જે રોગ કેમ પેદા થયો એ સમજાય નહીં એમાં યોગ-થેરપી બેસ્ટ

07 April, 2026 03:11 PM IST  |  Mumbai | Jayesh Chitalia

શરીરને સ્વસ્થ રાખનારી રોગપ્રતિકારક ક્ષમતા જ જ્યારે શરીર પર હુમલો કરે ત્યારે એને ઑટો ઇમ્યુન ડિસઑર્ડર કહેવાય છે. આ રોગો કે શારીરિક સમસ્યાઓ ક્યારેય મટતી જ નથી એવું આપણે સ્વીકારી લીધું છે. જોકે વર્ષો સુધી કાયમ રહેતી આ સમસ્યાઓનો ઇલાજ યોગ-થેરપી પાસે છે.

યોગ-થેરપી શીખવી રહેલાં રેણુ જૈન

આપણે ઘણી વાર આપણી આસપાસ જોતા હોઈએ છીએ કે અમુક લોકો વર્ષો સુધી કોઈ ને કોઈ રોગથી ગ્રસ્ત રહે છે, તેમની સારવાર પણ વર્ષોથી ચાલતી રહે છે; પરંતુ કાયમી ઉપાય થતો જ નથી. આવા રોગોની યાદી પણ સાવ નાની નથી. અમુક જ નામ જોઈએ તો ડાયાબિટીઝ ટાઇપ વન, હાઇપોથાઇરૉઇડ, સૉરાયસિસ, સ્કિન-ડિસીઝ, જૉઇન્ટની સમસ્યા, રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ, ‘પીકુ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને થયો હતો એ ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ, સાંધાઓમાં સ્વેલિંગ અને એવા અનેક રોગો છે જેમના કાયમી ઇલાજ આપણને ખબર નથી. આઘાત અને આશ્ચર્યની વાત એ છે કે ઘણી વાર દરદીને પણ ખબર નથી હોતી કે તે શા માટે એ ચોક્કસ દર્દ કે રોગથી પરેશાન છે? તે માત્ર ઉપાય તરીકે કંઈક ને કંઈક દવા લીધા કરે છે અથવા સારવાર કરાવ્યા કરે છે. આવા લાખો માણસો સહન કરતા હશે કે એનાથી પીડાતા હશે, પણ આ રોગ કે સમસ્યા તેમનો પીછો છોડતી નથી. તો ખરેખર આ રોગ હોય છે શું? આવે છે ક્યાંથી? કેમ એનો ઉપાય થતો જ નથી? 

આ રોગને મેડિકલ ભાષામાં ઑટો ઇમ્યુન ડિસઑર્ડર કહે છે. એમાં શરીરની જ રોગપ્રતિકારક ક્ષમતામાં કંઈક કેમિકલ લોચો થાય છે અને એ જ શરીરના ચોક્કસ ભાગ પર હુમલો કરે છે. કેમ હુમલો કરે છે? તો એનો જવાબ મેડિકલ વિજ્ઞાન પાસે નથી. જેનો ઇલાજ યોગ-થેરપી પાસે હોવાનો દાવો કરવામાં આવે છે એ આવા રોગીઓને નોંધપાત્ર રાહત આપી શકે છે, પરંતુ આ ઇલાજ માટે લોકોની તૈયારી હોતી નથી અથવા જાગૃતિ કે સમજ અથવા શ્રદ્ધા હોતી નથી. યોગ-થેરપિસ્ટ અને લાઇફસ્ટાઇલ કોચ રેણુ જૈન આ ઉપાય વર્ષોથી કરી રહ્યાં છે. તેઓ પોતે પણ એક સમયે આવા જ એક રોગ રૂમૅટિક આર્થ્રાઇટિસનો ભોગ બન્યાં હતાં, જેમાં હાથની આંગળીઓ જકડાઈ જતી અને તેઓ પોતાના ઘરનાં ચોક્કસ કામ જેમ કે રોટલી બનાવવી વગેરે કરી શકતાં નહોતાં. તેમને આનો ઉપાય મળતો નહોતો, જેને લીધે તેમના રોજબરોજના જીવન પર ગંભીર અસર થતી હતી. એક વાર તેમણે પ્રાણાયામના એક તાલીમ-કાર્યક્રમમાં સહાયક તરીકે ભાગ લેવાનું થયું. આ દરમ્યાન રેણુ જૈનને યોગ-થેરપીમાંથી માર્ગ મળ્યો અને તેમણે પોતાની સમસ્યાનો ઉપાય તો કર્યો જ અને એ પછી યોગ-થેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ શરૂ કરીને આવા દરદીઓના ઇલાજમાં નોંધનીય સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં તેમણે વિશ્વભરમાંથી ૨૦૦થી વધુ દરદીઓને આ થેરપીથી રાહત પહોંચાડી છે અને અમુક કિસ્સાઓમાં તો રોગમાંથી મુક્તિ અપાવી છે.

