બ્લૅક ફ્રાઇડે સેલમાં સબસે સસ્તી ચીજો ખરીદી લેવાની લાયમાં આટલું ભૂલતા નહીં

25 November, 2022 04:43 PM IST  |  Mumbai | Harsh Desai

શૉપિંગ કરતી વખતે સૌથી પહેલાં બજેટ, જરૂરિયાતની પ્રોડક્ટ, સર્વિસ અને ડિસ્કાઉન્ટ જેવી બાબતોને હંમેશાં ધ્યાનમાં રાખવી

પ્રતીકાત્મક તસવીર

આજે શુક્રવાર છે. દુનિયાભરમાં આજના દિવસને બ્લૅક ફ્રાઇડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. મોટા ભાગના સ્ટોર, શૉપ અને વેબસાઇટ પર આજે વિવિધ પ્રોડક્ટ્સ પર જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. થૅન્કસગિવિંગના બીજા દિવસને બ્લૅક ફ્રાઇડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અમેરિકામાં આ બ્લૅક ફ્રાઇડે ખૂબ પૉપ્યુલર થયો હતો અને ત્યાર બાદ ધીમે-ધીમે એ દુનિયાના અન્ય દેશોમાં પણ શરૂ થઈ ગયો છે. એની હવા હાલમાં ઇન્ડિયા સુધી આવી પહોંચી છે. બ્લૅક ફ્રાઇડેને ક્રિસમસ માટેનું શૉપિંગ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શૉપિંગ ફેસ્ટિવલ હવે એક દિવસને બદલે બે-ત્રણ દિવસ અને કેટલીક જગ્યાએ એક અઠવાડિયા સુધી ચાલે છે. જોકે ઍમેઝૉનના માલિક જેફ બેજોસ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના દેશમાં મંદી દરવાજા સુધી પહોંચી ગઈ છે અને હવે એ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે એથી બને એટલી શૉપિંગ ઓછી કરવી અને હાથ પર પૈસા રાખવા. જોકે જરૂર હોય એ વસ્તુ લોકો ખરીદતા જ હોય છે, પરંતુ આ પ્રકારના ફેસ્ટિવલ દરમ્યાન લોકો જરૂર વગરની વસ્તુ પણ ખરીદી લે છે. આથી આ પ્રકારના સેલ દરમ્યાન કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી એ વિશે જોઈએ.

બજેટ

સૌથી પહેલાં બજેટ નક્કી કરવું જોઈએ. ફલાણી પ્રોડક્ટ પર ૪૦ ટકા ડિસ્કાઉન્ટ છે તો એ લઈ લેવી એવું નથી હોતું. ઉદાહરણ તરીકે એક શૂઝ ખરીદવાં હોય અને એની કિંમત ૧૦,૦૦૦ હોય અને ડિસ્કાઉન્ટ બાદ એની કિંમત ૬૦૦૦ હોય તો એ ખરીદી લેવું એવું નથી હોતું. કોઈ પણ ખરીદી કરતાં પહેલાં જે-તે વસ્તુ માટેનું ચોક્કસ બજેટ બનાવવું. શૂઝ માટે ૩૫૦૦નું બજેટ હોય તો ૬૦૦૦નાં શૂઝ લેવાં એ મૂર્ખાઈ છે. આથી કોઈ પણ દિવસ જે-તે વસ્તુ લેવા માટે પહેલાં બજેટ બનાવો અને એ બજેટ અનુસાર જ ખરીદી કરો. ભલે ૪૦ ટકા નહીં, પરંતુ ૭૦ ટકા ડિસ્કાઉન્ટ કેમ ન હોય. બજેટ બહારની વસ્તુ ખરીદવાથી હંમેશાં દૂર રહેવું, કારણ કે ડિસ્કાઉન્ટ ગમે એટલું હશે, પરંતુ સૅલેરી વધીને નથી આવવાની.

