08 May, 2026 12:55 PM IST | Mumbai | Dr. Ravi Kothari
પ્રતીકાત્મક તસવીર
મારા એક દરદીનું વલસાડમાં મોટું ફાર્મ છે. સીઝનની સારી કેરી આવે એટલે તેઓ મને જરૂર મોકલે. આ વખતે તેઓ કેરી આપવા આવ્યા ત્યારે સાથે ફરિયાદ પણ લઈને આવ્યા હતા. તેમનું ખરજવું વકરી રહ્યું હતું. ખણી નાખવાને કારણે ત્યાં સફેદ ડાઘ પડવાના શરૂ થયા હતા અને એ વધી રહ્યા હતા. મને કહે કે અત્યાર સુધી તમારી દવાઓથી બધું કાબૂમાં હતું અને ૬ મહિનાથી તો દવા પણ બંધ કરી દીધેલી. જોકે એક મહિનાથી અચાનક જ સમસ્યા વકરી રહી છે. તેમની વાઇફનું વજન વધી રહ્યું છે અને દીકરાને છાશવારે શીળસ નીકળે છે.
છેલ્લા થોડા સમયમાં તેમની જીવનશૈલીમાં શું બદલાવ આવ્યો એ સમજવા માટે કેટલાક પ્રશ્નો પૂછ્યા તો સમસ્યાનું મૂળ ધીમે-ધીમે પકડાવા લાગ્યું. કેરીની આંબાવાડી જ તેમની સમસ્યાના મૂળમાં હતી. કેરીઓ આવવાની શરૂ થઈ ગઈ હતી ફેબ્રુઆરીના અંતથી જ. જ્યારથી કેરીઓ આવવા લાગી ત્યારથી ઘરમાં છૂટથી એ ખવાતી. રોજ કેરીનો રસ વળી શું ખાવાનો? એટલે રાતે સૂતાં પહેલાં આખું ફૅમિલી મૅન્ગો મિલ્ક શેક પીએ. ક્યારેક વૅનિલા આઇસક્રીમ લાવે અને એના પર કેરીનો રસ પાથરીને કે કેરી કાપીને ખાય.
ઑલરેડી તેમને ખરજવાની તકલીફ હતી અને એમાં આખા પરિવારને કેરીઓ ખાવાનો જે ચસકો હતો એને કારણે પિત્ત અને કફની સમસ્યાઓ વકરી રહી હતી. પહેલાં તો મેં તેમને શાંતિથી સમજાવ્યા કે તેમની કેરીઓ જ તેમને માંદી પાડી રહી છે. સ્વાભાવિક છે કે આ વાત તેમને બહુ ઑફેન્સિવ લાગી. તેમની દલીલ હતી કે મારા ફાર્મની કેરીઓ ખરાબ હોઈ જ ન શકે કેમ કે તેઓ ઑર્ગેનિક ખેતી કરે છે. તેમણે છેલ્લાં પાંચ વર્ષથી આંબાને રાસાયણિક ખાતર નાખ્યું નથી અને કેરી પકવવા માટે કદી કાર્બાઇડ પણ વાપરતા નથી. કાચી કેરીને કંતાનમાં પૂળાની અંદર ભરીને
નૅચરલી જ પકવવામાં આવે છે એટલે એમાં પણ કેમિકલ હોવાની કોઈ શક્યતા નથી.
યસ, આ ભાઈના આંબાની કેરીઓ ખરેખર જ બહુ સારી હોય છે એ હું પણ સ્વીકારું છું, પણ માત્ર કેરીઓ સારી ગુણવત્તાની હોવી પૂરતું નથી. એને કઈ રીતે ખાવી એ પણ મહત્ત્વનું છે.
આયુર્વેદમાં ફળો અને દૂધને વિરુદ્ધ આહાર ગણવામાં આવ્યા છે. વિપરીત આહારથી સૌથી મોટી સમસ્યા પાચનશક્તિ ખરાબ થવાની થાય છે. વિપરીત આહારને કારણે ત્વચાના રોગો જન્મે છે. દૂધ અને ફળોનું કૉમ્બિનેશન એમાં સૌથી ખરાબ ગણાય છે. જ્યારથી આપણે ત્યાં ફ્રૂટ્સ સાથે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ ખાવાનું પ્રમાણ વધ્યું છે ત્યારથી ત્વચાના રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. સૉરાયસિસ, શીળસ, ખરજવું, વિટિલિગો જેવી સમસ્યામાં વિપરીત આહારનો સૌથી મોટો ફાળો છે. કેરી એ અમૃતફળ છે, પણ મૅન્ગો મિલ્ક શેક કે મૅન્ગો આઇસક્રીમ જરાય ઠીક નથી. એમાંય
જેમને ઑલરેડી ત્વચાની તકલીફો થવાની પ્રકૃતિ છે તેમને આ વિપરીત આહારનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે.
કેરી અવગુણ નહીં ગુણ કરે એ માટે એના સેવનમાં ધ્યાન રાખવું જરૂરી છે. કેરી ખાતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણથી ૪ કલાક પલાળી રાખો. કેરી કાપ્યા પછી કે રસ કાઢ્યા પછી લાંબો સમય ફ્રિજમાં મૂકી ન રાખો. એમાં ઉપરથી ખાંડ નાખીને ગળ્યો કરવાનું પાપ તો બિલકુલ ન કરશો.
કેરીના રસમાં ચપટીક સૂંઠ અને એક ચમચી ગાયનું ઘી નાખીને ખાશો તો પાચન સરળ થશે. સૂંઠ નાખવાથી કેરીના કફકારક અને વાયુકારક ગુણ સંતુલિત થાય છે.
(ડૉ. રવિ કોઠારી અનુભવી આયુર્વેદ નિષ્ણાત છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો)