મહિલાઓની સંવેદનશીલતા શું તેમને એક બહેતર ચિકિત્સક બનાવી શકે?

24 April, 2026 06:35 PM IST  |  Mumbai | Ruchita Shah

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા કહે છે કે દુનિયાભરમાં હેલ્થકૅરમાં ૭૦ ટકા જેટલી મહિલાઓ પ્રોફેશનલ્સ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા કહે છે કે દુનિયાભરમાં હેલ્થકૅરમાં ૭૦ ટકા જેટલી મહિલાઓ પ્રોફેશનલ્સ છે. મૉડર્ન મેડિકલ સાયન્સ, ટ્રેડિશનલ સિસ્ટમથી લઈને વિવિધ હીલિંગ પદ્ધત‌િઓમાં પણ મહિલાઓનું વધતું વર્ચસ કઈ રીતે ઉપયોગી સાબિત થવાનું છે એ વિષય પર મહિલા ચિકિત્સકો સાથે જ ચર્ચા કરીએ...

પંચાયતથી પાર્લમેન્ટમાં દરેક જગ્યાએ નારીને નિર્ણયાત્મક ભૂમિકામાં સ્થાન આપીને વિકસિત ભારતની તૈયારી જેવાં સ્લોગન્સનો જોરશોરથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન સંમેલનમાં હાજરી આપી ત્યારે પણ દેશના વિકાસમાં નારીની ભૂમિકા પર ચર્ચા કરી હતી. મજાની વાત એ છે કે દરેક ક્ષેત્રની જેમ હેલ્થકૅરમાં મહિલાઓની ભાગીદારી અંગેના વૈશ્વિક આંકડા અચંબિત કરનારા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો એક રિપોર્ટ કહે છે કે વિશ્વભરની હેલ્થકૅર વર્કફોર્સમાં મહિલાઓનું પ્રમાણ અંદાજે ૭૦ ટકા જેટલું છે. અમેરિકન મેડિકલ અસોસિએશનના ડેટા મુજબ મેડિકલ સ્કૂલોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં મહિલાઓનું પ્રમાણ હવે ૫૦ ટકાથી વધી ગયું છે. આ માત્ર આંકડાઓનો ખેલ નથી, આ એક સામાજિક ક્રાન્તિ છે. આ જ દિશામાં ભારત પણ દુનિયાના તાલે આગળ વધી રહ્યું છે. ભારતમાં નર્સિંગ ક્ષેત્રે મહિલાઓનું વર્ચસ દશકોથી જગજાહેર છે, પરંતુ હવે MBBS અને સ્પેશ્યલાઇઝેશન અભ્યાસક્રમોમાં પણ મહિલાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેમ કે અગ્રણી હેલ્થ ઍનૅલિસિસના રિપોર્ટ મુજબ ગાયનેકોલૉજી અને પીડિયાટ્રિક્સ સિવાય હવે કાર્ડિયોલૉજી અને ન્યુરોલૉજી જેવાં જટિલ ક્ષેત્રોમાં પણ મહિલાઓની સંખ્યામાં બાવીસ ટકાનો વાર્ષિક ઉછાળો જોવા મળી રહ્યો છે. હેલ્થકૅરમાં આવી રહેલા આ બદલાવની આવનારા સમયમાં શું અસર થશે? એક મહિલા જ્યારે ચિકિત્સક કે હીલર હોય ત્યારે એની રોગી, રોગ અને સામાજિક સ્તરે શું અસર પડતી હોય છે એ વિષય પર રોચક ચર્ચા કરીએ અને માણીએ આ આવી રહેલા બદલાવની અનોખી દુનિયાને. 