યોગમાં વિશ્વાસ નહોતો અને અચાનક...

યોગશાસ્ત્રમાં માસ્ટર રેણુ જૈન એક સમયે કૉર્પોરેટ સેક્ટરમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતાં હતાં. તેમણે અર્ક યોગ મેટ્સ પોતે શોધી અને બનાવી છે. તેઓ યોગ સેક્શનલ કમિટી ઑફ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનાં સભ્ય પણ છે. તેઓ પૅશનેટ ફોટોગ્રાફર અને બૅડ્મિન્ટન ખેલાડી પણ છે. મુંબઈમાં ગોરેગામમાં રહેતાં રેણુ જૈનનાં ઑટો ઇમ્યુન ડિસઑર્ડરના વિષયમાં લેક્ચર્સ પણ યોજાતાં રહે છે. રેણુ જૈન પોતાના જીવનના અનુભવની વાત માંડતાં કહે છે, ‘પચીસ વર્ષ અગાઉ હું એવું માનતી હતી કે જેઓ ફિઝિકલ પ્રવૃત્તિ કરી શકતા નથી તેમના માટે યોગ છે. હું તો બૅડ્‌મિન્ટન ખૂબ રમતી. મારી કસરત એમાં જ થઈ જતી અને હું ફિટ પણ રહેતી તો પછી મારે યોગ કરવાની શું જરૂર? જોકે જીવનમાં ૨૦૧૩માં અચાનક આંચકો આવ્યો. મારા શરીરે મને ગંભીર સંકેતો આપવાનું શરૂ કર્યું. મારા વાળ ભરપૂર માત્રામાં ખરવા માંડ્યા અને મારા માથા પર સ્પૉટ દેખાવાના શરૂ થયા. મારું નિદાન થયું કે ઍલપીશીઆ છે જે એક ઑટો ઇમ્યુન કન્ડિશન છે. એમાં મારી ઇમ્યુન-સિસ્ટમે મારા વાળ પર હુમલો કર્યો હતો. મારો દેખાવ જોઈને મને આઘાત લાગતો. લોકોના સવાલોની મારા પર અસર થવા લાગી. ડૉક્ટર પાસે મર્યાદિત ઉપાય હતા. આ સમયમાં મારી એક સહેલીએ પૂરા વિશ્વાસથી મને યોગનો ઉપાય સૂચવ્યો. તેણે એ જ સમયે યોગ-ટીચરની તાલીમ પૂરી કરી હતી. હું ડેસ્પરેટ હોવાથી કંઈ પણ કરવા ઉત્સુક હતી. મારી સહેલીએ મારા ઘરે આવીને મને યોગ શીખવવાનું આરંભી દીધું. મને પહેલી વાર સમજાવા લાગ્યું કે મારું શરીર ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમનો ભાગ છે. મને મારી સમસ્યાનું સારું પરિણામ મળવા લાગ્યું અને આમ મારી યોગ તરફની યાત્રા શરૂ થઈ જેણે એક નવા વિશ્વાસ અને નવી શ્રદ્ધાનું મારામાં સર્જન કર્યું. મારી યોગ માટેની તરસ તીવ્ર બની અને ૨૦૧૫માં મેં યોગનો ૪૫ દિવસનો સર્ટિફિકેશન કોર્સ કર્યો. ૨૦૧૮માં મારા શરીરમાં નવી સમસ્યા આવી. એનો પણ યોગ-થેરપીથી ઉપાય કર્યો. ૨૦૨૦માં મેં યોગમાં માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું અને ૨૦૨૧માં મેં ઑટો ઇમ્યુનની વર્કશૉપ લેવાનું શરૂ કર્યું. આજ સુધીમાં મેં સંખ્યાંબધ વર્કશૉપ યોજી અને હવે યોગમાં PhD પ્લાન કરું છું. માઇન્ડ અને બૉડી વચ્ચે ગજબનું કનેક્શન છે જેને સમજવું જ રહ્યું. આપણા વિચારો, સ્ટ્રેસ, ટ્રૉમા, ટેન્શન, ઇમોશન્સની આપણા શરીર પર અસર થાય જ છે.’

