શું તમને થાઇરૉઇડની તકલીફ છે? તો સાથે પૅકેજમાં કૉલેસ્ટરોલ, હાર્ટ-ડિસીઝ અને ઇન્ફર્ટિલિટી આવી શકે છે

25 May, 2026 11:09 AM IST  |  Mumbai | Jigisha Jain

દુનિયાભરમાં આશરે ૨૦ કરોડ લોકો થાઇરૉઇડની તકલીફ ધરાવે છે, જેમાંથી ભારતના ૪૨ મિલ્યન લોકો છે. એક નાનકડી ગ્રંથિમાંથી ઝરતો હૉર્મોન શરીરનાં લગભગ બધાં જ અંગ પર અસર કરે છે. મગજથી લઈને હાર્ટ સુધી, પાચનથી લઈને ફર્ટિલિટી સુધી દરેક સિસ્ટમ પર એની અસર દેખાય છે. આજે

પ્રતીકાત્મક તસવીર

આજે વર્લ્ડ થાઇરૉઇડ ડે છે ત્યારે સમજીએ કે એની અસર શું થાય. રાહતની વાત એ છે કે જો આ રોગનું  સમયસર નિદાન અને સારવાર થાય તો આવનારા કૉમ્પ્લીકેશનથી બચી શકાય છે.

આપણા શરીરમાં ગળાના ભાગમાં આવેલી થાઇરૉઇડ ગ્રંથિ પતંગિયા આકારની એક નાની ગ્રંથિ છે જે શરીરના મુખ્ય એન્જિન તરીકે કામ કરે છે. એ આપણા મેટાબોલિઝમ એટલે કે શરીર ખોરાકમાંથી ઊર્જા કેવી રીતે બનાવે છે એનું નિયંત્રણ કરે છે. આ ઊર્જા જ છે જે આપણા હૃદયના ધબકારા, શરીરનું તાપમાન, શ્વાસ લેવાની પ્રક્રિયા, વજન અને પાચનક્રિયાને નિયંત્રિત કરે છે. એના પરથી સમજી શકાય કે એનું કામ કેટલું મહત્ત્વનું છે. આ ગ્રંથિ મુખ્ય બે હૉર્મોન્સ બનાવે છે : T3 જેને ટ્રાઇઆયોડોથાઇરૉનિન અને T4 જેને થાઇરૉક્સિન કહેવાય છે. આ બન્ને હૉર્મોન્સ શરીરના દરેક કોષ અને અંગ પર અસર કરે છે.

જ્યારે થાઇરૉઇડ ગ્રંથિ ખૂબ વધારે પ્રમાણમાં થાઇરૉઇડ હૉર્મોન બનાવવા લાગે ત્યારે વ્યક્તિને હાઇપરથાઇરૉઇડિઝમ થાય છે. આ સ્થિતિને ઓવરઍક્ટિવ થાઇરૉઇડ (એટલે કે વધારે પ્રમાણમાં સક્રિય થાઇરૉઇડ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તકલીફમાં શરીરની પ્રક્રિયા ખૂબ ઝડપી બની જાય છે જેનાથી હૃદયના ધબકારા વધવા, ચિંતા થવી અને વજન ઘટવા જેવી સમસ્યાઓ થાય છે. એનાથી ઊંધું હાઇપોથાઇરૉઇડિઝમ ત્યારે થાય છે જ્યારે થાઇરૉઇડ ગ્રંથિ પૂરતા પ્રમાણમાં થાઇરૉઇડ હૉર્મોન નથી બનાવતી. આ સ્થિતિને ‘અન્ડરઍક્ટિવ થાઇરૉઇડ’ કે નિષ્ક્રિય થાઇરૉઇડ પણ કહેવામાં આવે છે. આ અવસ્થામાં શરીરની ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે જેનાથી થાક લાગે છે અને વજન વધે છે. આ બન્ને પ્રૉબ્લેમનું સમયસર નિદાન અનિવાર્ય છે જેને લીધે એની સાથે આવતી તકલીફોથી દૂર રહી શકાય.

