21 July, 2025 08:53 AM IST | Dahod | Shailesh Nayak
ક્લાસિસમાં પ્રમોદકુમાર કાટકર.
આદિવાસી બહુમતી વસ્તી ધરાવતા દાહોદમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે બૅન્કમાંથી લોન લઈને પ્રમોદકુમાર કાટકર ચલાવે છે કોચિંગ ક્લાસ : ૨૦થી ૨૫ કિલોમીટરના એરિયામાંથી વિદ્યાર્થીઓ આવીને કરી રહ્યા છે પરીક્ષાઓની તૈયારી : અહીંથી કોચિંગ લઈને વિદ્યાર્થીઓને રેવન્યુ, રેલવે, પોલીસ, પંચાયત, શિક્ષણ સહિતના વિભાગોમાં મળી રહી છે જૉબ
વર્ષોથી લઈને આજે પણ ઘરમાં દાદા-દાદી હંમેશાં બાળકોને વાર્તાઓ સંભળાવીને તેમનામાં સંસ્કારોનું બીજ રોપતાં હોય છે, વાર્તાઓમાં આવતાં ઉદાહરણો દ્વારા સમાજની ગતિવિધિઓથી વાકેફ કરાવતાં હોય છે અને શીખ આપીને બાળક સાચા રસ્તે વળે એવા પ્રયત્નો હંમેશાં કરતાં હોય છે. આવા જ એક દાદાની વાત અનુસરીને ગુજરાત અને મધ્ય પ્રદેશની બૉર્ડર પર આવેલા દાહોદમાં પોતાનામાં રહેલા જ્ઞાનને અન્યોમાં પણ વેચવાનું નહીં પણ વહેંચવાનું સદ્કાર્ય કરી રહ્યા છે પ્રમોદકુમાર કાટકર. અતિશય પૈસા પાછળ નહીં દોડવાની દાદાની શીખને પોતાના જીવનમાં ઉતારીને આદિવાસી વસ્તી ધરાવતા પ્રદેશમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા માટે છેલ્લાં ૮ વર્ષથી તેઓ જ્ઞાન વહેંચવાનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે જે વિદ્યાર્થીઓ કદાચ મોટી-મોટી ફી ચૂકવીને દાહોદથી બહાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસમાં તૈયારી કરવા નથી જઈ શકતા એવા ગરીબ અને મધ્યમ વર્ગના કેટલાય વિદ્યાર્થીઓને આજે આ શિક્ષકના હાથ નીચે અભ્યાસ કરીને પંચાયત, રેવન્યુ, પોલીસ, રેલવે, શિક્ષણ સહિતના વિભાગોમાં જૉબ મળી છે અને પોતાના પગ પર ઊભા રહી જીવનમાં આગળ વધીને તેમનાં સપના સાકાર કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ કોચિંગ ક્લાસ તેમના જીવનમાં આશીર્વાદરૂપ બની રહ્યા છે.
પ્રમોદકુમાર કાટકર એવા શિક્ષક છે જેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું કોચિંગ આપવા માટે બૅન્કમાંથી લોન લઈને રૂમ લીધી છે. અહીં ડિજિટલ ક્લાસમાં દાહોદ તેમ જ દાહોદની આસપાસના ૨૦થી ૨૫ કિલોમીટરના એરિયામાંથી વિદ્યાર્થીઓ કોચિંગ માટે આવી રહ્યા છે અને પ્રમોદકુમાર એક પણ રૂપિયો લીધા વગર વિદ્યાર્થીઓને સુશિિક્ષત કરવા સાથે તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે એ માટે તૈયાર કરી રહ્યા છે.
