તમારો પેલ્વિક એરિયા મજબૂત છે?

13 May, 2026 02:56 PM IST  |  Mumbai | Ruchita Shah

પેડુની આસપાસના સ્નાયુઓ બેઠાડુ જીવનશૈલીને કારણે સૌથી વધુ કૉમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે. જર્નલ ઑફ વિમેન્સ હેલ્થ અને વિવિધ યુરોલૉજિકલ રિસર્ચ મુજબ વિશ્વની લગભગ પચીસથી ૩૦ ટકા મહિલાઓ પેલ્વિક ફ્લોર ડિસઑર્ડરથી પીડાય છે.

પેલ્વિક એરિયા

પેડુની આસપાસના સ્નાયુઓ બેઠાડુ જીવનશૈલીને કારણે સૌથી વધુ કૉમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે. જર્નલ ઑફ વિમેન્સ હેલ્થ અને વિવિધ યુરોલૉજિકલ રિસર્ચ મુજબ વિશ્વની લગભગ પચીસથી ૩૦ ટકા મહિલાઓ પેલ્વિક ફ્લોર ડિસઑર્ડરથી પીડાય છે. કોઈ પણ છોછ રાખ્યા વિના નિતંબના સ્નાયુઓને હેલ્ધી રાખવા શું કામ જરૂરી છે એ જાણી લો...

માણસ જ્યારે આદિવાસી તરીકે જંગલોમાં રહેતો ત્યારે પણ માંદો પડતો અને આજે પણ માંદો પડે છે. ત્યારની સમસ્યાઓ જુદી હતી, આજની સમસ્યાઓ જુદી છે. દરેક સમયચક્ર સાથે બદલાતી જીવનશૈલી સાથેના પડકારો પણ બદલાતા હોય છે. પહેલાં કૉમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે ચેપી રોગોનો પડકાર હતો, જ્યારે આજે નૉન-કૉમ્યુનિકેબલ એટલે કે સંક્રમણથી ન ફેલાતા પણ જીવનશૈલીને કારણે થતા રોગોનો પડકાર છે. આજકાલ એવી જ એક એટલે કે પેલ્વિક ફ્લોરને લગતી સમસ્યા પણ વધી રહી છે. સૂગ સાથે જોડાયેલો, ઓછો ચર્ચાયેલો અને ભરપૂર અવગણાયેલો શરીરનો પેડુની આસપાસનો હિસ્સો સાતથી ૮ જોડીઓમાં આવતા ચૌદથી ૧૬ મસલ્સથી વિવિધ અવયવોને સપોર્ટ આપવાનું કામ કરતો હોય છે. જર્નલ ઑફ વિમેન્સ હેલ્થ અને વિવિધ યુરોલૉજિકલ રિસર્ચ મુજબ વિશ્વની લગભગ પચીસથી ૩૦ ટકા મહિલાઓ પેલ્વિક ફ્લોર ડિસઑર્ડરથી પીડાય છે. પુરુષોમાં પણ ઉંમર વધવાની સાથે પ્રોસ્ટેટની સમસ્યાઓ અને પેલ્વિક નબળાઈના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. આજકાલ બેઠાડુ જીવનશૈલી અને ખાનપાનની બગડેલી આદતોએ પેડુની આસપાસના સ્નાયુઓની ક્ષમતાને હાનિ પહોંચાડવાનું કામ કર્યું છે ત્યારે જાણીએ એનાં જોખમો અને ઉકેલ વિશે.

પેલ્વિક ફ્લોર છે શું?
શરીરનો એવો હિસ્સો જે મહત્ત્વનો છે અને છતાં અવગણાયેલો છે એમ જણાવીને કન્સલ્ટન્ટ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. તન્વી આર. આકલેકર કહે છે, ‘ઇમેજિન કરો કે એક ઝાડ પર બે બાજુએથી દોરી લગાડીને તમે ઝૂલો બનાવ્યો અને ઝૂલા પર બેસનારી વ્યક્તિને એ ઝૂલો જેમ પકડી રાખે એમ જ પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ એ ઝૂલા જેવા હોય છે. એ શરીરનાં બહુ જ મહત્ત્વનાં 
ઑર્ગન્સ એટલે કે મૂત્રાશય, ગર્ભાશય, આંતરડાં વગેરેને એના સ્થાને જાળવી રાખવાનું કામ કરે છે. વિચારો કે ઝૂલાની રસ્સી આમતેમ થાય અને એની સિટિંગ અરેન્જમેન્ટમાં ગરબડ થાય તો એના પર બેસનારી વ્યક્તિનું બૅલૅન્સ પણ ખોરવાયને? અહીં પણ એવું જ થાય છે. ઈવન હૃદય, ફેફસાં અને રિબકેજ જેવા મસલ્સ પણ પેલ્વિક ફ્લોરના સ્નાયુઓમાં આવતા અસંતુલનથી પ્રભાવિત થતા હોય છે.’

