21 April, 2025 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રિજ
ઇલેક્ટ્રિસિટી બચાવવા અથવા ફ્રિજના ફંક્શનિંગને રાહત આપવાના હેતુથી તમે દરરોજ ફ્રિજની સ્વિચને ટર્ન ઑફ કરો છો? જો જવાબ હા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. દિવસના અમુક કલાક સુધી ફ્રિજને બંધ રાખનારા લોકોને એ ખબર નથી કે આ ઍક્ટિવિટીથી ફ્રિજની હેલ્થ બગડી શકે છે એટલું જ નહીં, ફ્રિજની અંદર રાખેલાં શાકભાજી અને ફૂડ પણ લાંબા સમય સુધી સારાં રહેતાં નથી અને બગડી જાય છે. આ ઉપરાંત ફ્રિજની મોટર પર કામનું ભારણ વધી શકે છે. એના પરિણામે ઇલેક્ટ્રિસિટીની ખપત પણ વધે છે. જો નિયમિત આવું કરવામાં આવે તો રિપેરિંગનો ખર્ચ તમારાં ખિસ્સાં ખાલી કરી નાખે એટલો આવશે. ઘણા લોકો દરરોજ નહીં પણ અઠવાડિયામાં એક વાર અમુક કલાક સુધી ફ્રિજને બંધ રાખતા હોય છે. હવે આમાં વિચારવા જેવી વાત એ છે કે યોગ્ય શું છે? ફ્રિજની મોટરનું ફંક્શનિંગ વધુ સારું કરવા માટે અઠવાડિયામાં એક વાર રેસ્ટ આપવો જોઈએ કે નહીં? મોટા ભાગના લોકોને સાચું શું છે એ ખબર જ નથી; પણ હકીકત તો એ છે કે રેફ્રિજરેટરને દરરોજ, અઠવાડિયે કે ક્યારેક-ક્યારેક બંધ કરવાની કોઈ જરૂર નથી. ફ્રિજની સફાઈ કરવાની હોય, લાંબા વેકેશન પર ઘરથી દૂર રહેવાનું હોય અથવા ફ્રિજને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય ત્યારે જ એને બંધ કરવું. અત્યારનાં મૉડર્ન ફ્રિજ એ રીતે ડિઝાઇન કરેલાં હોય છે કે જ્યારે એને ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી હોતી ત્યારે આપમેળે એ ટર્ન ઑફ થઈ જાય છે અને જ્યારે જરૂર હોય છે ત્યારે પાછું પાવર લેવાનું શરૂ કરે છે.
ફ્રિજ બંધ કરીએ તો...
ટેમ્પરેચર કન્ટ્રોલ : ફ્રિજમાં થર્મોસ્ટેટ ઇન્સ્ટૉલ કરેલું હોય છે જેને લીધે અંદરના તાપમાનને જાળવી રાખવા માટે ઑટોમૅટિકલી ફ્રિજનું કૉમ્પ્રેસર ટર્ન ઑન અને ટર્ન ઑફ થાય છે એટલે એને પૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી.
એનર્જીનો બગાડ : વારંવાર ફ્રિજની સ્વિચને ચાલુ-બંધ કરવાથી એની મોટર પર દબાણ વધે છે, ઇલેક્ટ્રિસિટી વધુ ખર્ચાય છે અને એના સરળ ફંક્શનિંગમાં ખલેલ પહોંચે છે.
ખોરાક બગડે : ફ્રિજની અંદરના ટેમ્પરેચરને જાળવી રાખવા માટે કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રિસિટીની સપ્લાય થવી જરૂરી છે. તેથી જો ફ્રિજને વારંવાર સ્વિચ ઑફ અને સ્વિચ ઑન કરવામાં આવે તો ફ્રિજના ફંક્શનિંગનું બૅલૅન્સ તો બગડે જ છે, સાથે અંદરનું ટેમ્પરેચર પણ જળવાતું નથી અને ફ્રિજમાં રાખેલા ખોરાડનો બગાડ થાય છે.
કૉમ્પ્રેસર ડૅમેજ થાય : ઇલેક્ટ્રિસિટીની સપ્લાયમાં વારંવાર ખલેલ પહોંચે ત્યારે કૉમ્પ્રેસર ડૅમેજ થવાની શક્યતાઓ વધી જાય છે અને ફ્રિજની લાઇફ ઘટી જાય છે. કૉમ્પ્રેસર ડૅમેજ થાય ત્યારે એના રિપેરિંગનો ખર્ચ પણ વધુ થાય છે.