12 February, 2026 01:00 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
એક સમયે વર્કોહોલિક હોવું એ એક સદ્ગુણ મનાતો. તમને કામ દેખાય, કામ સિવાય બીજું કઈ ન દેખાય એને સક્સેસનો મંત્ર માનવામાં આવતો. આજે પણ જેઓ સફળ છે પછી તે શાહરુખ ખાન હોય કે ઈલૉન મસ્ક, તેઓ પોતાના આ સ્વભાવને કારણે જ સફળ છે એવું પુરવાર થયું છે, પરંતુ જ્યારથી લોકો બૅલૅન્સ્ડ વર્ક કલ્ચરની વાત કરી રહ્યા છે ત્યારથી વર્કોહોલિક હોવું યોગ્ય નથી એ ચર્ચા જોરમાં છે. વર્કોહોલિક હોવાના ફાયદા અને નુકસાન વિશે આજે કરીએ વાત અને સમજીએ કે કામનો નશો કેટલા અંશે યોગ્ય ગણાય.
અર્જુન ૨૫ વર્ષનો છે. તેના જીવનમાં સપનાંઓ ખૂબ મોટાં છે. તેને મલ્ટિમિલ્યન કંપની ખોલવી છે. મોટી ગાડીઓમાં ફરવું છે. પણ હાલમાં જ્યાં જૉબ કરે છે ત્યાં તેને તેના કામના કલાકો ફિક્સ જોઈએ છે. IT કંપનીમાં તો શનિ-રવિ રજા હોય છે, આપણે ત્યાં કેમ નથી હોતી એવા પ્રશ્નો તે મૅનેજમેન્ટને પૂછે છે. મિત્રો સાથેનાં વેકેશન તેને મિસ નથી કરવાં હોતાં અને સંબંધીઓને ત્યાંનાં એક પણ લગ્નમાં તે ન જાય તો તેને ન ચાલે. તે કામ કરે છે પણ ફક્ત કામ જ કરવું એવું તે માનતો નથી. એટલે જ છેલ્લાં ત્રણ વર્ષથી તેની સાથે કામ કરનારા આગળ વધી ગયા અને અર્જુન હજી એ જ પોસ્ટ પર કામ કરે છે અને સૅલેરી પણ એટલી જ છે. અહીં ગ્રોથ નથી તો કોઈ બીજી કંપનીમાં જવું જોઈએ એવું લોકો તેને કહે છે પણ તે કોઈ એફર્ટ એમાં નાખવા નથી માગતો. આ કંપનીની કમ્ફર્ટ તેને ગમે છે.
શાહરુખ ખાને તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તમે આરામ અને શાંતિ સાથે ક્યારેય સફળતા નહીં મેળવી શકો. જો ખરેખર તમને જીવનમાં સફળતા જોઈએ છે તો થાક્યા વગર મહેનત કરો. આરામ હરામ હૈ. કંઈ જરૂર નથી સૂવાની, ખાવા-પીવાની. જો તમને બલિદાન દેતા નથી આવડતું તો તમે સફળ નહીં બની શકો. જે તમે છો એને ત્યાગીને જે તમે બનવા માગો છો એના તરફ આગળ વધવું જરૂરી છે. જેમ કે હું આળસુ છું. મને વિડિયો-ગેમ્સ રમવી ગમે છે. મારાં બાળકો સાથે રહેવું ગમે છે. મને કામ નથી કરવું. મને કવિતાઓ લખવી છે. મને પુસ્તકો વાંચવાં છે. મને પણ રિલૅક્સ કરવું છે. પણ હું માંડ ૪-૫ કલાક ઊંઘું છું. સવારે ઊઠીને કામ પર જાઉં છું. મને કસરત કરવી જરાય નથી ગમતી તો પણ કરું છું. એટલે તમને કોઈ કહેતું હોય કે આરામ કરો, જીવન જીવો તો સારું છે, કરી શકાય પણ પછી તમે સફળ નહીં બની શકો.
એક સમય હતો જ્યારે લોકો કામઢા લોકોનાં ખૂબ વખાણ કરતા. મહેનતની ખૂબ કદર હતી. એક આખી જનરેશન તેના બાયોડેટા (રેઝ્યુમેને એ સમયે બાયોડેટા જ કહેતા)માં પોતાની સ્ટ્રેન્ગ્થ કે ગુણ તરીકે લખતી કે હું વર્કોહોલિક છું અને મને કામ કરવું ખૂબ ગમે છે. વર્કોહોલિક એટલે જેને કામનું બંધાણ હોય. કામ કર્યા વગર તે રહી ન શકે. સતત તેને કામ જ સૂઝે. એક સમય હતો જ્યારે કોઈ પણ વસ્તુ પામવા માટે અથાગ પરિશ્રમ જરૂરી છે એવું દરેક બાળકને શીખવવામાં આવતું. એ પછી ધીમે-ધીમે સમય બદલાયો. મહેનતને ગાઢ મજૂરી કહેવા લાગ્યા. વર્ક હાર્ડ નહીં, વર્ક સ્માર્ટનું ચલણ લોકો અપનાવવા લાગ્યા અને આજની તારીખે લોકો જેના પર સૌથી વધુ વાત કરી રહ્યા છે એ છે વર્ક-લાઇફ બૅલૅન્સ. કામ કરો, પણ કામ માટે જ જીવવાનું નથી. જીવન કંઈ જુદું છે. જીવન માણવું જરૂરી છે. આ વિચારને કારણે કામના નિશ્ચિત કલાકો, વ્યક્તિનો આરામ, પરિવારને પૂરતો સમય, આ બધી બાબતોની પણ ઘણી જ વાત થઈ રહી છે. લોકો માનતા થઈ ગયા છે કે વધુપડતું કામ તમારી શારીરિક અને માનસિક હેલ્થને ખરાબ કરે છે. નાની ઉંમરમાં આવતા હાર્ટ અટૅક્સ અને ડિપ્રેશન એની સાબિતી છે. આજે સમજવાની કોશિશ કરીએ કે વર્કોહોલિઝમ સારી બાબત છે કે ખરાબ.
