આંખો ચોળવાથી રાહત શા માટે અનુભવાય છે?

06 March, 2026 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંખને ચોળતી વખતે જે સંતોષ મળે છે એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે, પણ જો તમને વારંવાર આંખો ચોળવાની આદત હોય તો એ આંખોની રોશની માટે પણ જોખમી સાબિત થઈ જ શકે છે

પ્રતીકાત્મક તસવીર

આપણને જ્યારે થાક લાગે, તનાવ હોય કે લાંબા સમય સુધી કમ્પ્યુટર કે મોબાઇલની સ્ક્રીન સામે બેસી રહીએ ત્યારે અજાણતાં જ આપણા હાથ આંખો પર પહોંચી જાય છે. આંખોને હળવા હાથે ચોળવી એ એક સહજ પ્રક્રિયા લાગે છે અને એનાથી સંતોષ મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી લાગતી આદત તમારી આંખોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે?

આંખો ચોળવાથી કેમ સારું લાગે છે?

જ્યારે આપણે આંખો ચોળીએ છીએ ત્યારે શરીરમાં કેટલીક જૈવિક પ્રક્રિયાઓ થાય છે.

ચેતાતંતુઓની ઉત્તેજના : આંખના ડોળાની આસપાસ અને પાછળના ભાગમાં ખૂબ જ સંવેદનશીલ નર્વ એન્ડિંગ્સ હોય છે. નર્વ એન્ડિંગ્સ એટલે આપણા શરીરના ચેતાતંતુઓના સૌથી છેડાના ભાગો. એ આપણા શરીરના સેન્સર જેવું કામ કરે છે. એ બહારના સ્પર્શ, તાપમાન અને દુખાવાને અનુભવે છે. જ્યારે આપણે આંખોને ચોળીએ છીએ છીએ ત્યારે આ ચેતાઓ મગજને આરામ અને સંતોષના સંકેતો મોકલે છે.

લુબ્રિકેશનમાં વધારો : આંખો ઘસવાથી આંસુની ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે, જેનાથી આંખમાં ભીનાશ આવે છે. આનાથી સૂકી આંખોમાં અને આંખમાં પડેલા ઝીણા રજકણોને સાફ કરવામાં મદદ મળે છે.

વેગસ નર્વ અને હૃદયના ધબકારા : આ સૌથી રસપ્રદ પાસું છે. આંખના ડોળા પર દબાણ આવવાથી ઑક્યુલોકાર્ડિઍક સક્રિય થાય છે, જે વેગસ નર્વને સક્રિય કરે છે. આનાથી હૃદયના ધબકારા ધીમા પડે છે અને માનસિક શાંતિ કે તનાવમુક્તિનો અનુભવ થાય છે. આ જ કારણ છે કે ભાવનાત્મક તનાવમાં પણ લોકો આંખો ચોળતા હોય છે.

આદતવશ આંખો ચોળવાનાં જોખમો

હળવું દબાણ ક્યારેક રાહત આપે છે, પણ વારંવાર કે જોરથી આંખો ચોળવાથી એ અનેક સમસ્યા નોતરી શકે છે.

કેરાટોકોનસ : સૌથી ગંભીર જોખમ કૉર્નિયા એટલે કે આંખના પારદર્શક પડને છે. વારંવાર ઘસવાથી કૉર્નિયા પાતળું થઈ જાય છે અને એ શંકુ આકારમાં બહારની તરફ ફૂલી જાય છે. આ સ્થિતિને કેરાટોકોનસ કહે છે, જેના કારણે દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે અને ઘણી વાર ચશ્માંથી પણ સુધારો થતો નથી. ગંભીર કિસ્સામાં કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.

રક્તવાહિનીઓનું તૂટવું : આંખની આસપાસની ચામડી અને આંખની અંદરની નસો અત્યંત નાજુક હોય છે. જોરથી ચોળવાથી આ ઝીણી રક્તવાહિનીઓ તૂટી શકે છે, જેના કારણે આંખ લાલ થઈ જાય છે અથવા આસપાસ કાળાં કૂંડાળાં વધી શકે છે.

ઇન્ફેક્શનનું જોખમ : આપણા હાથ દિવસભર અનેક વસ્તુઓના સંપર્કમાં આવે છે અને એના પર અસંખ્ય બૅક્ટેરિયા હોય છે. જ્યારે આપણે આંખો ચોળીએ છીએ ત્યારે આ બૅક્ટેરિયા સીધા આંખમાં પહોંચે છે, જેનાથી આંખ આવવી કે આંજણી થવાનું જોખમ વધી જાય છે.

ઍલર્જીનું ચક્ર : જેમને ઍલર્જીની સમસ્યા હોય તેઓ ખંજવાળ આવવા પર વધુ આંખો ચોળે છે. આનાથી હિસ્ટામાઇન નામનું કેમિકલ વધુ મુક્ત થાય છે જે ખંજવાળ અને બળતરામાં ઘટાડો કરવાને બદલે વધારો કરે છે.

અન્ય ઉપાયો

જો તમને વારંવાર આંખો ચોળવાની ઇચ્છા થતી હોય તો આ વિકલ્પો અપનાવો

 દર ૨૦ મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવી ૨૦ ફીટ દૂર રહેલી વસ્તુને ૨૦ સેકન્ડ માટે જુઓ.

 જો આંખો સૂકી રહેતી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ આર્ટિફિશ્યલ ટિયર્સનો ઉપયોગ કરો.

 આંખોમાં બળતરા કે થાક હોય ત્યારે ચોળવાને બદલે ઠંડા પાણીમાં પલાળેલું રૂ કે કપડું આંખો પર રાખો.

ભરપૂર પાણી પીઓ. શરીર હાઇડ્રેટેડ રહેશે તો આંખોમાં કુદરતી ભીનાશ જળવાઈ રહેશે.

health tips healthy living life and style lifestyle news exclusive gujarati mid day