ઘણી વાર લોકો પોતાના રોગને સમજતા નથી

મોટા ભાગના ડૉક્ટરો પણ આવા રોગોનાં
રૂટ-કૉઝ એટલે કે મૂળ કારણો સમજી શકતા નથી અથવા સ્વીકારી શકતા નથી એમ જણાવીને રેણુ જૈન કહે છે, ‘તેઓ દરદીઓને માત્ર દવા આપીને તેમના દર્દને હળવું કરવાનો પ્રયાસ કરે છે, ઉપાય કરી શકતા નથી કારણ કે આ ઑટો ઇમ્યુન ડિસઑર્ડર માઇન્ડ અને બૉડી એટલે કે મન અને શરીર વચ્ચેનો સંઘર્ષ છે જેનાં અનેકવિધ કારણો હોઈ શકે છે. જોકે એ કારણો સમજાતાં નથી. આના સંકેતો હોય છે, પણ લોકો એને ટેમ્પરરી સમસ્યા ગણીને ખેંચતા રહે છે યા એની ઉપેક્ષા કરે છે જેમાં આ રોગ લાંબા સમય માટે ઘર કરી જાય છે અને પછી જતો જ નથી. આ ડિસઑર્ડરનાં કારણોમાં પર્યાવરણ, પરિવારનું વાતાવરણ, સંબંધોના વિવાદો-ઘર્ષણો, લાઇફસ્ટાઇલ, સ્લીપલેસનેસ એટલે કે ઊંઘ ન આવવી, શરીરના કોઈ ભાગમાં સોજા ચડી જવા, એ વારંવાર રિપીટ થયા કરવા વગેરે છે.’

કોઈ પણ માંદગી અમસ્તી નથી આવતી

આ રોગમાં થાય છે શું? એવા સવાલના જવાબમાં રેણુ જૈન કહે છે, ‘આ રોગ આકાર પામે છે ત્યારે એ શરીરના તંદુરસ્ત સેલ્સને નુકસાન પહોંચાડે છે, એના પર આક્રમણ કરે છે. આની સમજ ડૉક્ટરોને કે દરદીને પણ જલદી આવતી નથી. કોઈ પણ બીમારી અમસ્તી નથી આવતી. એ એનાં લક્ષણો બતાવે છે, પરંતુ લોકો એને ઓળખી શકતા નથી. ઘણી વાર શરીરના હાથ-પગમાં કે ક્યાંક સોજા થઈ જાય ત્યારે કે પછી ડાઇજેશન સિસ્ટમ બગડી જાય ત્યારે એમ થાય કે આ તો કામચલાઉ છે, મટી જશે. થોડી વાર પછી મટી જાય એટલે આપણને સંતોષ થાય, પણ આ જ સમસ્યા પાછી આવી જાય છે અને માણસો પાછો એ જ રીતે ઇલાજ કરે-કરાવે છે. ઇરિટેબલ બૉવેલ, સ્પાઇન સમસ્યા વગેરે પણ આમાં સામેલ હોય છે. બાય ધ વે, ૯૫ ટકા માંદગી યા શરીર સંબંધી સમસ્યા સાઇકોસોમેટિક હોય છે મતલબ કે લક્ષણો શરીરમાં દેખાતાં હોય, પણ એનાં મૂળ કારણો મનના સ્તરે હોય છે. ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન આ રોગના પ્રથમ પગલા સમાન ગણાય.’

શરીર પોતાના પર જ હુમલો કરે છે

ઑટો ઇમ્યુન ડિસઑર્ડર એટલે જાત સાથેનું યુદ્ધ, જેમાં શરીર પોતાના પર જ હુમલો કરે છે. યોગ આમાં શારીરિક, માનસિક અને ઇમોશનલ લેવલ પર મદદ કરે છે. લાઇફસ્ટાઇલમાં બદલાવ સાથે યોગ્ય અને નિયમિત યોગ-પ્રક્રિયા, ડાયટ તેમ જ મેન્ટલ અને ઇમોશનલ સ્તરે જાળવણી થાય તો સકારાત્મક સુધારો થઈ શકે છે. રેણુ જૈન કહે છે, ‘યોગ મારફત થતા આના ઇલાજનાં પરિણામોમાં વ્યક્તિના એનર્જી-લેવલમાં સુધારો થાય છે, મસલ્સની શક્તિ વધે છે, જૉઇન્ટ્સની મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી બહેતર બને છે, સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ઘટે છે, ફોકસ વધે છે, ચિત્ત શાંત રહે છે, હેલ્થની ગુણવત્તા સુધરે છે અને જીવન પ્રત્યેનો અભિગમ પૉઝિટિવ બને છે.’

ઉપાય શું છે?

યોગ-થેરપીમાં આનો ઉપાય કઈ રીતે થાય છે? આ સવાલના જવાબમાં રેણુ જૈન કહે છે, ‘એ સમજવાની જરૂર કરતાં એના પર વિશ્વાસ રાખવાની અને એમાં ધીરજ રાખવાની જરૂર વધુ હોય છે. આમાં દરદીએ સરેન્ડર થવું આવશ્યક બને છે. અર્થાત્ દરદીએ યોગ-થેરપિસ્ટ દ્વારા કરવામાં આવતા કાઉન્સેલિંગમાં વ્યવસ્થિત જવાબો આપવા પડે છે અને પોતાની સમસ્યાને વિગતવાર કહેવી પડે છે, કારણ કે યોગ-થેરપીમાં આ જ પાયાની બાબત છે. જરૂર જણાય એ કિસ્સામાં આયુર્વેદ અને નૅચરોપથીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પ્રાણાયામ પણ આમાં બહુ કામ લાગે છે.’

yoga healthy living health funda life and style lifestyle news columnists jayesh chitalia