સાથે આવતી બીજી તકલીફો

થાઇરૉઇડની સમસ્યાઓ અને મેટાબૉલિક સિન્ડ્રૉમ જેને સરળ ભાષામાં ચયાપચય સંબંધિત સમસ્યાઓ સમજી શકાય એ બન્ને વચ્ચે એક જટિલ સંબંધ છે. એ વિશે વિસ્તારથી જણાવતાં લીલાવતી હૉસ્પિટલ અને બૉમ્બે હૉસ્પિટલના થાઇરૉઇડ અને એન્ડોક્રાઇન સર્જ્યન ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, ‘થાઇરૉઇડ હૉર્મોન્સ તમારા શરીરના મેટાબૉલિક રેટ એટલે કે ચયાપચયની ગતિ નક્કી કરે છે. હાઇપોથાઇરોઇડિઝમ મેટાબોલિઝમને ધીમું કરે છે જેને કારણે વજન વધે છે અને કૉલેસ્ટરોલનું લેવલ ઊંચું જાય છે, જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ એને ઝડપી બનાવે છે. એને લીધે વારંવાર વજન ઘટે છે. આ બન્ને સ્થિતિઓ ગ્લુકોઝ અને લિપિડ એટલે કે ચરબીના પ્રોસેસિંગને સીધી રીતે નુકસાન પહોંચાડે છે.’

એને વિગતવાર સમજાવતાં ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, ‘જ્યારે થાઇરૉઇડ ઓછું સક્રિય હોય એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ ત્યારે મેટાબૉલિક સિન્ડ્રૉમ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. એમાં વજન વધવું એક મોટી તકલીફ ગણી શકાય. ધીમું મેટાબોલિઝમ દૈનિક કૅલરી બર્ન કરવાની ક્ષમતા ઘટાડે છે, જેનાથી વજન નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે અને પેટની ચરબી ખાસ જેને આપણે વિસેરલ ફૅટ કહીએ છીએ એ વધે છે. આ ઉપરાંત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી તકલીફ ઊભી થઈ શકે છે. હાઇપોથાઇરોઇડિઝમ ગ્લુકોઝ મેટાબોલિઝમમાં ફેરફાર કરે છે જે ઘણી વાર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરે છે અથવા એને વધુ બગાડે છે. હાઇપોથાઇરૉઇડની તકલીફ ધરાવતી વ્યક્તિને કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ પણ આવી શકે છે. થાઇરૉઇડ હૉર્મોનનું સ્તર ઘટવાથી ખરાબ કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વધે છે. બીજી તરફ થાઇરૉઇડ વધુપડતું સક્રિય હોય એટલે કે હાઇપરથાઇરૉઇડ હોય તો એ વજન ઘટાડવા છતાં પણ મેટાબૉલિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે એમાં બ્લડ-શુગરમાં અચાનક વધારો નોંધાઈ શકે છે. હાઇપરથાઇરોઇડિઝમ કાર્બોહાઇડ્રેટ્સના બ્રેકડાઉન અને શોષણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જે બ્લડ-શુગરમાં અચાનક વધારો લાવી શકે છે અને ડાયાબિટીઝની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.’

હાર્ટ પર અસર

થાઇરૉઇડ અને હૃદય વચ્ચે સીધો અને ખૂબ જ નજીકનો સંબંધ છે. થાઇરૉઇડ ગ્રંથિમાંથી નીકળતાં હૉર્મોન્સ હૃદયના ધબકારાની ગતિ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલના સ્તરને સીધી રીતે નિયંત્રિત કરે છે. તેથી જ્યારે થાઇરૉઇડ હૉર્મોનનું સંતુલન બગડે છે ત્યારે હૃદયની કાર્યક્ષમતા પર એની ગંભીર અસર પડે છે. થાઇરૉઇડની બન્ને પ્રકારની તકલીફો હૃદયને અલગ-અલગ રીતે નુકસાન પહોંચાડે છે.

