ફિટ રહેવા માટે કોને આપશો વધુ માર્ક? યોગ, વૉકિંગ કે પછી જિમ જ બેસ્ટ છે?

16 March, 2026 02:32 PM IST  |  Mumbai | Ruchita Shah

સોશ્યલ મીડિયા પર ફિટનેસના નામે દર બીજી વ્યક્તિ પાસે પોતાનો ફંડા છે ત્યારે કઈ ફિઝિકલ ઍક્ટિવિટી બેસ્ટ એનો નિર્ણય લેવામાં તમે પણ મૂંઝવણ અનુભવી રહ્યા હો તો એનો વ્યાવહારિક જવાબ જાણવા વાંચી લો આ લેખ

પ્રતિકાત્મક તસવીર

આજે આપણી પાસે બધું જ છે... બસ, સમય નથી. ૨૪ કલાકની ભાગદોડમાં જ્યારે હેલ્ધી રહેવા માટે લિમિટેડ ટાઇમ હોય ત્યારે મનમાં ઓછા સમયમાં શેનાથી સૌથી વધુ ફાયદો થશે એ પ્રશ્ન જાગવો સ્વાભાવિક છે. શું મારે યોગની શાંતિ પસંદ કરવી જોઈએ, જમ્પિંગ જૅક્સની તીવ્રતા કે જિમમાં જઈને સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ કે પછી રસ્તા પર એક કલાકની લાંબી લટાર? ઘણી વાર આપણે એવું માની લઈએ છીએ કે જે કસરતમાં વધુ પરસેવો વળે કે શ્વાસ ચડે એ જ શ્રેષ્ઠ છે પરંતુ હેલ્થ-એક્સપર્ટ્‍સ કહે છે કે વર્કઆઉટ માત્ર કૅલરી બાળવા માટે નથી પણ તમારા શરીરની સિસ્ટમને સુદૃઢ કરવા માટે પણ છે. આપણા શરીરનાં હૉર્મોન્સ, સેલ્યુલર-સંતુલિત ઍક્ટિવિટી અને માનસિક સ્વાસ્થ્ય વગેરે બધું જ હેલ્ધી રહેવા માટે જરૂરી છે. એક તરફ યોગ છે જે હજારો વર્ષ જૂનું વિજ્ઞાન છે અને શરીરને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે. બીજી તરફ જમ્પિંગ જૅક્સ જેવી હાઈ-ઇન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઇઝ છે જે આધુનિક યુગનાં ઝડપી પરિણામો અને ફૅટ-લૉસ માટે જાણીતી છે તો મસલ-બિલ્ડિંગ માટે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગની બોલબાલા વધી રહી છે તો સાથે એક વર્ગ ચાલવાને જ સર્વોપરી માને છે. આમાંથી આપણા માટે સૌથી શ્રેષ્ઠ શું? ફિટનેસની ફિલોસૉફીના આ મુદ્દા પર હોલિસ્ટિક હેલ્થ-ગુરુ મિકી મહેતા સાથે થયેલી વાતચીતના અંશો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.

સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ : શું ખરેખર મસલ્સ જ સર્વસ્વ છે?

આજે યુવાનોમાં મસ્ક્યુલર બૉડી બનાવવાનો ક્રેઝ છે, પરંતુ મિકી મહેતા એને દસમાંથી માત્ર પાંચ માર્ક આપે છે. તેમનું માનવું છે કે આપણે કોઈ પર્વતને ધક્કો મારવાનો નથી. સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ અત્યારે ઓવરરેટેડ બનાવી દેવામાં આવી છે. માત્ર ડોલે-શોલે બનાવવા માટેની મહેનતના ભાગરૂપે આપણે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ કરીએ છીએ પરંતુ એનાથી જીવનની ગુણવત્તાને લાભ થતો નથી. યસ, થોડીક માત્રામાં સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ મસ્ક્યુલર બૉડીને મજબૂતી આપવા માટે ઉપયોગી છે પરંતુ એનો અતિરેક સ્નાયુઓને લાભ આપવાને બદલે નુકસાન કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે હાર્વર્ડ હેલ્થના એક રિસર્ચ મુજબ વધુપડતું હેવીવેઇટ લિફ્ટિંગ ક્યારેક જૉઇન્ટ્સ અને હૃદય પર બિનજરૂરી દબાણ લાવી શકે છે જો એ યોગ્ય માર્ગદર્શન વગર કરવામાં આવે તો.

