26 November, 2026 11:09 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
આપણા જીવનમાં ઘણી વાર એવી ક્ષણો આવે છે જ્યારે બધું બરાબર હોવા છતાં અંદરથી એક અજીબ ખાલીપો કે બેચેની અનુભવાય છે. આપણે તરત જ એ ઉદાસીનું કારણ શોધવા લાગીએ છીએ અથવા કોઈ પ્રવૃત્તિમાં મન પરોવીને તાત્કાલિક ખુશ થવાના રસ્તા ગોતવા માંડીએ છીએ, પરંતુ દરેક લાગણીનો તરત જવાબ મળવો કે એનો ઉકેલ લાવવો જરૂરી નથી. ક્યારેક કોઈ પણ જાતના પ્રયત્ન વગર, બસ એ ખાલીપાને અનુભવવાનું અને એનો સ્વીકાર કરવાનું પણ પૂરતું છે
હજુ થોડા સમય પહેલાં જ હૉલિસ્ટિક
લાઇફ-કોચ અને ઑન્ટ્રપ્રનર લ્યુક કુટિન્યોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે પોતાના મનની ઉદાસી વિશેનો અનુભવ સવિસ્તર વર્ણવીને લખ્યું હતું કે ‘ગઈ કાલે મને એક અજીબ બેચેની અનુભવાતી હતી. હું સમજી શકતો નહોતો કે આવું કેમ થઈ રહ્યું છે. એવું કંઈ જ ખોટું થયું નહોતું. બધું જ બરાબર હતું. એમ છતાં મનમાં કંઈક અજંપો હતો. એ કોઈ ઉદાસી નહોતી. એ ગુસ્સો પણ નહોતો. બસ એ એક અજીબ લાગણી હતી, જેને નામ આપી શકાય એમ નહોતું. આ જ વાત મને મૂંઝવી રહી હતી, કારણ કે જીવનમાં બધું જ સારું હતું. ભગવાનનો આભાર માનવા માટે મારી પાસે ઘણું બધું હતું. તો પછી અંદરથી ક્યાંક કંઈક અધૂરું કેમ લાગતું હતું? એટલે મેં મન ભટકાવવાનો રસ્તો શોધ્યો. મેં મારો ફોન હાથમાં લીધો. થોડું સ્ક્રૉલ કરીને જાતને વ્યસ્ત રાખી. ભીતરના એ અજપામાંથી બચવા માટે મારે કંઈ પણ કરવું હતું, પણ એ લાગણી ગઈ નહીં. જેટલો હું એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતો, એટલું જ વધુ સમજાતું કે એ તો હજી ત્યાં જ છે. એ પછી મેં મારી જાતને એક સવાલ પૂછ્યો. શું એવું બની શકે કે કશું જ સુધારવાની જરૂર ન હોય? શું એવું બની શકે કે હું જે કંઈ અનુભવું છું એ દરેક લાગણીનો જવાબ મારી પાસે હોવો જરૂરી ન હોય? એટલે એક વાર પૂરતું મેં કશું જ ન કર્યું. જવાબો શોધવાનું બંધ કરી દીધું. મનને ભટકાવવાનું પણ છોડી દીધું. બસ એ લાગણીને સ્વીકારીને એની સાથે શાંતિથી બેસી રહ્યો. અને ધીમે-ધીમે મને સમજાયું. મનને અકળાવતી દરેક લાગણીનો અર્થ એ નથી કે તમારા જીવનમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે. કદાચ કોઈક દિવસ એવા હોય છે જ્યારે આપણું મન બેચેન રહે છે. કોઈક દિવસ એવા હોય છે જ્યારે અંદર કંઈક અધૂરું લાગે છે. અને આવું ફીલ થવું બિલકુલ સ્વાભાવિક છે. એમાં કંઈ ખોટું નથી. એ પછી મનમાં ક્યાંક થોડી હળવાશ અનુભવાઈ. એટલા માટે નહીં કે મને કોઈ જવાબ મળી ગયો હતો, પરંતુ એટલા માટે કે મેં જવાબ શોધવાની જીદ છોડી દીધી હતી. બસ, એ જ ક્ષણે મને શાંતિનો અનુભવ થયો. મારે ક્યાંક બહાર જવાની જરૂર નહોતી. કોઈના સહારાની કે કોઈ મને ઉગારે એની જરૂર નહોતી. મારે બસ પોતાની જાત પાસે પાછા ફરવાની જરૂર હતી.’
