યુરિન ઇન્ફેક્શન વારંવાર કેમ થાય છે?

28 September, 2022 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરિન ઇન્ફેક્શનની તકલીફ આવી હોય, એ પણ વારંવાર થતું હોય તો આ તકલીફને નજરઅંદાજ ન કરી શકાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૬૩ વર્ષની છે. મને છેલ્લા ૬ મહિનામાં બે વાર યુરિન ઇન્ફેક્શન થયું. હજી ૧ મહિના પહેલાં જ થયું હતું. હા, કદાચ કોર્સ પૂરો નહોતો થયો અને તરત જ પાછી ખંજવાળ ચાલુ થઈ ગઈ છે અને બળતરા પણ થાય છે. બળતરા હવે સહન નથી થતી. મને એ નથી સમજાતું કે મને આ ઇન્ફેક્શન વારંવાર કેમ થઈ રહ્યું છે. હું હાઇજીનનું પૂરું ધ્યાન તો રાખું જ છું. એ સિવાય પાણી પણ ઘણું પીઉં છું.   

૬૩ વર્ષની ઉંમરે જો તમને અચાનક યુરિન ઇન્ફેક્શનની તકલીફ આવી હોય, એ પણ વારંવાર થતું હોય તો આ તકલીફને નજરઅંદાજ ન કરી શકાય, કારણ કે એની પાછળ અઢળક કારણો હોઈ શકે. પહેલી વાત તો એ કે જ્યારે તમને યુરિન ઇન્ફેક્શન થાય છે ત્યારે તમે ઍન્ટિ-બાયોટિક દવાનો કોર્સ પૂરો ન કરો એ બિલકુલ યોગ્ય નથી. એ દવાઓનો કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે. અધૂરા કોર્સને કારણે ઇન્ફેક્શન પાછું આવી શકે છે. બીજું એ કે તમે એ નથી જણાવ્યું કે તમને ડાયાબિટીઝ છે કે નહીં. જેમને ડાયાબિટીઝ છે તેમને વારંવાર યુરિન ઇન્ફેક્શન થવાના કે જે ઇન્ફેક્શન છે એ સંપૂર્ણ રીતે ક્યૉર ન થવાના ચાન્સ ઘણા વધુ રહે છે. જો તમે ડાયાબિટીઝ કે શુગર ચેક ન કરાવ્યું હોય તો એ કરાવી લેજો. 

આ સિવાય તમારી સોનોગ્રાફી કરાવવાની જરૂર છે, જેના દ્વારા ખબર પડે કે એવું તો નથી કે તમારી બ્લેડર પૂરી રીતે ખાલી નથી થઈ રહી. એના પણ ઘણાં કારણો હોઈ શકે. તમારા હોર્મોન્સનું કોઈ ઇમ્બૅલૅન્સ કે એની અછત થઈ હોય એવું પણ બને. મેનોપૉઝ હમણાં જ આવ્યો છે કે નહીં એના પર પણ ઘણી બાબતો આધાર રાખે છે. તમને સાથે યુરિન લીકેજની તકલીફ તો નથી એ પણ જોવું જરૂરી છે. એવી પણ શક્યતા હોઈ શકે કે તમારું યુટરસ સરકીને નીચે આવી ગયું હોય. આમ ઘણાં કારણો હોઈ શકે છે. એકાદ વાર ઇન્ફેક્શન થાય એનો યોગ્ય ઇલાજ થાય અને એ જતું રહે તો ચિંતાનું કારણ નથી હોતું, પણ જો વારંવાર ઇન્ફેક્શન થતું હોય તો ફક્ત ઍન્ટિ-બાયોટિકથી ઇલાજ કરવો એ યોગ્ય નથી. એના માટે એ તપાસ કરવી કે કેમ તમને આ ઇન્ફેક્શન થયું છે એ વધુ જરૂરી છે. માટે તમે કોઈ યુરોલૉજિસ્ટનો સંપર્ક કરો, એ તમારું ક્લિનિકલ એક્ઝામિનેશન કરે અને તમને જે ટેસ્ટ કહે એ બધા કરાવીને તમે એનું યોગ્ય નિદાન કરાવો.

health tips columnists life and style