સ્ટૅમિના માટે કાર્ડિયો જરૂરી, પણ મર્યાદામાં

દોડવું, સાઇક્લિંગ કે જમ્પિંગ જૅક્સ જેવા કાર્ડિયોને મિકી મહેતા દસમાંથી ૬થી ૭ માર્ક આપે છે. હૃદયના ધબકારા વધારવા અને કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થ માટે એ જરૂરી છે પણ આપણે ઘોડાની જેમ સતત દોડવાની જરૂર નથી. અફકોર્સ, આ એક્સરસાઇઝ બોન-ડેન્સિટી એટલે કે હાડકાંની મજબૂતી વધારે છે. કૂદવાથી હાડકાં પર જે હળવું દબાણ આવે છે એ નવા બોન-સેલ્સ બનાવવામાં મદદ કરે છે. ૨૦ મિનિટ સતત જમ્પિંગ જૅક્સ કરવાથી આશરે ૧૫૦થી ૨૦૦ કૅલરી બળી શકે છે. આટલી જ કૅલરી બાળવા માટે તમારે ૪૫ મિનિટ ઝડપથી ચાલવું પડે. ચાલવું એ સૌથી કુદરતી કસરત છે પણ એમાં સાતત્ય જરૂરી છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે અથવા જેઓ હમણાં જ ફિટનેસ-જર્ની શરૂ કરી રહ્યા છે તેમના માટે ચાલવું સારું છે. અમેરિકન હાર્ટ અસોસિએશનના મતે દિવસમાં ૧ કલાક ચાલનારા લોકોમાં સ્ટ્રોકનું જોખમ ૪૦ ટકા ઓછું થઈ જાય છે. બગીચામાં ચાલવું એટલે કે ગ્રીન વૉકિંગ તમારી ક્રીએટિવિટીમાં ૬૦ ટકાનો વધારો કરી શકે છે. એ માત્ર કૅલરી નથી બાળતું પણ મગજના હિપ્પોકેમ્પસ ભાગને મોટો કરે છે જે યાદશક્તિ માટે જવાબદાર છે. બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્‍સ મેડિસિનના ડેટા અનુસાર અઠવાડિયામાં માત્ર ૧૫૦ મિનિટનું મધ્યમ કાર્ડિયો હૃદયરોગનું જોખમ ૨૩ ટકા ઘટાડી શકે છે. એટલે કે અતિશય દોડવા કરતાં સાતત્ય વધુ મહત્ત્વનું છે.

વાતને ટૂંકમાં સમજવી હોય તો

૩૦ મિનિટ યોગ : જો તમે માનસિક શાંતિ, આંતરિક અંગોની સફાઈ અને લવચીકતા ઇચ્છતા હો તો આ સૌથી બેસ્ટ રહેશે. 

૨૦ મિનિટ જમ્પિંગ જૅક્સ અથવા અન્ય કાર્ડિયો પ્રૅક્ટિસ : આ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ છે. જો તમારી પાસે સમય નથી અને વજન ઘટાડવું છે તો આ બેસ્ટ છે. 

૧ કલાક વૉક : જો તમે કુદરત સાથે જોડાઈને મેટાબોલિઝમ સુધારવા માગતા હો તો.

પિલાટેઝ અને યોગ

જ્યારે વાત પિલાટેઝની આવે છે ત્યારે એને મિકી મહેતા દસમાંથી ૯ માર્ક અને યોગને દસમાંથી ૧૦ માર્ક્સ આપે છે. બૉડીવેઇટ સાથે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ પણ થાય અને બૉડીની ફ્લેક્સિબિલિટી પણ વધે. શરીરનાં ફંક્શન્સને પણ બૂસ્ટ કરવાનું કામ પિલાટેઝ કરી શકે પરંતુ સ્પિરિચ્યુઅલ ફ્રન્ટ પર પિલાટેઝ પાછું પડે છે એટલે એક માર્ક ઓછો ગણ્યો છે. એ દૃષ્ટિએ યોગ સર્વશ્રેષ્ઠ છે. યોગ તમારાં માઇન્ડ, બૉડી અને સોલને એકાકાર કરે છે. એ તમારી સટલ એનર્જીને જાગૃત કરી તમને વિઝનરી અને ક્રીએટિવ બનાવે છે. એ ઑર્ગન્સનું ક્લેન્ઝિંગ, રિપેર અને રિજુવિનેશન કરે છે.

તમને ખબર છે?

ટેલોમેર્સ અને યોગ : કેટલાંક સર્વેક્ષણો કહે છે કે નિયમિત યોગ અને ધ્યાન કરવાથી આપણા કોષોમાં રહેલા ટેલોમેર્સની લંબાઈ જળવાઈ રહે છે જે સીધી રીતે લાંબા આયુષ્ય અને ઍન્ટિ-એજિંગ સાથે જોડાયેલી છે.

માઇટોકોન્ડ્રિયાનું રિપેરિંગ: જિમમાં મસલ્સ ફાટે છે જ્યારે યોગ કોષોના પાવરહાઉસ ગણાતા માઇટોકોન્ડ્રિયાને રિપેર કરવામાં મદદ કરે છે જેથી તમે થાકવાને બદલે તાજગી અનુભવો છો.

બ્રીધિંગના ફાયદા : યોગ કરનાર વ્યક્તિમાં ઓછી મહેનતે શરીર વધુ ઑક્સિજન વાપરી શકે છે જે સામાન્ય રીતે ઍથ્લીટ્સમાં જોવા મળે છે.

healthy living health insurance health tips social media columnists gujarati mid day lifestyle news life and style ruchita shah