નાનાં બાળકોને મધ ચટાડતા હો તો ચેતી જજો

19 May, 2025 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકોના જન્મ બાદ મધ ચટાડવું સામાન્ય ગણાય છે, પણ હકીકતમાં એ બાળકો માટે નુકસાનકારક હોવાથી બાળકોને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

બાળકનો જન્મ થયાના કેટલાક મહિના બાદ મધ સ્વાસ્થ્ય માટે બહુ જ સારું હોય છે એમ સમજીને તેને ચટાડવામાં આવે છે અને એ બહુ સામાન્ય બાબત ગણવામાં આવે છે, પણ હકીકત એ છે કે નાની ઉંમરનાં બાળકો માટે મધ સ્વાસ્થ્યવર્ધક નથી. જી હા, મોટી ઉંમરના લોકો નિયમિત નિર્ધારિત માત્રામાં મધનું સેવન કરે તો એના ગુણ શરીરને ફાયદો આપે છે, પણ આ જ ગુણ ૧૨ મહિનાથી નાની વયનાં બાળકોને બીમાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી નિષ્ણાતો બાળકોને મધ ખવડાવવાની ના પાડે છે.

લક્ષણોમધમાં ક્લૉસ્ટ્રિડિયમ બોટુલિયમ નામના બૅક્ટેરિયાના સૂક્ષ્મ કણો છુપાયેલા હોઈ શકે છે જે નાની ઉંમરના શિશુના પાચનતંત્રમાં પ્રવેશીને જીવલેણ ઝેર ઉત્પન્ન કરી શકે છે. બાળક વિકસતી અવસ્થામાં હોવાથી પાચનતંત્રનો પૂરતો વિકાસ થયો ન હોવાથી આ બૅક્ટેરિયા ત્યાં વધે છે અને શરીરમાં ખોરાકી ઝેર પેદા કરવાની સાથે તેમની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે, પરિણામે નાની ઉંમરમાં પૅરૅલિસિસ પણ થઈ શકે છે. જો આવું કંઈ થાય તો શિશુ જરૂર કરતાં વધુ ઊંઘ કરે, દૂધ પીવામાં અસમર્થ રહે, માથું ઊંચું ન કરી શકે, હાથ-પગ નબળા પડી જાય, કબજિયાત, સ્નાયુમાં નબળાઈ જેવાં લક્ષણો દેખાઈ શકે છે. કેટલીક વાર ગંભીર સ્થિતિમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે. આ ઉપરાંત તેમનું વજન પણ કારણ વગર વધવા લાગે છે, દૂધિયા દાંત આવે ત્યારે તરત જ સડો થવા લાગે છે અને પાચનતંત્ર પણ નબળું પડે છે.

શું કરવું?
પહેલા છ મહિના તો નવજાત શિશુને માતાના દૂધ સિવાય કંઈ જ આપવું ન જોઈએ. બે વર્ષ પછી બાળકનું પાચનતંત્રનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ જાય છે અને થોડું મજબૂત પણ બને છે. એ બૅક્ટેરિયા સામે રક્ષણ આપી શકે છે. છ મહિના પછી મધના હેલ્ધી વિકલ્પ તરીકે જો સૉલિડ ફૂડ આપવું હોય તો ફળો આપવાં, કારણ કે ફળોમાં પણ મધની જેમ નૅચરલ શુગરની સાથે વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે અને એ તેમના ગ્રોથ અને શારીરિક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે.

healthy living mental health health tips childbirth diet life and style lifestyle news