02 January, 2026 11:47 AM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક સમય હતો કે પુરુષોમાં હાઇપરટેન્શન જેવી બીમારીઓ જોવા મળતી પણ સ્ત્રીઓમાં નહીં. આજકાલ એ ભેદ મટતો જાય છે. સ્ત્રીઓને હાઇપરટેન્શન જેવી બીમારી અસર કરી રહી છે.
સ્ત્રીઓમાં હાઇપરટેન્શનના કેસ વધવા પાછળનાં સામાન્ય કારણો જેમ કે અનહેલ્ધી ખોરાક, એક્સરસાઇઝનો અભાવ, જિનેટિક પરિમાણો કે વારસાગત આવતો રોગ એ તો તેમને પણ એટલા જ લાગુ પડે છે જેટલા પુરુષોને લાગુ પડે છે. બાકીનાં મુખ્ય કારણોમાં ઓબેસિટી, બેઠાડુ જીવન અને શારીરિક ઍક્ટિવિટીનો અભાવ આવે છે. આપણે ત્યાં સહુલિયતો વધવાને કારણે આજની સ્ત્રીઓ પહેલાં કરતાં વધુ બેઠાડુ જીવન જીવતી થઇ ગઈ છે. આ સિવાય ઓબેસિટીનું પ્રમાણ પણ સ્ત્રીઓમાં પુરુષો કરતાં ઘણું વધુ જોવા મળે છે.
સ્ત્રીઓને આમ પણ મેનોપૉઝ પછી એટલે કે ૫૦-૫૫ વર્ષની વયે આ બીમારી આવતી હોય છે. જોકે યુવાન વયે પણ આ બીમારી આવવાની શક્યતા આજકાલ વધતી જાય છે. એની પાછળનાં કારણોમાં સ્ત્રીઓમાં વધતું જતું સ્ટ્રેસ છે. વર્કિંગ હોય કે નૉન-વર્કિંગ, સ્ત્રીઓની મલ્ટિ-ટાસ્કિંગ પ્રવૃત્તિઓ તેમના જીવનમાં સ્ટ્રેસ લાવે છે. આ સિવાય વર્કિંગ સ્ત્રીઓમાં કામનું અતિ પ્રેશર, વર્ક-લાઇફ બૅલૅન્સ, મોડે સુધી કામ, અપૂરતી ઊંઘ જેવી સમસ્યાઓને કારણે પણ તેમના જીવનમાં હાઇપરટેન્શન જલદી આવી જાય છે.
આજકાલ સમજ વધવાને લીધે ઓરલ કૉન્ટ્રાસેપ્શન ટૅબ્લેટ્સનો પ્રયોગ વધ્યો છે, જે એક રીતે સ્ત્રીઓની શારીરિક અને માનસિક હેલ્થ માટે જરૂરી પણ છે. હા, માની શકાય કે પહેલાંના સમય કરતાં આ દવાઓ દિવસે-દિવસે સેફ થતી જાય છે પરંતુ હજી પણ આજની તારીખે મળતી ઓરલ કૉન્ટ્રાસેપ્શન સ્ત્રીઓ માટે ઓછી હાનિકારક છે પણ હાનિ તો કરે જ છે. ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે ઓરલ કૉન્ટ્રાસેપ્શનનો લાંબા ગાળાનો પ્રયોગ સ્ત્રીઓમાં હાઇપરટેન્શન માટે જવાબદાર બને છે.
સ્ત્રીઓમાં એક પ્રકારનું જેને પ્રેગ્નન્સી ઇન્ફ્યુઝડ હાઇપરટેન્શન કહે છે એના કેસ પહેલાં કરતાં હમણાં ઘણા વધ્યા છે. આ એ પ્રકારનું હાઇપરટેન્શન છે જે પ્રેગ્નન્સી દરમિયાન જ આવે છે અને ડિલિવરી પછી મોટા ભાગે જતું રહે છે. પરંતુ અમુક સ્ત્રીઓને એ પાછું જતું નથી, જેને કારણે ૩૦-૩૫ વર્ષની ઉંમરથી આ સ્ત્રીઓને હાઇપરટેન્શન સાથે જીવવું પડે છે.
મોટી ઉંમરે જો એક પુરુષને હાઇપરટેન્શન હોય તો એની સરખામણીમાં સ્ત્રીનું હાઇપરટેન્શન તેના શરીરને વધુ નુકસાન પહોંચાડે છે. સ્ત્રીઓના અવયવો પુરુષો કરતાં નાના હોય છે એટલે એની નળીઓ પણ નાની હોય છે. નાની નળીઓમાં બ્લૉકેજ ખૂબ જલદીથી બની જાય છે. આમ હાઇપરટેન્શનને કારણે સ્ત્રીઓમાં હાર્ટ-અટૅક, સ્ટ્રોક કે કિડની ડૅમેજની શક્યતા પણ પુરુષો કરતાં ઘણી વધુ છે. એટલે હાઇપરટેન્શનથી બચવા માટે પહેલેથી વજન બાબતે સજાગ રહો. ખુદની હેલ્થને મહત્ત્વ આપો.