08 April, 2024 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોટના ચીફ માર્કેટિંગ ઑફિસર અમન ગુપ્તા. તસવીર: ઇન્સ્ટાગ્રામ
ભારતીય ઑડિયો બ્રાન્ડ બોટ (Boat Data Breach)ના ગ્રાહકોનો ડેટા લીક થયો છે. કંપનીના 7.5 મિલિયન યુઝર્સનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર જોવા મળ્યો છે. ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ડેટા લીક (Boat Data Breach)માં યુઝર્સની અંગત માહિતી જેમ કે નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, ગ્રાહક આઈડી અને ઘણું બધું સામેલ છે.
તમને જણાવી દઈએ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેટા લીક 5 એપ્રિલ, 2024ના રોજ થયો હતો. ‘ShopifyGUY’ નામના હેકરે ડાર્ક વેબ ફોરમ પર લગભગ 2GB ચોરાયેલ ગ્રાહક ડેટા પોસ્ટ કરીને જવાબદારી સ્વીકારી છે. સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ડેટા લીક (Boat Data Breach) થવાથી અસરગ્રસ્ત વપરાશકર્તાઓ માટે ઓળખની ચોરી, નાણાકીય છેતરપિંડી અને ફિશિંગ હુમલાનું જોખમ વધ્યું છે. ચોરાયેલી માહિતી વડે, સ્કેમર્સ બૅન્ક એકાઉન્ટ્સ એક્સેસ કરી શકે છે, કપટપૂર્ણ ખરીદી કરી શકે છે અથવા કૌભાંડો કરી શકે છે.
સાયબર સિક્યોરિટી થ્રેટ સ્કેમ સંશોધક સૌમ્યા શ્રીવાસ્તવે એક મીડિયા હાઉસને જણાવ્યું કે, આનાથી બોટના ગ્રાહકોનો વિશ્વાસ ઘટી શકે છે અને બ્રાન્ડને કાયદાકીય બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, “સુરક્ષા સંબંધિત નિયમોને લાગુ કરવાની જરૂરિયાત વધી છે.” ગેજેટ૩૬૦એ નેટએનરિચના સિનિયર થ્રેટ એનાલિસ્ટ રાકેશ ક્રિષ્નનનો મત ટાંકતા જણાવ્યું છે કે, “હેકરે ડાર્ક વેબ ફોરમ પર રિલીઝ થાય તે પહેલા જ ડેટાની ઍક્સેસ મેળવી લીધી હતી. તે માને છે કે તેનો હેતુ લીક એ સાયબર ક્રાઈમ સમુદાયમાં પોતાને હેકર તરીકે સ્થાપિત કરવા માટે છે, કારણ કે લીકરની પ્રોફાઇલ નવી છે અને તેના નામે આ એકમાત્ર લીક છે.”
સિક્યુરિટી બ્રિગેડના સ્થાપક યશ કડકીએ ગેજેટ૩૬૦ને જણાવ્યું હતું કે, “કેટલાક ફોરમ પર ડેટા 8 ક્રેડિટ માટે ઉપલબ્ધ છે, તેથી ડેટા ખરીદવા માટે લગભગ બે યુરો (લગભગ રૂા. 180)નો ખર્ચ થાય છે. તે થોડા દિવસોમાં ટેલિગ્રામ પર મફતમાં ઉપલબ્ધ થશે. આ ડેટાનો ઉપયોગ ઘણા સ્કેમર્સ દ્વારા વિવિધ ફોન અને ઇમેઇલ કૌભાંડો માટે કરવામાં આવશે. સ્કેમર્સ વારંવાર આવા ડેટાનો ઉપયોગ કપટપૂર્ણ ઈમેલ અને ફોન કૉલ્સ મોકલવા માટે કરી શકે છે. તેથી boAtએ ડેટા ભંગના જવાબમાં યોગ્ય પગલાં લેવા જોઈએ.” જોકે, કંપનીએ હજુ સુધી સાર્વજનિક રીતે ડેટા ચોરીનો સ્વીકાર કર્યો નથી.
આઇફોન બાદ હવે ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે વૉર્નિંગ
ભારતમાં મોબાઇલ ફોન સહિતનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની સુરક્ષા માટેની કેન્દ્ર સરકારની નોડલ એજન્સી કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (સીઈઆરટી-ઇન) દ્વારા આઇફોન બાદ હવે ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે ઍન્ડ્રૉઇડના લેટેસ્ટ વર્ઝન પર હૅકર્સની નજર છે. હૅકર્સ તમારા ફોનમાંથી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. એપ્રિલ ૨૦૨૪ના લેટેસ્ટ રિપોર્ટમાં એજન્સીએ જણાવ્યું છે કે સિસ્ટમની ખામી, ગૂગલ પ્લે સિસ્ટમમાં અપડેટ તથા ઍન્ડ્રૉઇડના અન્ય લેટેસ્ટ વર્ઝનના કેટલાક કમ્પોનન્ટ્સની છટકબારીનો ઉપયોગ કરીને હૅકર્સ સેંકડો ફોનમાં વાઇરસ દાખલ કરી શકે છે. આ વાઇરસ ફોનની સિક્યૉરિટીને બાયપાસ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.