આ બાબતે ગ્લેનીગલ હૉસ્પિટલનાં એન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. સ્નેહા કોઠારી કહે છે, `હાઇપોથાઇરૉઇડ હોય એટલે કે જ્યારે શરીરમાં થાઇરૉઇડ હૉર્મોનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે શરીરની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે. હૃદયના ધબકારા સામાન્ય કરતાં ઓછા (મિનિટના ૬૦થી ઓછા) થઈ જાય છે જેને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે. હૉર્મોનની અછતને લીધે લોહીની ધમનીઓ કડક બને છે, પરિણામે બ્લડ-પ્રેશર વધે છે. થાઇરૉઇડ ઓછું થવાથી લિવર કૉલેસ્ટરોલને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકતું નથી. આનાથી લોહીમાં બૅડ કૉલેસ્ટરોલ વધે છે જે હૃદયની નળીઓમાં બ્લૉકેજ અને હાર્ટ-અટૅકનું જોખમ વધારે છે. લાંબા ગાળે હૃદયના સ્નાયુઓ નબળા પડે છે અને એ પૂરી ક્ષમતાથી લોહી પમ્પ કરી શકતું નથી.’

હાઇપરથાઇરોઇડિઝમમાં જ્યારે થાઇરૉઇડ હૉર્મોનનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય છે ત્યારે હૃદય પર અતિશય દબાણ આવે છે એમ સમજાવતાં ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘એને લીધે આરામ કરતી વખતે પણ હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે (મિનિટના ૧૦૦થી વધુ) અને છાતીમાં ધ્રુજારી અનુભવાય છે. હૃદયની વિદ્યુત-પ્રણાલી બગડે છે જેને તબીબી ભાષામાં ઍટ્રિયલ ફિબ્રિલેશન કહે છે. આનાથી સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. હૃદય ખૂબ ઝડપથી કામ કરતું હોવાથી એને વધુ ઑક્સિજનની જરૂર પડે છે. જો હૃદયની નળીઓ સાંકડી હોય તો છાતીમાં સખત દુખાવો ઊપડી શકે છે. આ ઉપરાંત બ્લડ-પ્રેશર ઝડપથી વધારે છે.’

થાઇરૉઇડ અને ઇનફર્ટિલિટી

કોઈ પણ વ્યક્તિ ઇનફર્ટિલિટીની તકલીફ લઈને આવે ત્યારે એની પહેલી ટેસ્ટ જે ડૉક્ટરો કરાવે છે એ હોય છે થાઇરૉઇડ ટેસ્ટ. એ વિશે વિસ્તારમાં વાત કરતાં ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, ‘પુરુષ અને સ્ત્રી બન્નેને એ અસર કરે છે. એનાથી સેક્સની ઇચ્છા ઘટી શકે છે. થાઇરૉઇડની તકલીફ આવે એટલે પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય છે. સ્ત્રીઓમાં અન્ડરઍક્ટિવ થાઇરૉઇડને કારણે ઓવ્યુલેશન થવામાં તકલીફ અને અનિયમિત અથવા ભારે માસિક સ્રાવ થઈ શકે છે. બીજી તરફ ઓવરઍક્ટિવ ગ્રંથિ હૉર્મોનલ અસંતુલન પેદા કરે છે જે માસિક સ્રાવને ઓછો અને અનિયમિત બનાવી શકે છે તેમ જ તમારા ગર્ભાશયના મુખમાં અમુક એવા ફેરફાર કરી શકે છે જે શુક્રાણુઓ માટે ઓછા અનુકૂળ બને છે. થાઇરૉઇડનું અસંતુલન તમારાં ઈંડાંની ગુણવત્તાને ઘટાડી શકે છે અને તમારા ગર્ભાશયની લાઇનિંગમાં નકારાત્મક ફેરફાર કરી શકે છે. સારવાર ન કરાયેલા થાઇરૉઇડના દરદીઓમાં કસુવાવડ કે પ્રી-ટર્મ બર્થ જેવી તકલીફો પણ જોવા મળે છે.’

