જો કૉલેસ્ટરોલ વધુ હોય તો લાઇફસ્ટાઇલ પરિવર્તનથી એ પાછું જઈ શકે છે

05 March, 2026 03:30 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

જે લોકોને લાંબા સમયથી કૉલેસ્ટરોલ હોય અને દવા ચાલુ હોય તેમને પણ લાઇફસ્ટાઇલમાં સુધારથી સારાં પરિણામો મળી શકે છે, તેમની પણ દવા બંધ થઈ શકે છે અને મહત્ત્વનું એ છે કે કૉલેસ્ટરોલનું બૅલૅન્સ શરીરમાં સારું થઈ જવાથી હાર્ટ-પ્રૉબ્લેમનું રિસ્ક ઘટી જાય છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મોટા ભાગના લોકો જેમને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, ઓબેસિટી જેવી તકલીફ હોય તેમને કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ આવી જ જતો હોય છે. આ સિવાય જેને ફાંદ હોય તેને પણ આ તકલીફ હોય છે. તમને કૉલેસ્ટરોલ છે કે નહીં એ ફક્ત ને ફક્ત ટેસ્ટ દ્વારા જ ખબર પડે છે. એટલે જ ૩૦ વર્ષની ઉંમર પછી દર ત્રણથી પાંચ વર્ષે લિપિડ પ્રોફાઇલની ટેસ્ટ કરાવવાનું ડૉક્ટર સૂચવતા હોય છે. જો તમે એ ટેસ્ટ કરો તો સમજાય છે કે તમારા શરીરની ફૅટ્સ કેટલી વધારે કે ઓછી છે. ફક્ત કૉલેસ્ટરોલ જ નહીં, કૉલેસ્ટરોલના બન્ને પ્રકાર એટલે કે સારું અને ખરાબ બન્ને કૉલેસ્ટરોલ, ટ્રાયગ્લિસરાઇડ વગેરે પ્રકારની ફૅટ્સ પણ ખબર પડે છે. જો એમાં ઇમબૅલૅન્સ હોય તો એની અસર શરીર પર અલગ-અલગ રીતે પડતી હોય છે. સામાન્ય રીતે લોકો કૉલેસ્ટરોલ આવે ત્યારે ડૉક્ટરને મળવા જાય અને ડૉક્ટરને જો આ ઇમબૅલૅન્સ વધુ લાગે તો એની દવા ચાલુ કરી દે. એ એક ટીકડી લેવાનું ભારણ જે લોકોને લાગતું નથી તેઓ જીવન પર્યંત આ ટીકડી લીધે રાખે છે. જોકે એને લીધે પણ અમુક કૉમ્પ્લીકેશન્સ આવે છે જોકે લોકોને લાગે છે કે ઘી-તેલ ખાવાને લીધે વ્યક્તિને કૉલેસ્ટરોલ થાય છે. હકીકત એ નથી. જે લોકો કૉલેસ્ટરોલ સંબંધિત સમસ્યા ધરાવે છે તેમને લાગે છે કે તેમની ડાયટ ઠીક કરશે એટલે બધું થઈ ગયું. જોકે એવું છે નહીં. ફક્ત ડાયટથી આ તકલીફ ઠીક નહીં થાય. કૉલેસ્ટરોલ જેવી તકલીફમાં ફક્ત ગોળીઓ લીધા કરવાને બદલે થોડી મહેનત કરી, લાઇફસ્ટાઇલ સુધારી, એક્સરસાઇઝ અને ડાયટ પર ધ્યાન આપી, ઊંઘ ઠીક કરીને ઘણાં સારાં પરિણામો મેળવી શકાય છે. ૯૦-૯૫ ટકા કેસમાં કૉલેસ્ટરોલની તકલીફ ખોટી લાઇફસ્ટાઇલને જ આભારી છે. એક્સરસાઇઝ, સ્ટ્રેસ-ફ્રી લાઇફ, વ્યવસ્થિત ઊંઘ, સમતોલ આહાર, સ્મોકિંગ અને આલ્કોહૉલનું સેવન ન કરીને લાઇફસ્ટાઇલ સુધારવાથી ઘણાં સારાં પરિણામો મળી શકે છે. આ બધી જ વસ્તુઓ પર ધ્યાન દઈએ તો ચોક્કસ કૉલેસ્ટરોલના ઉત્પાદનમાં ફરક પડે છે. સૌથી પહેલાં વ્યક્તિનું ફૅટ મેટાબોલિઝમ સુધારવું પડે છે એટલે કે શરીરમાં ઉપયોગી ફૅટ્સ મળી રહે અને બિનજરૂરી ફૅટ્સ જમા ન થાય એનું જે બૅલૅન્સ છે એ ખોરવાવું ન જ જોઈએ. જો એ ખોરવાઈ ગયું હોય તો એને સુધારવું પડે. જે લોકોને લાંબા સમયથી કૉલેસ્ટરોલ હોય અને દવા ચાલુ હોય તેમને પણ લાઇફસ્ટાઇલમાં સુધારથી સારાં પરિણામો મળી શકે છે, તેમની પણ દવા બંધ થઈ શકે છે અને મહત્ત્વનું એ છે કે કૉલેસ્ટરોલનું બૅલૅન્સ શરીરમાં સારું થઈ જવાથી હાર્ટ-પ્રૉબ્લેમનું રિસ્ક ઘટી જાય છે. જો તમને આ તકલીફની શરૂઆત હોય તો ચોક્કસ પ્રોફેશનલ મદદથી તમે કૉલેસ્ટરોલને પાછું ધકેલી શકો છો.

lifestyle news life and style columnists health tips gujarati mid day