આ બાબતે સમજાવતાં લાઇફ શેપર્સના પ્રોફેશનલ સક્સેસ કોચ અમિત કાપડિયા કહે છે, ‘જે સમયે કામ અને મહેનતની વાહ-વાહ થતી હતી એ સમયે ૯૦ ટકા લોકો વર્ક-લાઇફ બૅલૅન્સમાં જીવતા હતા અને એમાંથી ૧૦ ટકા લોકો અતિશય મહેનત કરતા. આજે ૯૦ ટકા લોકો વર્કોહોલિક છે અને ૧૦ ટકા લોકોના જીવનમાં જ વર્ક-લાઇફ બૅલૅન્સ છે. જે તમારી પાસે ન હોય એનાં ગુણગાન હંમેશાંથી ગવાતાં આવ્યાં છે. આજનું વર્કોહોલિઝમ બે પ્રકારનું છે. એક ઇચ્છાથી એટલે કે વ્યક્તિ પોતે જ એવી છે કે તેને સતત કામ કરવું ગમે છે. અને બીજું ફોર્સથી - પરાણે આવતું. બધી જ કંપનીની પોતાના કર્મચારીઓ પાસેથી અપેક્ષા ઘણી વધારે છે. આટલું કામ તો કરવું જ પડશે એમ કહીને એટલાબધા કામનું બર્ડન છે કે વ્યક્તિને કામ ન કરવું હોય તો પણ કામ જ કર્યા કરવું પડે છે. રજાઓ ઓછી. કોવિડ પછી તો ઑફિસના કલાકો જેવું પણ કશું રહ્યું નથી. ઘરથી કામ કરવાના ઑપ્શને ઘરે જઈને કામ કરવાનું નૉર્મલ બનાવી દીધું છે. આ બધામાં શું જરૂરી છે? એ સમુદ્રના ઉદાહરણથી સમજીએ તો ભરતી પણ જરૂરી છે અને ઓટ પણ. કામ આવે ત્યારે અતિશય કામ કરવું જરૂરી છે અને એ પછી રિલૅક્સ કરવું પણ એટલું જ જરૂરી છે.’
એ હકીકત છે કે સફળતા ત્યાગ માગે છે. આજની તારીખે જે પ્રકારની પરિસ્થિતિ છે મહેનત અખૂટ બધાએ જ કરવાની છે. એમાંથી બધા મહેનતુ લોકો સફળ થશે અને કેટલાક લોકો એવા હશે જે વધુ સફળ થશે. પણ જે લોકો મહેનત વગર સફળ થવા માગે છે તો એ શક્ય જ નથી. એ સમજાવતાં અમિત કાપડિયા કહે છે, ‘મહેનત કરશો તો તમારી ક્ષમતા વધશે. તમારા કામ પર લોકોનો ભરોસો વધશે, જેને કારણે કામ પાસેથી તમને જે જોઈએ છે એ બધું જ મળવા લાગશે જેમાં નામ, પૈસો, સફળતા અને સેન્સ ઑફ પર્પઝ એટલે કે હું કેમ આટલી મહેનત કરી રહ્યો છું એનો જવાબ મળશે. પરંતુ વધુપડતી મહેનત તમને થકવે છે. તમને ચૂસી નાખે છે. તમને કામ સિવાય કશું જ ન સૂઝે એ ડેન્જર અવસ્થા છે. ઘણા લોકો છે જે વેકેશન પર જઈને વધુ થાકી જાય છે. તેમને ત્યાં બિલકુલ મજા નથી આવતી. આવું ન થવું જોઈએ. આ એક ચિહ્ન છે કે તમારું વર્કોહોલિઝમ તમને નડી રહ્યું છે. ઘણા લોકો વધુપડતા કામને કારણે આવેલું સ્ટ્રેસ હૅન્ડલ નથી કરી શકતા. જો તમારું વધુપડતું કામ કરવાની આદત તમારા શરીર અને મન બન્નેને ખરાબ કરી રહ્યું છે તો એ નૉર્મલ છે. પણ એ ખરાબીને તમે હૅન્ડલ નથી કરી શકતા તો તકલીફ છે. આજે ઘણા લોકોને એ રિયલાઇઝેશન છે કે તેમનું કામ તેમના પર હાવી થઈને તેમની હેલ્થ બગાડી રહ્યું છે તો તે કામમાં જ રહીને એ પરિસ્થિતિ કે સ્ટ્રેસને બૅલૅન્સ કરવાની કોશિશ કરે છે.’