કારણ વૈજ્ઞાનિક છે?
એક વાત તો સાયન્સ પણ સ્વીકારતું થયું છે કે બીમારીનાં કારણો અને એની અસર માત્ર શારીરિક જ નહીં, માનસિક અને સામાજિક પણ હોય છે. મહિલાઓમાં કુદરતી રીતે જ સહાનુભૂતિ હોય છે અને તેમનો ઇમોશનલ ક્વોશન્ટ પણ બહેતર હોવાનું માનવામાં આવે છે જે દરદીના સાજા થવાની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજું, કેટલાક ન્યુરોસાયન્સને લગતા અભ્યાસો એમ પણ સૂચવે છે કે સ્ત્રીઓના મગજમાં સામાજિક જોડાણ અને અન્યની સંભાળ રાખવા માટે જવાબદાર ન્યુરલ પાથવે વધુ સક્રિય હોય છે. એટલું જ નહીં, હેલ્થકૅરમાં જ્યારે એકસાથે અનેક દરદીઓ અને પરિસ્થિતિઓ સંભાળવાની હોય ત્યારે મહિલાઓની મલ્ટિ-ટાસ્કિંગ ક્ષમતા વધુ અસરકારક પરિણામો આપે છે. આ સંદર્ભે ૧૭ વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ગોરેગામનાં ડૉ. પૂજા શાહ પોતાના અનુભવના આધારે કહે છે, ‘હું મારા સમયની અને અત્યારના સમયની કમ્પૅરિઝન કરું ત્યારે લાગે છે કે ખરેખર આજની મહિલાઓની મેડિકલમાં આગળ વધવાની ધગશ ગજબનાક છે. તેમની પાસે પર્યાયો પણ પારાવાર છે અને તેમને મળી રહેલો ફૅમિલી-સપોર્ટ પણ કાબિલેદાદ છે. મેં જ્યારે મેડિકલ કર્યું ત્યારે માહોલ એવો હતો કે મહિલાઓ જો મેડિકલમાં જાય તો એવું ફીલ્ડ પસંદ કરે જેમાં ઇમર્જન્સીની સંભાવના ઓછી હોય. વધુ ડિમાન્ડિંગ અને અડધી રાતે પણ ઇમર્જન્સી આવી શકે એવી સ્ટ્રીમ લેવાનું મહિલા ડૉક્ટરો અવૉઇડ કરતી. આજે એવું નથી. આજની દીકરીઓને સર્જ્યન બનવું છે. બહુ જ ઑફ-બીટ લેવલનું સ્પેશ્યલાઇઝેશન કરવામાં પણ તેઓ ખચકાતી નથી. મારી આસપાસ પણ એવી ઘણી દીકરીઓ છે જેઓ ડૉક્ટર તરીકે ઇમર્જન્સી સિચુએશનમાં દરદી માટે ખડેપગે પહોંચી જાય છે.’

બહુ જ ખુશીની વાત
ગ્રાઉન્ડ રિયલિટીની દૃષ્ટિએ પણ જોઈએ તો યસ, આજે મેડિકલ સ્ટુડન્ટ્સ તરીકે મોટી સંખ્યામાં પણ મહિલાઓ હોય છે. આયુર્વેદ, હોમિયોપથી, ઍક્યુપંક્ચર, એનર્જી હીલિંગ જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓનું આધિપત્ય છે. એનો જીવંત દાખલો આપતાં અંધેરીમાં રહેતી અને MBBSનો અભ્યાસ કરતી હેઝલ ગોગરી કહે છે, ‘હું અત્યારે મેડિકલના ફાઇનલ વર્ષમાં છું. આગળ ભણવું છે અને સર્જરીમાં મહારથ હાંસલ કરવી છે. તમને કહું કે અત્યારે મારા ક્લાસમાં જો ૧૦૦ સ્ટુડન્ટ્સ હશે તો એમાંથી ૭૦ જેટલી છોકરીઓ છે. ઇન ફૅક્ટ, ત્યાં સુધી કે હવે ગુજરાતી અને જૈન પરિવારની દીકરીઓ વધુ મેડિકલ પ્રિફર કરે છે. હું મારી વાત કરું તો મારા પેરન્ટ્સને હતું કે હું મેડિકલમાં જાઉં. અફકોર્સ, તેમણે ફોર્સ નહોતો કર્યો, પરંતુ મારા મનમાં હતું. મેડિકલમાં જવું હોય તો બે બાબતો મહત્ત્વની છે. એક તો તમે ભણવામાં એક્સ્ટ્રા-ઑર્ડિનરી હો અને બીજું, મેડિકલની તોતિંગ ફી ભરી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. બન્ને બાબતો મારા પક્ષે પૉઝિટિવ હતી એટલે વાંધો ન આવ્યો. આ વર્ષ પતે એટલે મારો પહેલો પ્રેફરન્સ સર્જરીમાં આગળ ભણવાનો છે અને એમાં જો અડચણ આવે તો મારે ગાયનેકોલૉજી લેવું છે.’
આમાં વધુ એક મુદ્દો ઉમેરતાં હેઝલ કહે છે, ‘આજની પેઢીની સ્ત્રીઓ માત્ર પૈસા માટે નહીં પણ સામાજિક બદલાવ માટે કામ કરવા માગે છે. ટેલી-મેડિસિન અને AI-આધારિત ડાયગ્નૉસ્ટિક્સને કારણે સ્ત્રીઓને પોતાની અનુકૂળતા મુજબ કામ કરવાની મોકળાશ મળી છે. તમે જ્યારે કોઈને સાજા કરો છો ત્યારે એક અદૃશ્ય સંતોષ મળે છે. મહિલાઓ આ હીલિંગ પ્રોસેસને પોતાનું આધ્યાત્મિક અને માનસિક પોષણ માને છે.’