મિડલ એજમાંથી પસાર થતા ઘણા લોકોને લ્યુક કુટિન્યોએ જેવી ફીલિંગ અવારનવાર થતી હોઈ શકે છે. જોકે દરેક ઉદાસી પાછળ કારણ શોધવાની જરૂર નથી. ક્યારેક લાગણીઓની ઓટને પણ શાંતિથી નિરપેક્ષ ભાવે જોવાની જરૂર હોય છે.
કારણ વિનાની ઉદાસી
ક્યારેક આપણને કોઈ ચોક્કસ કારણ વગર ખાલીપો, બેચેની કે ઉદાસી અનુભવાય એવું શક્ય છે? જો એવું શક્ય હોય તો આવું કેમ થાય છે? શું દરેક લાગણી પાછળ કોઈ કારણ હોવું જરૂરી છે? એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ નિધિ શાહ કહે છે ‘આપણે ઘણી વાર એવું માનીએ છીએ કે જો આપણને કંઈક અનુભવાઈ રહ્યું છે તો એની પાછળ કોઈ નક્કર કારણ હોવું જ જોઈએ, પરંતુ માણસની લાગણીઓ હંમેશાં આટલી સીધી અને સરળ હોતી નથી. ક્યારેક જેને આપણે ઉદાસી કહીએ છીએ એ હકીકતમાં ભેગો થયેલો થાક હોય છે. ક્યારેક સતત દોડધામ કરતા રહેવાથી બેચેની અનુભવાય છે. અને ક્યારેક આપણું મન એવા અનુભવોને પચાવવાની કોશિશ કરી રહ્યું હોય છે જેના પર આપણે હજુ સુધી પૂરતું ધ્યાન આપ્યું નથી. આપણી લાગણીઓ પર ઘણી બાબતોની અસર થાય છે; જેમ કે ઊંઘ, તનાવ, જૂની યાદો, આપણી શારીરિક સ્થિતિ અને એવા અનુભવો પણ જેને આપણે તરત શબ્દોમાં વર્ણવી શકતા નથી. કોઈ પણ લાગણીને સ્વીકારવા માટે એની પાછળ કોઈ કારણ કે ખુલાસો હોવો જરૂરી નથી. દરેક લાગણી કોઈ એવી સમસ્યા નથી જેનો ઉકેલ લાવવો જ પડે. ક્યારેક એ માત્ર એક એવો અનુભવ હોય છે જેને બસ અનુભવવાની જરૂર હોય છે.’
લાગણીઓનું પોસ્ટમૉર્ટમ કરવાનું ટાળો
દરેક વખતે મનમાં કોઈ લાગણી જન્મે ત્યારે એનું વિશ્ળેષણ કરવા બેસી જવાની આદત સારી નથી, કારણ કે એ વ્યક્તિને વધુ બેચેન બનાવી દે છે. આ વિશે વાત કરતાં નિધિ શાહ કહે છે, ‘સેલ્ફ-અવેરનેસ હોવી સારી બાબત છે, પરંતુ સતત પોતાની જાતનું વિશ્ળેષણ કરતાં રહેવું એ ભાવનાત્મક રીતે થકવી નાખનારું બની શકે છે. આત્મચિંતન અને વધુ પડતું વિચારવું આ બન્ને વચ્ચે તફાવત છે. ચિંતન આપણને આપણી જાતને સમજવામાં મદદ કરે છે, જ્યારે વધુપડતું વિચારવાની આદત આપણને કોઈ સ્પષ્ટતા તરફ લઈ જવાને બદલે એક જ પ્રશ્નની આસપાસ ગોળ-ગોળ ફેરવતી રહે છે. કલ્પના કરો કે કોઈ બપોરે તમને ઉદાસ લાગી રહ્યું છે. એ લાગણીને સહજતાથી સ્વીકારવાને બદલે આપણે પોતાની જાતને સવાલો
પૂછવાનું શરૂ કરી દઈએ કે હું કેમ ઉદાસ છું? શું ખોટું થયું છે? શું હું મારા જીવનથી નાખુશ છું? થોડી જ વારમાં આપણે માત્ર ઉદાસી અનુભવતા નથી હોતા, પરંતુ આપણને ઉદાસ હોવાની ઍન્ગ્ઝાઇટી થવા લાગે છે. ક્યારેક સંઘર્ષ એ લાગણી સાથે નથી હોતો, પરંતુ એ લાગણીને જેમ છે એમ રહેવા દેવાની આપણી અસમર્થતા સાથે હોય છે. આપણે એ યાદ રાખવાની જરૂર છે કે પોતાની જાતને સમજવી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આપણે દરેક લાગણી પાછળના કારણ કે રહસ્યને સમજવા ઊલટતપાસ કરવાની જરૂર નથી.’
