ઑનલાઇન છેતરપિંડી આ રીતે પણ થાય, જાણો છો?

16 September, 2022 12:05 PM IST  |  Mumbai | Harsh Desai

યુઝર્સે વધુ ને વધુ સજાગ રહેવું પડશે જેથી નવી-નવી રીતે થતાં સ્કૅમથી તેઓ દૂર રહી શકે

પ્રતીકાત્મક તસવીર

હર્ષ દેસાઈ
harsh.desai@mid-day.com

ટીવી ઍક્ટ્રેસ શુંભાગી અત્રે સાથે હાલમાં જ ઑનલાઇન છેતરપિંડી થઈ. એક જાગરૂક વ્યક્તિ હોવા છતાં તેની સાથે છેતરપિંડી થઈ. મોટા ભાગે ઓટીપી દ્વારા આવી મોટા ભાગની છેતરપિંડી થતી હોય છે, પરંતુ એ વિશે બધાને ખબર પડી ગઈ હોવાથી સ્કૅમર્સ હવે નવી-નવી યુક્તિઓ લઈને આવ્યા છે. આ વિશે થોડી માહિતી જોઈએ, જેનાથી જાણી શકાય છે અને કોઈની પણ સાથે થતી છેતરપિંડીને અટકાવી શકાય છે.

યુપીઆઇ

ડિજિટલ ઇન્ડિયામાં આજે સૌથી વધુ ટ્રાન્ઝૅક્શન યુપીઆઈની મદદથી થાય છે. ઑટોરિક્ષાથી લઈને શાકભાજીવાળા સુધીના દરેક હવે યુપીઆઇનો ઉપયોગ કરે છે. આ સુવિધા જેટલી સરળ અને લાભદાયી છે એટલાં જ એનાં નુકસાન પણ છે. આ યુપીઆઇ વિશે લોકોને વધુ ખબર ન હોવાથી સ્કૅમર્સ એનો લાભ ઉઠાવે છે. તેઓ જે-તે વ્યક્તિને કૉલ કરે છે અને તેમની પાસે જે-તે વસ્તુ ખરીદવા અથવા તો વેચવાની ડીલ કરે છે. આ માટે ઑનલાઇન પેમેન્ટ માટે તેઓ યુપીઆઇની ડિમાન્ડ કરે છે. એક વાર સામાન્ય વ્યક્તિ દ્વારા તેનો યુપીઆઇ આપ્યા બાદ સ્કૅમર્સ પૈસા મોકલવાની જગ્યાએ પૈસાની રિક્વેસ્ટ કરે છે. આ રિક્વેસ્ટ દરમ્યાન તેઓ ફરી જે-તે વ્યક્તિને ફોન પર વાત કરી વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે અને તેમને ટ્રાન્ઝૅક્શન અપ્રૂવ કરવા માટે કહે છે. આ ટ્રાન્ઝૅક્શન અપ્રૂવ કરતાં જ પૈસા ખાતામાં આવવાની જગ્યાએ ખાતામાંથી કપાઈ જાય છે. આથી હંમેશાં પૈસા આવી રહ્યા છે કે પૈસા લેવા માટે વિનંતી કરી છે એ પહેલાં ચેક કરી લેવું. 

વેબસાઇટ સ્કૅમ

આજકાલ સ્કૅમર્સ વધુ ટેક્નૉસૅવી થઈ રહ્યા છે અને તેઓ જે-તે વેબસાઇટ જેવી ડુપ્લિકેટ વેબસાઇટ બનાવે છે. આ વેબસાઇટની લિન્ક તેઓ મેસેજ દ્વારા યુઝર્સને મોકલે છે અથવા તો તેઓ સર્ચ એન્જિનમાં પણ મૅનિપ્યુલેટ કરીને તેમની લિન્કને વધુ ને વધુ ઉપર દેખાડવાની કોશિશ કરે છે. આથી યુઝર્સ ઓરિજિનલ વેબસાઇટની જગ્યાએ આવી ડુપ્લિકેટ વેબસાઇટ પર ક્લિક કરે છે. આવી વેબસાઇટ પર ક્લિક કરતાંની સાથે જ તેઓ તેમની જાળમાં ફસાઈ જાય છે. ત્યાર બાદ તેમને ક્યારેય ન જોવા મળી હોય એવી ઑફર મળે છે. યુઝર જ્યારે આવી ઑફરમાં ફસાય છે અને ઑર્ડર કરે છે ત્યારે એ થાય તો છે, પૈસા પણ કપાય છે. જોકે રિટર્નમાં તેમને કોઈ પ્રોડક્ટ નથી મળતી. થોડા દિવસ રાહ જોયા બાદ ઑર્ડર ન મળે ત્યારે કસ્ટમર જે-તે વેબસાઇટનો સંપર્ક કરે ત્યારે તેમને ખબર પડે છે કે આવો કોઈ ઑર્ડર થયો જ નહોતો અને તેઓ છેતરાયા છે. આથી આવી કોઈ લિન્ક કે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવા કરતાં ડાયરેક્ટ વેબસાઇટ લખી અથવા તો જે-તે ઍપ્લિકેશનમાંથી જ પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

સ્ક્રીન શૅરિંગ

સ્કૅમર્સ હવે કસ્ટમરને ફોન કરીને તેમના ઇશ્યુ સૉલ્વ કરવાની કોશિશ કરે છે. તેઓ બૅન્ક એમ્પ્લૉઈ અથવા તો જે-તે શૉપિંગ ઍપ્લિકેશનના કસ્ટમર કૅરમાંથી ફોન કરી રહ્યા હોય એવું કહે છે અને જે-તે વ્યક્તિને શું સમસ્યા નડી રહી છે એ જાણવાની કોશિશ કરે છે. એને સૉલ્વ કરવા માટે મોબાઇલમાં જ તેઓ ટીમ વ્યુઅર અથવા તો મોબાઇલમાં જ આવતી સ્ક્રીન શૅરિંગ સુવિધા દ્વારા મોબાઇલની તમામ વિગતો જુએ છે. ત્યાર બાદ તેઓ જે-તે વ્યક્તિની કાર્ડ અથવા તો બૅન્ક ડીટેલ કલેક્ટ કરી એનો ઉપયોગ કરે છે. આ દરમ્યાન તેઓ ઓટીપીની ડિમાન્ડ નથી કરતા, કારણ કે તેમની સ્ક્રીન શૅર હોવાથી તેઓ મોબાઇલ પર આવતા ઓટીપીને પોતે જ વાંચી લે છે. આથી એવું લાગે છે કે તેઓ જેન્યુઇન વ્યક્તિ છે. આ બધી પ્રક્રિયા કૉલ ચાલુ હોય એ દરમ્યાન તેઓ પૂરી કરી લે છે, જેથી તમે મેસજ પર પણ વધુ ધ્યાન નથી આપતા. આથી કોઈ પણ દિવસ સ્ક્રીન શૅર માટે પરવાનગી ન આપવી. કોઈ પણ બૅન્ક અથવા તો શૉપિંગ ઍપ આ રીતે ડિમાન્ડ નથી કરતી.

બારકોડ સ્કૅન અને અન્ય જૂની રીતે થતી આવતી છેતરપિંડી તો હજી ચાલુ ને ચાલુ જ છે, પરંતુ માર્કેટમાં હવે નવાં સ્કૅમ પણ આવી રહ્યાં છે, જે માટે સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે.

columnists harsh desai cyber crime technology news tech news life and style