પાસવર્ડ, OTP, KYC, વાઇફાઇ વગેરે વિના જીવનમાં ચાલી શકે?

01 January, 2026 12:33 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આજના ટેક-યુગે જીવનને એક તરફ આસાન કર્યું છે તો બીજી તરફ ગૂંચવી પણ દીધું છે

પ્રતીકાત્મક તસવીર

ટેક્નૉલૉજીથી છલોછલ આપણા વર્તમાન જીવનમાં સૌથી પૉપ્યુલર, ઉપયોગી અને જીવનજરૂરીની હદ સુધી કહી શકાય એવા કેટલાક શબ્દ કોઈ હોય તો એ છે યુઝર ID, પાસવર્ડ, OTP અને KYC. આ માત્ર શબ્દો નથી બલકે સાધન છે, માર્ગ છે. બોલો, પાસવર્ડ કે OTP વિના આપણને ચાલી શકે? ખેર, આવો જ બીજો શબ્દ લઈએ KYC. ક્યારેક OTP વિના ક્યાંક ચાલી પણ જાય, પરંતુ KYC વિના તો ન જ ચાલે. બધાને ખબર હશે તેમ છતાં OTP અને KYCનો પૂર્ણ અર્થ કહી દઈએ. OTP એટલે વન ટાઇમ પાસવર્ડ, જે બૅન્કિંગ અને ઇન્વેસ્ટિંગ સહિતના અનેકવિધ નાણાકીય વ્યવહારોમાં આજે ફરજિયાત છે. એના વિના કામ થઈ જ ન શકે. જ્યારે KYC એટલે નો યૉર ક્લાયન્ટ અથવા નો યૉર કસ્ટમર (અર્થાત તમારા ગ્રાહકને જાણો). આના ઉપયોગ વિના તો બૅન્કમાં અકાઉન્ટ પણ ન ખૂલે એટલું જ નહીં, આનો વારંવાર ઉપયોગ અને અમલ કરતા રહેવું પડે.

વર્ષો અગાઉ આ બન્ને શબ્દોની આપણા જીવનમાં કોઈ જ હાજરી કે ખાસ મહત્ત્વ નહોતું. આ બે વિના બધા જ નાણાકીય વ્યવહારો થતા હતા. હવે આ બે વિના મોટા ભાગના (કાળાં નાણાં સિવાયના) સત્તાવાર નાણાકીય વ્યવહાર સંભવ નથી. આ ટેક-યુગ છે જેણે જીવનને એક તરફ આસાન કર્યું છે તો બીજી તરફ જીવનને ગૂંચવી પણ દીધું છે. મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો અને અશિક્ષિત વર્ગ માટે તો આ બે શબ્દો ભારેખમ-અઘરા થઈ ગયા છે.

જીવનજરૂરી ગણાય એવો શબ્દ છે પાસવર્ડ. આના વગર તો આપણે પાસ જ ન થઈ શકીએ. આ પાસવર્ડને તો કેવો સાચવવો પડે, બાપ રે બાપ. આ પાસવર્ડ અને OTP કોઈ અજાણ્યાને ભૂલથી પણ અપાય નહીં. આ ટેક-યુગના આવા વધુ કેટલાક શબ્દો પર નજર કરીએ તો ફર્ગોટ પાસવર્ડ, ઈ-મેઇલ, યુનિક ID, ડાઉનલોડ, PDF, સ્ક્રીનશૉટ, સ્પૅમ, ટ્રૅશ, ડિલીટ, સાઇબર ક્રાઇમ, મિસકૉલ, ઇમોજી, નેટવર્ક, કવરેજ એરિયા, ગૂગલ મૅપ, લોકેશન, GPay, UPI, ChatGPT, ક્રિપ્ટો, બિટકૉઇન, વર્ચ્યુઅલ કરન્સી, AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ), વગેરે. યાદી લાંબી બને. અત્યાર સુધી શબ્દકોશમાં કે ડિક્શનરીમાં પણ નહીં હોય અથવા એના અર્થ બીજા હશે એવા કેટલાક શબ્દો હવે લોકજીભે રમ્યા કરે છે એટલું જ નહીં, જીવનમાં છવાઈ ગયા છે. લોકોને આ શબ્દોની સતત જરૂર પડે છે, એનો ઉપયોગ થાય છે. આ શબ્દો સમજવાથી કેટલીક સમસ્યા ઉકેલી શકાય છે અને ઘણા વ્યવહારો થાય છે.

તમને થઈ શકે કે આજે અમે આ બધા શબ્દોને કેમ યાદ કરી રહ્યા છીએ? કારણ બહુ ગંભીર નથી, પરંતુ સમય અને પરિવર્તન કેટલી તેજ ગતિએ આગળ વધી રહ્યાં છે એના આ વૈશ્વિક અને નક્કર પુરાવા છે. એક વિશાળ જૂની પેઢી આવા ચોક્કસ શબ્દોને લીધે આઉટડેટેડ થવા લાગી છે. જે કામ સરળતાથી અગાઉ પણ થતાં હતાં એ હવે વધુ સરળતાથી અને ઝડપથી કરવા માટે ટેક્નૉલૉજીની ભેટરૂપ આ શબ્દોએ કરોડો લોકોની લાઇફ બદલી નાખી છે.

બાય ધ વે, આ બધા શબ્દોનાં માઈ-બાપ કહી શકાય એવો એક શબ્દ છે વાઇફાઇ. વાઇફ વિના ચાલી શકે, વાઇફાઇ વિના? આવી મજાક કૉમન છે. ઈવન વાઇફને પણ વાઇફાઇ વિના ચાલતું નથી. આમાંથી કોઈ બોધ, ઉપદેશ કે સત્ય શોધવાની જરૂર નથી. માત્ર ટેક્નૉલૉજીને કારણે આવેલા પરિવર્તનને સમજવાનો પ્રયાસ કરજો, હજી ઘણું આવવાનું બાકી છે. સમય અને પરિવર્તન સાથે સજ્જ થવું જોઈશે.

નવા વર્ષમાં આ જ ટેક-દુનિયામાં વધુ નવા શબ્દો અને નવાં ડેવલપમેન્ટ જોવા મળી શકે. બાય ધ વે, આપણા માઇન્ડના સૉફ્ટવેર-હાર્ડવેરને અપગ્રેડ અને અપડેટ કરતા જવું પડશે. 

happy new year new year life and style lifestyle news tech news technology news columnists jayesh chitalia