World Heart Day : જાણો આજના દિવસનો ઈતિહાસ અને મહત્વ

29 September, 2021 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમારા હૃદયને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ? તે વાંચો અહીં

પ્રતીકાત્મક તસવીર

૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ હૃદય દિવસ’ (World Heart Day)ની ઉજવણી કરવામાં આવે છે. હૃદયએ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. આજના આ વિશેષ દિવસની વધુ વિગતો જાણીએ.

શા માટે વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે?

હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે.જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી ખરાબ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે હૃદયને પણ ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે ‘વિશ્વ હૃદય દિવસ’ ઉજવવામાં આવે છે.

એવું જોવા મળ્યું છે કે આપણા ખાવા-પીવાના કારણે હૃદયને સૌથી વધુ નુકસાન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો આપણી ખરાબ દિનચર્યાનો પણ છે. ડૉક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અયોગ્ય આહારની સાથે ધૂમ્રપાનના વધતા જતા કેસો હૃદય સંબંધિત રોગોને જન્મ આપી રહ્યા છે.

વિશ્વ હૃદય દિવસ’નું મહત્વ

આજના સમયમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમજ ઘણા લોકો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. હૃદયના દર્દીઓ પર કરવામાં આવેલા કેટલાક સંશોધનો સૂચવે છે કે યુવાન લોકોમાં હૃદય સંબંધિત વિકૃતિઓ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં, ‘વિશ્વ હૃદય દિવસ’ દ્વારા લોકોને હૃદયને સ્વસ્થ રાખવા તેમજ હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે પ્રેરિત અને જાગૃત કરવામાં આવે છે.

વિશ્વ હૃદય દિવસ’નો ઈતિહાસ

વિશ્વમાં હૃદયના દર્દીઓના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ‘વિશ્વ હૃદય દિવસ’ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ ૨૦૦૦માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ વખત ‘વિશ્વ હૃદય દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

‘વિશ્વ હૃદય દિવસ’નો એકમાત્ર હેતુ હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. દર વર્ષે આ દિવસે ઘણા દેશોમાં કાર્યક્રમો યોજીને લોકોને હૃદયની તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.

આ પણ વાંચો : દાદા-દાદીઓ પણ સમજે દિલ કા હાલ

હૃદયને તંદુરસ્ત રાખવા કરો આટલું

આજની તાણ ભરી જિંદગીમાં હૃદયને તંદુરસ્ત રાખવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરુરી છે.

૧. વજન વધવા ન દો : જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હૃદય રાખવા માંગો છો તો વજન પર ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જ્યારે આપણે વજન વધારીએ છીએ ત્યારે આપણે ચરબીયુક્ત બનીએ છીએ અને સ્થૂળતાને કારણે ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશે છે. એટલે વજન વધારવાને બદલે ફિટ રહેવાનો પ્રયાસ કરો.

૨. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું : હૃદયને સુરક્ષિત અને મજબૂત રાખવા મીઠું અને ખાંડ ખુબ ઓછા વોરવા અથવા તો ન વાપરવા. મીઠાનો વધુ પડતો વપરાશ લોહીમાં આયર્નની ઉણપ તરફ દોરી જાય છે. તો વધુ ખાંડ ખાવાથી ડાયાબિટિસનું જોખમ વધે છે અને આ બંને હૃદય માટે સારા નથી.

૩. સ્ટ્રેસ ન લો, કસરત કરો : વ્યક્તિને અડધા કરતા વધુ રોગો સ્ટ્રેસ લેવાને કારણે જ થાય છે. એટલે તણાવ ન લેવો જેથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે. સાથે કસરત અને યોગા કરવા પણ ખુબ જરુર  છે. જેથી શરીર ફિટ રહે.

૪. શરાબનું સેવન ન કરો : હૃદયને તંદુરસ્ત રાખવા માટે સૌથી અગત્યનું છે કે શરાબનું સેવન ન કરવું. કારણકે શરાબનું સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેમજ શરાબનું સેવન હાર્ટ-એટેકનું જોખમ વધારે છે.

life and style health tips heart attack