17 December, 2025 01:20 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મેનોપૉઝ બાબતે સૌથી બેઝિક એની વ્યાખ્યા સમજવી જરૂરી છે. જો સ્ત્રીને એક આખું વર્ષ માસિક ન આવે તો તેનો મેનોપૉઝ ચાલુ થઈ ગયો છે એમ માનવામાં આવે છે. પરંતુ માસિક બંધ થવાની આ પ્રક્રિયા એકદમથી આવી જતી નથી. મેનોપૉઝ પહેલાંનો સમય જેને પેરિમેનોપૉઝલ સમય કહે છે એ સમય મોટા ભાગે ૫-૭ વર્ષનો હોય છે જ્યારે માસિક ધીમે-ધીમે અનિયમિત બને છે અને સાથે ઘણા ફેરફારો થતાં-થતાં એ બંધ થાય છે. આ બાબતે દરેક સ્ત્રીની ઉંમર અલગ છે. જો તેના ઘરની સ્ત્રીઓ એટલે કે તેની મમ્મી કે ફૈબાને મેનોપૉઝ ૫૦ વર્ષે આવ્યો હોય તો કદાચ તેને ૪૫ વર્ષે પણ આવી શકે અને જો ૪૫ વર્ષે આવ્યો હોય તો ૪૦ વર્ષે પણ આવી શકે. ઍવરેજ ભારતીય સ્ત્રીની મેનોપૉઝની ઉંમર ૪૭ વર્ષ છે. એટલે તેની પેરિમેનોપૉઝલ ઉંમર ૪૦ વર્ષ થઈ. ૫-૭ વર્ષ પહેલાંથી તેને આ બાબતે લક્ષણો શરૂ થઈ જવાનાં. એટલે મેનોપૉઝની તૈયારી ૪૦ વર્ષ કે એથી પહેલાં જ શરૂ થઈ જવી જોઈએ. ૪૦ વર્ષથી મોડું આ બાબતે ન કરવું.
આ તૈયારી માટે લાઇફસ્ટાઇલમાં અમુક સુધાર અત્યંત જરૂરી છે. જો એ સુધાર હોય તો મેનોપૉઝનાં લક્ષણોની તીવ્રતા ઘટે છે અને એ લક્ષણોને હૅન્ડલ કરવાં ઘણું સરળ પણ બને છે. જીવનભર ભલે તમે તમારું ધ્યાન રાખ્યું હોય કે ન રાખ્યું હોય, પરંતુ ૪૦ વર્ષની ઉંમરે તમારે ચોક્કસ તમારું ધ્યાન રાખવું જરૂરી છે. ૪૦ વર્ષના થાઓ પછીથી તમારો ખોરાક પોષક તત્ત્વોથી ભરપૂર હોવો જરૂરી છે જેમાં પ્રોટીનની માત્રા પૂરતી હોવી જોઈએ. આ સિવાય હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટે દરરોજ ૧ કલાક એક્સરસાઇઝ કરવી જ જોઈએ. જો ક્યારેય ન કરી હોય તો પણ ૪૦ વર્ષે એક્સરસાઇઝ શરૂ કરી શકાય છે. આ સિવાય ઊંઘનું ખાસ ધ્યાન રાખવું. ૮ કલાકની રાતની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. આ સિવાય યોગ, પ્રાણાયામ અને ધ્યાન ચાલુ કરવા જેથી શારીરિક જ નહીં, માનસિક તકલીફો પણ ખમી શકાય. જો આ લાઇફસ્ટાઇલ તમારી ૪૦ વર્ષની ઉંમરથી તમે અપનાવશો તો ચોક્કસ મેનોપૉઝ પહેલાં અને પછીનો સમય કપરો નહીં રહે.
આ સિવાય ૩૫ વર્ષની ઉંમરથી જ સ્ત્રીએ પોતાના શરીરમાં કૅલ્શિયમ બાબતે જાગૃત થવું જરૂરી છે. કૅલ્શિયમ રિચ ખોરાકની સાથે જો એના અને વિટામિન Dનાં સપ્લિમેન્ટ લેવાં પડે તો ડૉક્ટરની સલાહ લઈને લઈ લેવાં જોઈએ. આ સિવાય જો સ્ત્રી કુપોષણનો શિકાર હોય તો બીજાં જરૂરી સપ્લિમેન્ટ પણ શરૂ કરી દેવાં જોઈએ. ટૂંકમાં આ સમય એવો છે કે જ્યારે તમારા શરીરમાં પોષણની કમી ન જ હોવી જોઈએ એનું ધ્યાન રાખવું.