30 January, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બ્રાઝિલમાં ૧૧૦ વર્ષથી વધુ ઉંમરના લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ લોકો માત્ર લાંબું જ નથી જીવતા, તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નાની ઉંમરના લોકો જેવી સક્રિય હોય છે અને એ જ તેમના દીર્ઘાયુનું રહસ્ય છે.
સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે શરીરમાં ક્ષતિગ્રસ્ત પ્રોટીન અને હાનિકારક મ્યુટેશન (કોષોનું વિકૃત રીતે વધવું) જમા થાય છે જે હૃદયરોગ, કૅન્સર અને ડિમેન્શિયા જેવી બીમારીઓ માટે જવાબદાર હોય છે, પરંતુ આ સોથી વધુ વર્ષ જીવેલા લોકોમાં કોષોને રીસાઇકલ કરવાની અને કચરો સાફ કરવાની સિસ્ટમ સુપર સક્રિય હોય છે. આ પ્રક્રિયા તેમને બીમારીઓથી સુરક્ષિત રાખે છે.
યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલોના નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે આ વડીલોના શરીરમાં શ્વેત રક્તકણો એટલે કે બીમારીઓ અને વાઇરસ સામે લડતા શરીરની નૅચરલ ડિફેન્સ સિસ્ટમ જુદી રીતે કામ કરે છે. એ સામાન્ય રીતે માત્ર સૂચનાઓ આપવાને બદલે સીધા જ ચેપગ્રસ્ત કે અસાધારણ કોષો પર હુમલો કરે છે. આ અનોખું લક્ષણ યુવાન લોકોમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. કોવિડ-19 જેવી મહામારી દરમિયાન પણ રસી વગર આ વડીલોએ જે રીતે વાઇરસ સામે લડત આપી એ તેમની મજબૂત ઇમ્યુનિટીનો પુરાવો છે.
બ્રાઝિલમાં જોવા મળતા દીર્ઘાયુ પાછળ ત્યાંની સમૃદ્ધ આનુવંશિક વિવિધતા એટલે કે જિનેટિક ડાઇવર્સિટી હોવાનું મનાય છે. આ લોકો મોંઘી સારવાર કે કોઈ ચોક્કસ ડાયટ-પ્લાન વગર પણ માનસિક રીતે સજાગ અને શારીરિક રીતે સક્રિય રહે છે. સ્વીડનમાં થયેલા અન્ય એક અભ્યાસ મુજબ જે લોકો ૧૦૦ વર્ષથી વધુ જીવે છે તેમને ૮૦ વર્ષની ઉંમરે પણ હૃદયરોગ કે અન્ય ગંભીર બીમારીઓ થવાની શક્યતા સામાન્ય લોકો કરતાં ઘણી ઓછી હોય છે.