✕

લક્ષણો ઓળખીને ખુદનું નિદાન જાતે કરવાની આદત ભારે પડી શકે છે

01 October, 2026 11:17 AM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

આયુર્વેદની તબીબી પરંપરા દર્શન, સ્પર્શન અને પ્રશ્ન-અવલોકન, શારીરિક તપાસ અને પૂછપરછ પર ભાર મૂકે છે.

પ્રતીકાત્મક તસવીર

કમનસીબે આજકાલ આપણે પોતે જ પોતાનું નિદાન કરવામાં નિષ્ણાત બની રહ્યા છીએ. મને મારા એક ઓળખીતા ભરતભાઈ યાદ છે જેમને અસ્વસ્થતા અનુભવાઈ. એને તેમણે ઍસિડિટી માની લીધી કારણ કે તેઓ પહેલાં પણ ઍસિડિટીથી પીડાતા હતા. જોકે છાતી અથવા પેટના ઉપલા ભાગમાં અસ્વસ્થતાનાં કારણો પાચનતંત્ર સિવાયનાં પણ હોઈ શકે છે. જોખમી ભાગ ઍસિડિટી વિશે વિચારવું નથી. જોખમી ભાગ એ છે કે યોગ્ય મૂલ્યાંકન વિના નક્કી કરી લેવું કે એ ઍસિડિટી જ હોવી જોઈએ. ખાસ કરીને જ્યારે લક્ષણો નવાં હોય, ગંભીર હોય અથવા ચેતવણી આપતાં ચિહનો સાથે જોડાયેલાં હોય ત્યારે એ ગંભીર તકલીફ ગણાય છે. 
૫૪ વર્ષનાં ગૃહિણી મણિબહેન હતાં. તેમને જડબાં, હાથ અને ખભામાં દુખાવો થતો હતો. તેમણે એના માટે પોતે જ જાતે નિદાન કરેલા સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસને જવાબદાર ગણાવ્યો. તેમણે ક્યારેય આગળ તપાસ કરાવી નહીં. આ અવગણનાને કારણે એક દિવસ તેમને હાર્ટ-અટૅક આવ્યો. આનો અર્થ એ નથી કે ખભાનો દરેક દુખાવો હાર્ટ-અટૅક છે અથવા ઍસિડિટીનો દરેક એપિસોડ હૃદય સંબંધિત છે. એનો અર્થ એ છે કે સમાન લક્ષણોનાં અલગ-અલગ કારણો હોઈ શકે છે અને હૃદયની કેટલીક સમસ્યાઓ આપણે કલ્પના કરીએ છીએ એ છાતીના પરંપરાગત દુખાવા સિવાય પણ અસ્વસ્થતા તરીકે દેખાઈ શકે છે.
આયુર્વેદની તબીબી પરંપરા દર્શન, સ્પર્શન અને પ્રશ્ન-અવલોકન, શારીરિક તપાસ અને પૂછપરછ પર ભાર મૂકે છે. 
નાડી-પરીક્ષાને પણ ક્લિનિકલ મૂલ્યાંકનના એક ભાગ તરીકે સમજવી જોઈએ, નહીં કે નિદાન માટેના કોઈ જાદુઈ શૉર્ટકટ તરીકે. આજે આપણી પાસે ECG, ઇમેજિંગ, લૅબોરેટરી ટેસ્ટ અને  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે. આ ટેક્નૉલૉજી માપી શકે છે, શોધી શકે છે અને પૅટર્ન ઓળખી શકે છે; પરંતુ આ બધી જ માહિતી લઈને અંતે તો ડૉક્ટરને મળવું જરૂરી જ છે કારણ કે એનું પૃથક્કરણ તો ડૉક્ટર જ કરી શકે છે.  
આરોગ્ય સાક્ષરતાનો અર્થ સેંકડો રોગોનાં નામો ગોખવાનો નથી. એનો અર્થ એ જાણવાનો છે કે ક્યારે અવલોકન કરવું, ક્યારે સલાહ લેવી, ક્યારે તપાસ કરાવવી અને ક્યારે તાત્કાલિક સારવાર લેવી. તેથી કૃપા કરીને દરેક લક્ષણથી ગભરાશો નહીં, પરંતુ કોઈ લક્ષણથી એટલા પરિચિત પણ ન થઈ જાઓ કે તમે એને સાંભળવાનું જ બંધ કરી દો.
સૌથી મહત્ત્વની બાબત જે દરેકે યાદ રાખવી જોઈએ તે એ છે કે લક્ષણ એ માત્ર એક સંદેશ છે, નિદાન નથી અને ક્યારેક સૌથી ખતરનાક નિદાન એ હોય છે જે આપણે પોતે પોતાને આપીએ છીએ અથવા એ નક્કી કરી લઈએ છીએ કે મને આ કેવી રીતે હોઈ શકે.

healthy living health tips gujarati mid day ayurveda