તપ્રવાહ સહજ બની રહે છે.

હાર્ટ-હેલ્થ માટે સારાં

જામફળ લોહીમાં બૅડ કૉલેસ્ટરોલના સ્તરને ઘટાડીને ગુડ કૉલેસ્ટરોલ વધારવામાં મદદ કરે છે, જે કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમના ફંક્શન માટે ખૂબ જરૂરી છે. ગુડ કૉલેસ્ટરોલ ધમનીઓમાં જમા બૅડ કૉલેસ્ટરોલને ઓછું કરે છે જેથી ધમનીઓ સાફ રહે છે અને રક્તપ્રવાહ સારો રહે છે. હૃદયને રક્ત પૂરું પાડતી ધમનીઓમાં બૅડ કૉલેસ્ટરોલલ જમા થઈ જાય તો હાર્ટ-અટૅક અને બીજી હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ વધી જાય છે.

વેઇટલૉસમાં મદદ કરે

જામફળ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે, કારણ કે એ ખૂબ ઓછી કૅલરીવાળું ફળ છે, પણ એમાં ફાઇબર ભરપૂર હોય છે. એને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને અનાવશ્યક ક્રેવિંગ્સ ઓછું થાય છે. હાઈ ફાઇબર પાચનને સુધારે છે, જેથી મેટાબોલિઝમ સારી રીતે કામ કરે છે અને શરીર ફૅટનો વધુ પ્રભાવી રીતે ઉપયોગ કરે છે. જામફળમાં નૅચરલ શુગર ઓછી હોય છે, જેથી એ મીઠું ખાવાની ઇચ્છાને પૂરી કરીને પણ વજન નથી વધારતું. સાથે જ એમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ શરીરને એનર્જી આપે છે, જેથી ડાયટિંગ દરમિયાન થાક ઓછો અનુભવાય છે.

ઇમ્યુનિટી બૂસ્ટર

જામફળ ઇમ્યુનિટી વધારવા  માટે ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. એમાં રહેલું વિટામિન C ઇમ્યુન સેલ્સને મજબૂત કરે છે અને શરીરને સંક્રમણથી લડવામાં મદદ કરે છે. એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કોશિકાઓને નુકસાનથી બચાવે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. જામફળમાં ઍન્ટિમાઇક્રોબ્યલ પ્રૉપર્ટીઝ હોય છે, જે બૅક્ટેરિયા અને વાઇરસથી લડે છે. એમાં રહેલું ફાઇબર ગટ હેલ્થને સારી રાખે છે અને આંતરડાંઓનું સારું સ્વાસ્થ્ય ઇમ્યુનિટીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.

સ્કિન-હેર રાખે હેલ્ધી

જામફળ ત્વચા અને વાળ બન્ને માટે ખૂબ ફાયદાકારક છે. એમાં રહેલું વિટામિન C ત્વચા માટે કૉલેજન બનાવવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા સ્મૂધ અને યંગ દેખાય છે. એ સિવાય લાઇકોપીન જેવા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવે છે. એમાં રહેલું પાણીનું પ્રમાણ ત્વચાને હાઇડ્રેટ રાખે છે. એવી જ રીતે જામફળ વાળને મજબૂત બનાવે છે અને કૉલેજન ઍક્ટિવિટી વધારીને વાળના ગ્રોથને પ્રમોટ છે. એ સિવાય ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ UV ડૅમેજથી વાળની રક્ષા કરે છે, જ્યારે વિટામિન્સ સ્કૅલ્પ અને વાળનાં મૂળિયાંને પોષણ આપે છે જેથી વાળ ખરવાની સમસ્યા ઓછી કરી શકાય છે.

પિરિયડમાં રાહત

જામફળ પિરિયડ પેઇનમાંથી પણ રાહત આપવાનું કામ કરે છે. એમાં રહેલું મૅગ્નેશિયમ માંસપેશીઓને રિલૅક્સ કરે છે જેનાથી પિરિયડ્સ ક્રૅમ્પ ઓછા થાય છે. વિટામિન C શરીરના અંદરના સોજાને ઘટાડે છે, જે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. પિરિયડમાં થતી બ્લોટિંગની સમસ્યા પણ એમાં રહેલા ફાઇબરને કારણે ઓછી થઈ જાય છે.

આ પણ બેનિફિટ્સ

જામફળમાં ફોલિક ઍસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જરૂરી છે. એ શિશુના મસ્તિષ્ક અને કરોડરજ્જુના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. જામફળમાં વિટામિન A પણ હોય છે, જે આંખોની રોશની માટે જરૂરી છે. વિટામિન A ત્વચા અને ઇમ્યુનિટી માટે પણ જરૂરી છે.

શરદી થતી હોય તો શું કરવું?

કેટલાક લોકોને જામફળ ખાવાથી શરદી થઈ જતી હોય છે. એની તાસીર ઠંડી હોવાથી ઘણા લોકોને એ સદતાં નથી. એ‍વા લોકોએ જામફળ ખાતી વખતે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જામફળને ફ્રિજમાંથી કાઢીને તરત ઠંડું-ઠંડું ખાવા કરતાં એ રૂમ-ટેમ્પરેચર પર આવી જાય એ પછી જ ખાવું જોઈએ. જામફળ ખાધા પછી તરત પાણી પીવાનું ટાળવું જોઈએ. એમાં થોડું કાળું મીઠું, મરી પાઉડર અથવા ચાટ મસાલો નાખીને ખાવું જોઈએ. જામફળને થોડા પ્રમાણમાં ખાવું જોઈએ. શક્ય હોય તો મોડી સવાર અને બપોરના સમયે એનું સેવન કરવું. સાંજ અને રાતના સમયે જામફળ ખાવાનું ટાળવું જોઈએ.

healthy living health tips lifestyle news life and style columnists