દવા જીવનભર લેવાની?

થાઇરૉઇડની તકલીફ હોય તો એની દવા બે પ્રકારની હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, ‘એક, જે એકદમ જ કન્ટ્રોલ બહાર થાઇરૉઇડ થઈ ગયો હોય તો થોડા સમય માટે લેવી પડતી દવા છે. બીજી થાઇરૉક્સિન કરીને જે દવા આવે છે એ જીવનભર લેવાની હોય છે. દવા જીવનભર લેવાની છે એ સાંભળીને લોકો દુખી થઈ જતા હોય છે, પરંતુ હકીકત એ છે કે આ એક વન્ડર ડ્રગ એટલે કે ચમત્કારિક દવા છે જેની કોઈ સાઇડ-ઇફેક્ટ છે નહીં. એ સિન્થેટિક છે એટલે કોઈ પણ પ્રકારની ઍલર્જી પણ આ દવાથી થતી નથી. એ વેજિટેરિયન અને જૈન-ફ્રેન્ડ્લી દવા છે. એનું પ્રમાણ તમારા ડૉક્ટર પાસે નક્કી કરાવો અને રેગ્યુલર ચેક-અપ કરાવતા રહો. આમ આ રોગને સરળતાથી હૅન્ડલ કરી શકાય છે. મહત્ત્વનું એ છે કે જો દવા નહીં લો તો બીજી તકલીફો શરૂ થઈ જશે. એનાથી બચવા માટે દરરોજ દવા લેવી જરૂરી છે.’

થાઇરૉઇડ હોય ત્યારે આ સમજવું જરૂરી 

• થાઇરૉઇડથી જે વજન વધે કે ઘટે એ ત્રણથી પાંચ કિલો જેટલું જ હોય છે. એનાથી વધુ કે ઓછું નહીં. એટલે જો તમારું વજન વધારે હોય તો તમને હાઇપોથાઇરૉઇડ હોઈ શકે છે અને એનો ઇલાજ કરવાથી એ ઘટે છે. સ્ત્રીઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે. ઇલાજ નહીં કરો તો વજન ઘટશે નહીં. જો તમારું વજન ૨૦ કિલોની વધારે છે તો એ વધુ વજન પાછળ ફક્ત થાઇરૉઇડ નહીં, બીજાં કારણો પણ જવાબદાર છે એ યાદ રાખજો. એવું જ હાઇપરથાઇરૉઇડ માટે સમજવું. 
• થાઇરૉઇડની તકલીફ હોય તો શુગર-કન્ટ્રોલમાં પ્રૉબ્લેમ આવી શકે છે. થાઇરૉઇડ અને ડાયાબિટીઝ બન્ને રોગ એકબીજાને કારણે જ થાય એવું નથી, પણ જો બન્ને રોગ એકસાથે હોય તો થાઇરૉઇડનો ઇલાજ જરૂરી છે, નહીંતર શુગર-કન્ટ્રોલમાં પ્રૉબ્લેમ ઊભા થઈ શકે છે. 
• થાઇરૉઇડનો સંબંધ માનસિક રોગ સાથે પણ છે. એને કારણે મગજ પર અસર થઈ શકે છે. મૂડસ્વિંગ, ઍન્ગ્ઝાયટી અને આપઘાત કરવાની પ્રકૃતિ આ દરદીઓમાં જોવા મળે છે. 
• આ સિવાય આ દરદીઓમાં પાચન સંબંધિત તકલીફો જેમ કે અપચો, કબજિયાત કે ઝાડા જોવા મળી શકે છે. તેમના સ્નાયુઓ નબળા પડી જાય છે એટલે સતત નબળાઈ લાગે છે. 

health tips healthy living life and style lifestyle news columnists Jigisha Jain