ફ્રી કોચિંગનો વિચાર
આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે કંઈકેટલીયે ફી ખર્ચવી પડે છે ત્યારે રૂપિયો પણ લીધા વગર વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ મુદ્દે વાત કરતાં દાહોદને અડીને આવેલા મંડાવાવ ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક પ્રમોદકુમાર કાટકર ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા દાદા ગોવિંદભાઈ તલાટી હતા. તેઓ હંમેશાં ભલાઈની વાતો કરતા. મને ૨૦૧૦માં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. એ પછી હું ૨૦૧૫–’૧૬માં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન (SPIPA)માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગયો હતો. જોકે થોડાક માર્ક માટે હું રહી ગયો હતો. એ પછી મારા દાદાનું કહેવું એવું હતું કે તને નોકરી મળી ગઈ હોય તો તારી પાસે જે નૉલેજ છે એનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને ભણાવવા માટે કર જેથી કોઈને નોકરી મળે તો તેમનું જીવન પણ સુધરે. અતિશય પૈસા પાછળ નહીં દોડવાનું એવી શીખ આપીને દાદાએ મને જીવનની સાર્થકતા સમજાવીને જ્ઞાનને વહેંચવાની વાત કરી હતી. ત્યારે મને લાગ્યું કે દાદાની વાત સાચી છે. મને થયું કે આ વિસ્તારમાં કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા ઇચ્છતા હશે તો તેમના માટે હું કંઈક કરું.’
બૅન્કમાંથી લોન લીધી
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે કોચિંગ આપવાનો વિચાર કરીને એનો અમલ પણ શરૂ કરી દીધો એની વાત કરતાં પ્રમોદકુમાર કહે છે, ‘પહેલાં હું ભાડાના મકાનમાં રહેતો હતો. એ જગ્યાએ બીજી રૂમ ભાડે રાખીને એમાં ૨૦૧૭માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવા ક્લાસ શરૂ કર્યા. ક્લાસ શરૂ થતાં વિદ્યાર્થીઓ આવવા લાગ્યા એટલે મકાનમાલિકને ખબર પડી કે અહીં આ શિક્ષક રૂપિયો લીધા વિના વિદ્યાર્થીઓને કોચિંગ આપી રહ્યા છે એટલે તેમણે ક્લાસની રૂમનું ભાડું લેવાનું બંધ કરી દીધું અને કહ્યું કે તમે છોકરાઓને ભણાવો, મારે આ રૂમનું ભાડું નથી લેવું. ધીરે-ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી એટલે વિચાર્યું કે હવે મોટી રૂમ જોઈશે એટલે બૅન્કમાંથી લોન લઈને એક મોટા હૉલમાં ક્લાસ શરૂ કર્યા. હું સવારે બે કલાક અને સાંજે બે કલાક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અભ્યાસ કરાવી રહ્યો છું. આ ઉપરાંત જરૂર પડે ત્યારે ગાઇડન્સ આપું છું. ધીરે-ધીરે કરીને સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો વસાવ્યાં અને લાઇબ્રેરી ઊભી કરી. મારે ત્યાં દાહોદ ઉપરાંત ગરબાડા, લીમખેડા સહિતના ૨૦થી ૨૫ કિલોમીટર દૂરથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તેઓ મારે ત્યાં આખો દિવસ રહી શકે છે અને પુસ્તકો વાંચીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે.’
વિદ્યાર્થીઓને ભણવા માટે શરત
સ્વાભાવિક છે કે કોઈ વસ્તુ ફ્રીમાં મળતી હોય તો એની કિંમત મોટા ભાગે લોકોને સમજાતી નથી હોતી ત્યારે આ ઍકૅડેમીમાં કોઈ વિદ્યાર્થીએ કોચિંગ માટે આવવું હોય તો શરતનું પાલન કરવું પડે છે એની વાત કરતાં પ્રમોદકુમાર કહે છે, ‘સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે હું કોઈ વિદ્યાર્થી પાસેથી ફી નથી લેતો, પરંતુ એક શરત ચોક્કસ મૂકું છું. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા માટે ૧૧ વિષયોની તૈયારી કરાવું છું તેમ જ કરન્ટ અફેર્સનું એજ્યુકેશન પણ આપું છું એટલે અંદાજે ૧૨થી ૧૪ મહિનાનો સમય અભ્યાસ કરાવતા થઈ જાય છે. એટલે મારે ત્યાં આવતા વિદ્યાર્થીઓને કોચિંગ શરૂ કરાવતાં પહેલાં જ શરત કહી દઉં છું કે ૧૨થી ૧૪ મહિના સુધી ભણવું હોય તો જ ક્લાસ જૉઇન કરજો, કેમ કે ફ્રી કોચિંગ હોય એટલે ગમે તે આવી જાય અને કદાચ અન્ય વિદ્યાર્થીઓને ડિસ્ટર્બન્સ પણ થાય એટલે વિદ્યાર્થીઓને પહેલેથી કહીને જ પ્રવેશ આપું છું. હવે મારું ફોકસ બૅન્કિંગ ક્ષેત્ર તરફ છે અને વિદ્યાર્થીઓને એની પણ તૈયારી કરાવવાનું થોડા સમયમાં શરૂ કરીશ.’