કેટલો ફરક પડે?
મહિલાઓ ચિકિત્સક તરીકે તમારી સારવાર કરતી હોય તો દરદીને કેટલો ફરક પડે એ વિશે વાત કરતાં પોતાના ૧૭ વર્ષના અનુભવના આધારે થાણેનાં હોમિયોપથી ચિકિત્સક ડૉ. મમતા ભાનુશાલી કહે છે, ‘ઘણો ફરક પડે. મારી પાસે એવી ઘણી મહિલા પેશન્ટ આવતી હોય છે જેમની સામે જો ડૉક્ટર તરીકે મહિલા હોય તો વધુ ખૂલીને પોતાના પ્રૉબ્લેમ કહી શકતી હોય છે. મહિલાઓને સંવેદનશીલતા ગિફ્ટમાં મળી છે અને કોઈ પણ પ્રકારના ડૉક્ટર હોય; ચાહે તે જનરલ ફિઝિશ્યન હોય, સાઇકિયાટ્રિસ્ટ હોય કે પછી અન્ય કોઈ થેરપીના નિષ્ણાત હોય; તેમના માટે પેશન્ટનો વિશ્વાસ જીતવો અને તેમને સહાનુભૂતિ સાથે તેઓ સાજા થઈ જશે એ ભરોસો જગાવવો ઈઝી થઈ જાય છે. મહિલા ડૉક્ટરો સ્માર્ટ છે અને સેન્સિટિવ છે જે તેમને આ પ્રોફેશન માટે વધુ પાવરફુલ બનાવે છે. જુઓ, હીલિંગ માત્ર દવાઓ આપવા સુધી સીમિત નથી. એ દરદીને સાંભળવા, તેમને માનસિક રીતે સમજવા અને તેમની જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવવાની એક વ્યાપક પ્રક્રિયા હોય છે. મહિલાઓ આ પ્રક્રિયામાં નેતૃત્વ કરી રહી છે જે હેલ્થકૅર ક્ષેત્રને વધુ માનવીય, કાર્યક્ષમ અને પેશન્ટ-સેન્ટ્રિક બનાવી રહ્યું છે.’

જોકે આની એક અવળી બાજુ પણ છે. હેઝલ કહે છે, ‘ઘણી સરકારી હૉસ્પિટલોમાં એવા દરદીઓ પણ જોયા છે જેઓ મહિલા ડૉક્ટર પાસે ઇલાજ કરાવવા માટે બહુ કમ્ફર્ટેબલ નથી હોતા. આજે પણ સમાજમાં એવો વર્ગ છે જેને ડૉક્ટર તરીકે સક્રિય મહિલાની ક્ષમતા પર સંકોચ છે. જોકે આજની મહિલાઓ લોકોની પ‌રવા કર્યા વિના પોતાના ગોલ્સને લઈને સિરિયસ છે. પરિવારનો સપોર્ટ પણ તેમને મળી રહ્યો છે. બેશક, ઘરની જવાબદારીઓ તો તેમણે નિભાવવાની જ છે, પણ હવે તેમને સપોર્ટિવ હસબન્ડ મળી રહે છે.’

આખી વાતનો સાર એટલો કાઢી શકાય કે હવે મહિલાઓ માત્ર હેલ્થકૅર ક્ષેત્રે કામ નથી કરી રહી, પણ એને પોતાની મનોવૈજ્ઞાનિક કુશળતા દ્વારા રૂપાંતરિત કરી રહી છે. વિજ્ઞાન અને સંવેદનાનું આ મિશ્રણ તેમને આજના યુગની શ્રેષ્ઠ હીલર્સ બનાવે છે. જે ક્ષેત્રમાં સંવેદનાની જરૂર હોય ત્યાં સ્ત્રીઓનું હોવું એ આશીર્વાદ સમાન છે.

healthy living mental health health tips life and style lifestyle news