કેવી સમસ્યાઓ થાય?
પેલ્વિક ફ્લોર જો આપણા મધ્યમ શરીરનાં મહત્ત્વનાં ઑર્ગન્સને ઝાલી રાખવાનું કામ કરતું હોય તો સ્વાભાવિક છે કે એની નબળાઈ આ મહત્ત્વના અવયવોને પણ ડિસ્ટર્બ કરી શકે. ડૉ. તન્વી કહે છે, ‘જ્યારે આ સ્નાયુઓ નબળા પડે ત્યારે સ્ત્રી અને પુરુષ બન્નેમાં જુદી-જુદી સમસ્યાઓ ઉદ્ભવે છે. મોટા ભાગે ઉંમર સાથે આ સ્નાયુઓમાં નબળાઈઓ આવતી હોય છે. મહિલાઓમાં પ્રેગ્નન્સીમાં ડિલિવરીને કારણે આ સ્નાયુઓ નબળા પડી શકે છે જેની નબળાઈ યુરિન કન્ટ્રોલ કરવામાં તકલીફ પાડે, પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યાને નોતરી શકે. કબજિયાત પણ આ સ્નાયુઓની નબળાઈને કારણે પનપી શકે. મહિલાઓમાં સર્વિક્સ એટલે કે ગર્ભાશયનું મુખ એના સ્થાનથી હટીને વધુ નીચે ખસી જાય. પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા નબળા પેલ્વિક ફ્લોર મસલ્સથી થઈ શકે છે. એ સિવાય કમરનો દુખાવો, સર્વાઇકલ પેઇન વગેરે પણ થઈ શકે છે.’

કરવાનું શું?
પેલ્વિક મસલ્સને બહુ જ સરળતાથી મજબૂતી પણ આપી શકાય છે. કેટલીક કસરતોથી ત્વરિત રિઝલ્ટ મળી શકે છે. ડૉ. તન્વી કહે છે, ‘પેલ્વિક મસલ્સ માટે કીગલ એક્સરસાઇઝ ખૂબ પાવરફુલ મનાય છે. સામાન્ય રીતે યુરિનને રોકવા માટે આપણે જે મસલ્સનો ઉપયોગ કરીએ છીએ એ મસલ્સથી તમે એક સ્ટોન પકડો અને પછી પાંચ સેકન્ડ હોલ્ડ કરીને એને છોડી દો. આને વાસ્તવિક રીતે વ્યક્તિ પોતે કરે ત્યારે જ સમજી શકે છે. એ સિવાય ફિઝિયોથેરપીમાં અમે પેરિનિયોમીટર જેવાં કેટલાંક પ્રોપ્સનો ઉપયોગ કરીને પણ એ સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો કરાવીએ છીએ. અહીં સૌથી મોટો પડકાર લોકોના મનમાં રહેલો છોછ હોય છે. આજે પણ સ્ત્રી અને પુરુષમાં આને લઈને સ્ટિગ્મા છે જેને કારણે તેઓ જલદીથી તેમને થતી સમસ્યાઓને અવગણ્યા કરે છે. આ એક સ્નાયુઓનો ગુચ્છો ડિસ્ટર્બ થાય ત્યારે એ શરીરના અન્ય સ્નાયુઓને પણ નોંધનીય રીતે વીક કરે છે.’ 

યોગની દૃષ્ટિએ વાતને સમજીએ

છેલ્લાં ૪૦ વર્ષથી ઐયંગર યોગ કરતાં અને કરાવતાં સિનિયર યોગશિક્ષક દેવકી દેસાઈ કહે છે, ‘નાભિથી નીચેનો ભાગ યોગની દૃષ્ટિએ પૃથ્વી, જળ અને અગ્નિતત્ત્વ સાથે જોડાયેલો ભાગ ગણાય છે. આ તત્ત્વોમાં થતા અસંતુલનની અસર ફિઝિકલ અને મેન્ટલ એમ બન્ને હેલ્થ પર પડે છે. માઇન્ડ ડિસ્ટર્બ થાય ત્યારે આ એરિયાના સ્ટ્રેચીઝ કરવાથી લાભ થાય છે એવું અમે જોયું છે. મેન્ટલ હેલ્થ અને હૉર્મોનલ હેલ્થ પણ ઇન્ટર્નલ કનેક્ટેડ છે. આપણી હૉર્મોનલ હેલ્થ પણ પેલ્વિક ફ્લોરના મસલ્સની હેલ્થથી પ્રભાવિત થતા હોય છે. આપણા નાડીશાસ્ત્ર મુજબ પણ નાભિ અને એની નીચેનો શરીરનો હિસ્સો મહત્ત્વનો મનાય છે. દરેક રીતે પેલ્વિક ફ્લોરમાં આવતા સ્નાયુઓ જો મજબૂત હોય, ત્યાં બ્લડ-સર્ક્યુલેશન સારું હોય તો એ રીપ્રોડક્ટિવ હેલ્થ, ડાયજેસ્ટિવ હેલ્થ, મેન્ટલ હેલ્થ એમ દરેક રીતે મહત્ત્વનું છે. આજે ઘણા સ્ટુડન્ટ્ન્સમાં અમે પેલ્વિક ઇન્ફ્લમેશન નામનો રોગ થઈ રહ્યો છે. આ બધાનો એક જ ઉપાય છે એ ભાગની મૂવમેન્ટ, સ્ટ્રેચિંગ થકી બ્લડ-સર્ક્યુલેશન સુધારવું અને બ્રીધિંગ દ્વારા સંતુલન લાવવું. યોગમાં સેતુબંધ સર્વાંગાસન, બદ્ધકોણાસન અને ઉત્તાનાસન એ બહુ જ મહત્ત્વનાં પૉશ્ચર્સ છે જે તમારા નિતંબના સ્નાયુઓને લચીલા કરવાનું અને ત્યાં સર્ક્યુલેશન વધારવાનું કામ કરી શકે. કપાલભાતિનો અશ્વિની મુદ્રા સાથેનો અભ્યાસ પણ ઉપયોગી છે. જોકે આ બધું જ કોઈ અનુભવી શિક્ષકની નિગરાણીમાં કરવું જોઈએ.’ 
આ સિવાય માર્જરાસન અને મલાસન પણ નિતંબના સ્નાયુઓ માટે ઉપયોગી મનાય છે.

healthy living health tips yoga life and style lifestyle news