પત્ની બનાવી આપે ચા-નાસ્તો
દાહોદમાં આવેલા હનુમાન મંદિર પાસે પ્રાપ્તિ ઍકૅડેમી આવેલી છે અને એનાથી માંડ ત્રણ કિલોમીટર દૂર મંડાવાવ ગામમાં પ્રાથિમક શાળા આવેલી છે એટલે શિક્ષકને બન્ને સ્થળે જવા-આવવામાં કોઈ તકલીફ પડતી નથી. જોકે શિક્ષક જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરાવતા હોય ત્યારે ઍકૅડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની દેખરેખ તેમનાં પત્ની નયના કાટકર રાખતાં હોય છે તેમ જ તેઓ સ્વૈચ્છિક રીતે ચા-નાસ્તો બનાવીને વિદ્યાર્થીઓને આપે છે.
૨૨૦૦ વિદ્યાર્થીઓએ લીધું કોચિંગ
૨૦૧૭થી પ્રમોદકુમાર કાટકરના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ક્લાસ ચાલી રહ્યા છે. તેઓ કહે છે, ‘હાલમાં મારે ત્યાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં અંદાજે ૨૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરીને ગયા છે. એમાંથી ૯૭થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ, પંચાયત, રેલવે, રેવન્યુ સહિતના સરકારી વિભાગોમાં નોકરી મળી છે જેનો મને આત્મસંતોષ છે. હું મારું કામ કરું છું. મને લાગે છે કે આ જનમમાં એક શિક્ષક તરીકે મારો ફેરો એળે ન જાય. દાદા કહેતા કે આપણે આપણું કામ કરતા રહેવાનું. તેમની શીખને ધ્યાનમાં રાખીને હું સેવાકીય કામ કરી રહ્યો છું.’
જેમને જૉબ મળી તેમણે ગુરુદક્ષિણામાં બનાવી આપ્યા ડિજિટલ ક્લાસ
તમે જ્યારે નિઃસ્વાર્થભાવે સેવા કરો છો ત્યારે એની મહેક ચોક્કસ પ્રસરતી હોય છે અને લોકો એનું ધ્યાન પણ રાખતા હોય છે. જે ક્લાસમાં એક પણ રૂપિયો ફી ચૂકવ્યા વગર જે વિદ્યાર્થીઓએ પ્રમોદકુમાર કાટકરના હાથ નીચે અભ્યાસ કરીને સમાજમાં પ્રતિષ્ઠિત જૉબ મેળવી તે વિદ્યાર્થીઓએ ગુરુદક્ષિણામાં સાહેબને ડિજિટલ ક્લાસ બનાવી આપ્યા છે.
પ્રમોદકુમાર આ વિશે વાત કરતાં કહે છે, ‘અહીંથી અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓને પોલીસ તેમ જ રેવન્યુ સહિતના વિભાગોમાં નોકરી મળી છે ત્યારે એ વિદ્યાર્થીઓમાંના ઘણાએ મને કહ્યું કે સાહેબ, તમે અમારા માટે આટલું બધું કર્યું, અમને આગળ લાવ્યા, એક રૂપિયો પણ અમારી પાસેથી લીધો નથી તો હવેના સમયની ડિમાન્ડ પ્રમાણે અમે તમારા વર્ગને ડિજિટલ ક્લાસ બનાવીશું. આ વિદ્યાર્થીઓએ ડિજિટલ સેટઅપ ઊભુ કર્યું. એમાં થોડાક પૈસા ખૂટ્યા તો મેં ટીચર્સ સોસાયટીમાંથી પૈસા લઈને એમાં ઉમેર્યા જેને કારણે આજે વિદ્યાર્થીઓ ડિજિટલ ક્લાસરૂમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. મારે ત્યાં આવતા ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેઓ એકબીજા પાસેથી થોડા-થોડા પૈસા એકઠા કરીને લાઇટબિલની ચુકવણી પણ કરે છે.’