પોતાની જાતથી ભાગવાનું બંધ કરો
જ્યારે પણ આપણને ખાલીપો અનુભવાય છે ત્યારે આપણે તરત જ આપણા ફોન, લોકો કે અન્ય પ્રવૃત્તિઓનો સહારો કેમ લઈએ છીએ? શા માટે મન અસ્વસ્થતાથી દૂર ભાગતું કરે છે? આ વિશે સમજાવતાં નિધિ શાહ કહે છે, ‘સાઇકોલૉજીમાં આને ક્યારેક એક્સ્પિરિયન્શ્યલ અવૉઇડન્સ કહેવામાં આવે છે, જ્યાં આપણે આપણી અંદરના અસ્વસ્થ અનુભવોથી ભાગવાનો પ્રયાસ કરીએ છીએ. ફોનમાં સ્ક્રૉલિંગ કરવું, ખરીદી કરવી, લોકોને મળવું કે નવા પ્લાન બનાવવા આ બધું આપણને તાત્કાલિક રાહત અથવા ધ્યાન ભટકાવવાનો રસ્તો પૂરો પાડે છે. આપણું મગજ આ પ્રવૃત્તિઓને ક્ષણિક આરામ સાથે જોડતાં શીખી જાય છે, જેના કારણે આપણે એને વારંવાર કરવા પ્રેરાઈએ છીએ. આરામ શોધવામાં કંઈ ખોટું નથી. ચિંતા ત્યારે શરૂ થાય છે જ્યારે ધ્યાન ભટકાવવું એ જ આપણી પરિસ્થિતિનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો બની જાય. આપણે અસ્વસ્થતાથી આપણું ધ્યાન ભટકાવવામાં ખૂબ જ કુશળ બની ગયા છીએ, પરંતુ કદાચ એ અસ્વસ્થતાની વચ્ચે આપણી જાત સાથે શાંતિથી બેસવામાં ઓછા સહજ છીએ. અહીં ધ્યેય ખુશીઓ શોધવાનું બંધ કરવાનું નથી, પરંતુ ધ્યેય એ ક્ષમતા વિકસાવવાનું છે કે જેનાથી આપણે હંમેશાં ભાગવાની જરૂર વિના પણ અસ્વસ્થતાનો સામનો કરી શકીએ.’
