જિમમાં કલાકો ગાળ્યા પછી પણ વજન નથી ઘટતું? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતાને?

25 March, 2026 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણી વાર વજન ઘટવા માટે તમે જે કરતા હો એ જ એમાં નડતર બની જતું હોય છે. નિષ્ણાતોએ શોધી કાઢેલી એવી કેટલીક બાબતોનું ટૂંકું લિસ્ટ પ્રસ્તુત છે

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકો ઉત્સાહમાં આવીને ડાયટિંગ શરૂ તો કરી દે છે પણ થોડા દિવસોમાં જ નિરાશ થઈ જાય છે, કારણ કે વજનકાંટો નીચે નથી આવતો. વજન ઘટાડવું એ માત્ર ઓછું ખાવા કે વધુ દોડવાનો ખેલ નથી. નિષ્ણાતોના મતે વજન ઘટાડવાની મુસાફરીમાં કેટલીક એવી ભૂલો છે જે આપણી મહેનત પર પાણી ફેરવી દે છે. આજે વન-બાય-વન એના પર નજર ફેરવી લો.

પ્રથમ ભૂલ એ છે કે લોકો વજન ઉતારવાનું નક્કી કરે એટલે ભૂખહડતાળ પર ઊતરી જાય છે. ખૂબ ઓછું ખાવાથી શરીર સ્ટાર્વેશન મોડમાં જાય છે જેનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને શરીર ચરબી બાળવાને બદલે એને બચાવવાનું શરૂ કરે છે.

બીજી મોટી ભૂલ પ્રોટીન અને ફાઇબરની અવગણના છે. પ્રોટીન વગર સ્નાયુઓ નબળા પડે છે અને ફાઇબર વગર પેટ સાફ નથી આવતું અને ભૂખ વધુ લાગે છે.

ત્રીજી ભૂલ છે લિક્વિડ કૅલરી. લોકો ખાવાનું તો ઓછું કરે છે પણ જૂસ, કોલ્ડ ડ્રિન્ક્સ કે ચા-કૉફી દ્વારા અજાણતાં ઘણીબધી કૅલરી લઈ લે છે.

ચોથી મહત્ત્વની ભૂલ છે માત્ર કાર્ડિયો. લોકો ટ્રેડમિલ પર કલાકો સુધી દોડે છે પણ વેઇટલિફ્ટિંગની કસરત નથી કરતા. સ્નાયુઓ જેટલા મજબૂત હશે એટલી જ ઝડપથી ચરબી બળશે.

પાંચમી ભૂલ ઊંઘની છે. જે લોકો ૭-૮ કલાકની ઊંઘ નથી લેતા તેમના શરીરમાં ભૂખ વધારતાં હૉર્મોન્સ સક્રિય થાય છે.

વીક-એન્ડમાં ચીટ મીલના નામે હદ બહાર ખાઈ લેવું, બપોરનું ભોજન સ્કિપ કરવું અને પૂરતું પાણી ન પીવું એ પણ મુખ્ય કારણો છે.

છેલ્લી વાત એટલે વજન ઘટાડવામાં માનસિકતાનો પણ બહુ મોટો ફાળો છે. રાતોરાત પરિણામની અપેક્ષા રાખવાને બદલે જીવનશૈલીમાં ધીમા અને સ્થાયી ફેરફારો કરવા જરૂરી છે. 

health tips healthy living life and style lifestyle news columnists