✕

સ્ત્રીઓને એનીમિયાથી બચાવવા માટે સઘન પ્રયત્નો કરવા જરૂરી છે

22 October, 2026 12:24 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

ભારતમાં સ્ત્રીઓમાં એનીમિયા એટલે કે લોહીની અછત આજે પણ એક ગંભીર અને વ્યાપક આરોગ્ય-સમસ્યા છે. શરીરમાં રક્તકણોનું અથવા હીમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી સ્તર કરતાં ઘટી જાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં સ્ત્રીઓમાં એનીમિયા એટલે કે લોહીની અછત આજે પણ એક ગંભીર અને વ્યાપક આરોગ્ય-સમસ્યા છે. શરીરમાં રક્તકણોનું અથવા હીમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી સ્તર કરતાં ઘટી જાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે.
સ્ત્રીઓમાં એનીમિયાનાં મુખ્ય કારણો સમજીએ તો સૌથી મહત્ત્વનું કારણ છે પોષણનો અભાવ. ભારતીય ઘરોમાં મહિલાઓ અવારનવાર પરિવારને ખવડાવ્યા પછી વધેલો-ઘટેલો ખોરાક લે છે. આહારમાં આયર્ન (લોહતત્ત્વ), ફૉલિક ઍસિડ અને વિટામિન B12 જેવાં પોષક તત્ત્વોની ઊણપ એનીમિયાનું મુખ્ય કારણ છે. આ સિવાય દર મહિને થતા માસિક સ્રાવ દરમ્યાન શરીરમાંથી નોંધપાત્ર પ્રમાણમાં લોહી વહી જાય છે જેને કારણે શરીરમાં લોહીની ઊણપ થઈ શકે છે. હેવી બ્લીડિંગ એ વર્ષોથી સ્ત્રીઓમાં એનીમિયાનું કારણ બનતું આવ્યું છે. 
ગર્ભાવસ્થા અને બાળઉછેર એક એવી અવસ્થા છે જ્યારે સ્ત્રીઓમાં એનીમિયા જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમ્યાન માતાના શરીરને બાળકના વિકાસ માટે બમણા લોહીની જરૂર પડે છે. યોગ્ય પોષણ અને આયર્નની ગોળીઓ ન મળે તો એનીમિયા થાય છે. બે બાળકો વચ્ચે ઓછું અંતર હોવું પણ આનું મોટું કારણ છે. પાચનતંત્રમાં કૃમિ કે અન્ય તકલીફોને લીધે પણ ખોરાકમાંથી આયર્નનું શોષણ યોગ્ય રીતે થતું નથી એટલે સ્ત્રીને એનીમિયા થઈ શકે છે. 
જો સ્ત્રીને સતત થાક અને નબળાઈ લાગે એટલે કે થોડું કામ કરવાથી પણ શ્વાસ ચડે અને થાક લાગે, ત્વચાનો રંગ પીળાશ પડતો હોય એટલે કે ચહેરો, નખ અને આંખોની અંદરનો ભાગ પીળો કે મૂર્છિત દેખાતો હોય તો આ એનીમિયાનાં લક્ષણો છે. જો સ્ત્રીને ચક્કર આવતાં હોય અને માથાનો દુખાવો થતો હોય એટલે કે મગજ સુધી પૂરતો ઑક્સિજન ન પહોંચવાને કારણે પણ ચક્કર આવી શકે છે. કેટલીક ગંભીર અસરો પણ દેખાઈ શકે છે. જેમ કે ગર્ભવતી મહિલાઓમાં એનીમિયા હોવાથી સમય પહેલાં ડિલિવરી થાય, ઓછું વજન ધરાવતું બાળક જન્મે કે બાળજન્મ વખતે માતાના મૃત્યુનું જોખમ વધી જાય છે.
એનીમિયાથી મુક્તિ માટે આયર્નયુક્ત આહાર લેવો. એમાં ખોરાકમાં લીલાં શાકભાજી જેમ કે પાલક, તાંદળજો, બીટ, ગોળ, ખજૂર, કઠોળ, તલ અને ફળો જેમ કે દાડમ, સફરજનનો ઉપયોગ વધારવો. વિટામિન Cનું સેવન કરવું. આયર્નને શરીરમાં શોષવા માટે વિટામિન C જરૂરી છે. તેથી આહાર સાથે લીંબુ, આમળાં કે ખાટાં ફળો લેવાં. જમવાના એક કલાક પહેલાં કે પછી ચા-કૉફી ન પીવી, કારણ કે એ આયર્નના શોષણને અટકાવે છે. ગર્ભવતી મહિલાઓ અને કિશોરીઓએ ડૉક્ટરની સલાહ મુજબ આયર્ન અને ફૉલિક ઍસિડની ટૅબ્લેટ લેવી. વર્ષમાં એક વાર હીમોગ્લોબિન (Hb)ની ટેસ્ટ કરાવવી. સામાન્ય રીતે સ્ત્રીઓમાં હીમોગ્લોબિન બારથી ૧૫ g/dL હોવું જોઈએ.
સ્ત્રી કુટુંબની ધરી છે. જો ઘરની સ્ત્રી સ્વસ્થ હશે તો જ આખો પરિવાર સ્વસ્થ રહેશે. એનીમિયાને કેવળ સામાન્ય નબળાઈ ગણીને અવગણવાને બદલે યોગ્ય પોષણ, જાગૃતિ અને તબીબી સારવાર દ્વારા એને મૂળમાંથી નાબૂદ કરવો અત્યંત જરૂરી છે. 

health tips life and style lifestyle news