લાગણીઓ સામે લડવાનું છોડો
દર વખતે બેચેની થાય ત્યારે મન ભટકાવવાની જરૂર નથી, ફક્ત એ વર્તમાન ક્ષણમાં રહેવાથી પણ ઘણું બધુ ઠીક થઈ જતું હોય છે. એ સાચું છે, પણ એનો અમલ કરવો અઘરો હોય છે. આ વિશે વાત કરતાં નિધિ શાહ કહે છે, ‘સાઇકોથેરપીમાં, ખાસ કરીને માઇન્ડફુલનેસ અને અૅક્સેપ્ટેન્સ-બેઝ્ડ અપ્રૉચિસમાં આપણે આપણા આંતરિક અનુભવોને તરત જ કોઈ અભિપ્રાય બાંધ્યા વગર કે એને બદલવાની કોશિશ કર્યા વગર જોવાની ક્ષમતા કેળવીએ છીએ. ઉદાહરણ તરીકે જો ઉદાસી અનુભવાય તો ‘મારે આવું ન અનુભવવું જોઈએ’ એમ કહેવાને બદલે આપણે હળવેથી સ્વીકારી શકીએ કે ‘મને અત્યારે ઉદાસી અનુભવાઈ રહી છે.’ આ બન્ને વાક્યો વચ્ચેનો તફાવત જુઓ. પહેલું વાક્ય મનમાં વિરોધ ઊભો કરે છે, જ્યારે બીજું વાક્ય મનમાં મોકળાશ ઊભી કરે છે. સ્વીકાર કરવાનો અર્થ એ નથી કે તમને એ લાગણી ગમે છે, તમે દરેક વિચાર સાથે સહમત છો, કે પછી તમે બદલાવ લાવવાની આશા છોડી દીધી છે. એનો અર્થ એ છે કે કેવી રીતે
પ્રતિક્રિયા આપવી એ નક્કી કરતાં પહેલાં અત્યારે શું ચાલી રહ્યું છે એને ઓળખવું. તમારે દરેક અસ્વસ્થ ક્ષણને તરત જ સારી બનાવી દેવાની જરૂર નથી. ક્યારેક એને જેવી છે એવી રહેવા દેવી જ પૂરતી હોય છે. અને ઘણી વાર, જ્યારે આપણે કોઈ લાગણી સામે લડવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે આપણે એને વધુ સારી રીતે સમજવા માટે જગ્યા બનાવીએ છીએ.’
ઉદાસીનો સ્વીકાર કરવાનો અર્થ એ નથી કે તમને એ લાગણી ગમે છે. માત્ર દરેક અસ્વસ્થ ક્ષણને તરત જ સારી બનાવી દેવાની જરૂર નથી. ક્યારેક એને જેવી છે એવી રહેવા દેવી જ પૂરતી હોય છે - નિધિ શાહ, સાઇકોલૉજિસ્ટ
સતત ખુશ રહેવું જરૂરી નથી અને શક્ય પણ નથી
આજના સમયમાં આપણે સતત ખુશ રહેવાની, ઉત્સાહમાં રહેવાની કે સતત કંઈક કામ કરતા રહેવાની આદત પાડી રહ્યા છીએ. આ વિશે વાત કરતાં નિધિ શાહ કહે છે, ‘આપણે એક મીનિંગફુલ લાઇફ અને સતત એક્સાઇટિંગ રહેતા જીવન વચ્ચે ગૂંચવાઈ રહ્યા છીએ. આપણે સવારે એવા વિચાર સાથે જાગીએ છીએ કે આજે કંઈક મોટું કે મહત્ત્વનું કામ કરવું જ પડશે. વીકએન્ડ એવું માનીને પસાર કરીએ છીએ કે કંઈક યાદગાર બનાવવું જોઈએ. ક્યારેક તો જ્યારે આપણે માત્ર આરામ કરતા હોઈએ ત્યારે પણ આપણને ગિલ્ટ થાય છે. સોશ્યલ મીડિયા આમાં વધુ મુશ્કેલી ઉમેરે છે, કારણ કે એ આપણને વારંવાર બીજા લોકોના જીવનની સારી અને ખાસ ક્ષણો બતાવે છે. એની સરખામણીમાં આપણી રોજિંદી સામાન્ય ક્ષણો અધૂરી કે નકામી લાગવા માંડે છે. સારી મેન્ટલ હેલ્થ હોવાનો અર્થ એ નથી કે દરેક સમયે ખુશ જ રહેવું. એક સ્વસ્થ જીવનમાં ખુશી, ઉદાસી, કંટાળો, કન્ફ્યુઝન અને એવી ક્ષણો માટે પણ જગ્યા હોય છે જ્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણે શું ફીલ કરી રહ્યા છીએ. શાંતિનો અર્થ એ નથી કે મનમાં કોઈ બેચેની ન હોય, પરંતુ પોતાની જાત સામે લડ્યા વગર એ લાગણીઓને સમજવાની અને સ્વીકારવાની ક્ષમતા છે. આપણે માણસો છીએ, દર કલાકે ખુશી પેદા કરવા માટે બનેલાં મશીન નથી.’