29 September, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આમ તો ગઈ કાલે આપણે વાત કરી એ જ ટૉપિકનો આ બીજો દૃષ્ટિકોણ છે જે અનાયાસ જ તમારી સમક્ષ મૂકવાનું બની ગયું.
બન્યું એવું કે આર્થિક રીતે સધ્ધર અને સારા પૅકેજ સાથે કૉર્પોરેટ જૉબ કરતી એક યંગ છોકરી મળી. તેણે નિખાલસતાથી કહ્યું કે ‘મારે એકલા રહેવું છે પણ મને બધા બહુ ડરાવે છે કે આજે તો એકલા રહેવું ગમશે, પણ ભવિષ્યમાં તને બહુ તકલીફ પડી શકે છે? શું આ વાત સાચી છે?’
તે યંગ છોકરી જેવી ઇન્ડિપેન્ડન્ટ બનીને સ્વતંત્ર રહેવાનો નિર્ણય લેવો એ વિચાર આજે દર દસમાંથી બે કે ૩ યુવતીઓમાં છે. આ બળવાખોર વૃત્તિ નથી, પણ સાઇકોલૉજી કહે છે કે સંપૂર્ણ આઝાદીમાં રહેવાના વિચાર સાથે-સાથે અમુક ભાવનાત્મક જવાબદારીઓ પણ આવે છે. જ્યારે કોઈ યુવતી સિંગલ રહેવાનો નિર્ણય કરે ત્યારે તેણે સૌથી પહેલાં તો ઇમોશનલ લોનલીનેસ વિશે વિચારી લેવું જોઈએ. આખો દિવસ ઑફિસમાં ગમે એટલા વ્યસ્ત હો, રાત્રે જ્યારે થાકીને ખાલી ઘરમાં પ્રવેશો ત્યારે મનમાં એક શૂન્યાવકાશ ઘેરી વળે. શરૂઆતમાં આઝાદીનો રોમાંચ હોય છે, પણ સમય જતાં આ એકાંત એકલતા લાગી શકે અને ડિપ્રેશનનું કારણ બની શકે. આવી વિચારધારા ધરાવતી વ્યક્તિએ ડિજિટલ કે સોશ્યલ મીડિયાના ઇમેજિનરી સુખમાં કે ટાઇમપાસમાં ડૂબી જવાને બદલે ક્રીએટિવ દિનચર્યા ડેવલપ કરવી જોઈએ જે બહુ જરૂરી છે. બીજા નંબરે વાત આવે છે અટેન્શન અને ઇમોશનની.
એકલા રહેતી વખતે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે વધુ સંવેદનશીલ બને છે. સુષુપ્ત મનમાં સાહચર્ય અને હૂંફની ઝંખના જાગવી એ અત્યંત બાયોલૉજિકલ પ્રક્રિયા છે. આવા સમયે ક્ષણિક એકલતા દૂર કરવા કે માત્ર શારીરિક આવેગ સંતોષવા માટે કોઈ ખોટી વ્યક્તિ પર પસંદગી ન ઊતરી જાય એનું ધ્યાન રાખવું પડે. ઓશો બહુ સરસ વાત કહેતા કે મર્યાદાની લક્ષ્મણરેખા ઓળંગનારાએ દુખી થવું જ પડે છે.
એકલા રહેવા માગતા લોકોએ પોતાની સપોર્ટ સિસ્ટમ અને ઇમર્જન્સી સિસ્ટમ ઊભી કરવી પડે અને તેમને જજ કર્યા વિના સાંભળી શકે એવા સાથીને સાથે રાખવો જોઈએ. સાથે મતલબ એક જ ફ્લૅટમાં કે રૂમમાં નહીં પણ જીવનમાં. અંગત મિત્ર કે મેન્ટરની મજબૂત સપોર્ટ સિસ્ટમ હોવી અનિવાર્ય છે. બધું જ એકલા હાથે મૅનેજ કરવાની જીદ ક્યારેક માનસિક થાક આપે છે, જે અગેઇન ડિપ્રેશનની દિશામાં ખેંચી જાય છે. સિંગલ રહેવું એ બોલ્ડ નિર્ણય છે જે જાતને ઓળખવાની તક આપે છે, પણ આ ઉડાન ત્યારે જ સફળ થાય જ્યારે આઝાદીની સાથે ભાવનાત્મક મૅચ્યોરિટી અને સેલ્ફ-ડિસિપ્લિનનું બૅલૅન્સ હોય. પોતાની સ્પેસ માણવાની સાથે મનનું સંતુલન જાળવી રાખવું એ જ સાચી સમજદારી છે.
ડૉ. મુકુલ ચોકસી