જરૂરી હોય એ જ ખરીદો

બ્લૅક ફ્રાઇડે હોય કે ગમે એ શૉપિંગ ફેસ્ટિવલ, એ દરમ્યાન જે-તે કંપની તેમની વેબસાઇટ અથવા તો ઍપ્લિકેશન પર જે-તે પ્રોડક્ટને ખૂબ હાઇલાઇટ કરતી હોય છે. બની શકે કે એ પ્રોડક્ટ વેચાતી ન હોય અથવા તો એનું પ્રોડક્શન જેટલું થયું હોય એની સામે એટલું વેચાણ ન થયું હોય અથવા તો બની શકે કે એના પર વધુ પ્રૉફિટ માર્જિન હોય અને એથી એમાં ઘણો ઘટાડો કરી એને વેચવામાં આવતું હોય. કારણ ગમે એ હોય, પરંતુ શું ખરીદનારને એ વસ્તુની જરૂર હોય છે ખરી. ઉદાહરણ તરીકે કોઈ મોબાઇલ પર જબરું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. આ સાથે જ બૅન્કની ઑફર અને સેલનું ઍડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું. તો એ મોબાઇલ ખરીદી લેવો એવું નથી હોતું. સવાર થઈ નોટિફિકેશન જોયું કે ઍપલ આઇફોન14 અત્યાર સુધીની સૌથી વધુ ડિસ્કાઉન્ટની કિંમતમાં એટલે એ ખરીદી લેવો એવું નથી હોતું. બજેટની સાથે એની જરૂર છે કે નહીં એ પણ જરૂરી હોય છે. જો યુઝરનો જૂનો મોબાઇલ એકદમ બરાબર ચાલતો હોય અને એ આઉટડેટેડ ન થયો હોય તો એને બદલવાની જરૂર નથી. હા, પૈસાની કમી ન હોય તો જરૂર ખરીદી શકાય.

ડિસ્કાઉન્ટ પર નજર રાખવી

ઑનલાઇન શૉપિંગનું ચલણ એટલું વધી ગયું છે કે છાશવારે એમાં વિવિધ કારણસર સેલ આવતાં રહે છે. એ દરમ્યાન કઈ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ હોય એનું ધ્યાન જરૂર રાખવું. બ્લૅક ફ્રાઇડે આવ્યો એટલે એમાં સૌથી ઓછું ડિસ્કાઉન્ટ હોય એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે ઠંડીથી બચવા માટેનાં કપડાંનું વધુ વેચાણ થાય. આથી આ પ્રકારનાં કપડાં અથવા તો જૅકેટ પર ડિસ્કાઉન્ટ ઓછું હોય એવું બની શકે છે. ચોમાસા દરમ્યાન અથવા તો દિવાળી દરમ્યાન આ પ્રકારનાં કપડાં પર વધુ ડિસ્કાઉન્ટ હોય છે, કારણ કે એ સમયે ઠંડીનાં કપડાં વધુ લોકો નથી ખરીદતા. સર્વિસ બ્લૅક ફ્રાઇડેમાં ફક્ત કપડાં કે મોબાઇલ પર જ ડિસ્કાઉન્ટ હોય છે એવું નથી. લાર્જ અપ્લાયન્સ‌િસ એટલે કે ટીવી, ફ્રિજ, એસી જેવી વિવિધ વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ હોય છે. જોકે ખરીદનાર કઈ વસ્તુને કઈ જગ્યાએથી મગાવે છે એ પણ એટલું જ જરૂરી છે. હંમેશાં ખરીદી બાદ સર્વિસ કેવી મળશે એના પર પણ ધ્યાન રાખવું. મોટા ભાગની કંપનીઓ પોતે જ સર્વિસ પૂરી પાડતી હોય છે, પરંતુ તેમની સર્વિસમાં પણ ફરક હોય છે. ઉદાહરણ તરીકે આ લખનારે પોતે ઍમેઝૉન પરથી પૅનસૉનિકનું સ્માર્ટ એસી મગાવ્યું હતું. એસીનું આઉટડોર યુનિટ કામ નહોતું કરી રહ્યું એથી ઍમેઝૉન પર એક્સચેન્જ રિક્વેસ્ટ કરી હતી. જોકે આ એસી વેચનારે એ રિક્વેસ્ટ નહોતી સ્વીકારી અને અંતે ઍમેઝૉન સાથે માથાકૂટ કરીને એ એસી રિટર્ન કરી દીધું હતું. અહીં પૅનસૉનિકનાં એસી ફિટ કરનાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તમે અમારી પાસે એસી ખરીદ્યું હોત તો અમે તરત જ આઉટડોર યુનિટને એક્સચેન્જ કરી આપ્યું હોત. કહેવાનો અર્થ એ છે કે ઑનલાઇન ખરીદ્યું હોત કે ઑફલાઇન પ્રોડક્ટ પૅનસૉનિકની જ હતી, પરંતુ તેમણે સર્વિસમાં ભેદભાવ રાખ્યો એ પૉઇન્ટ પણ એટલો જ મહત્ત્વનો છે. આથી લાર્જ અપ્લાયન્સ‌િસ માટે બને ત્યાં સુધી એવી જગ્યાએથી ખરીદી કરવી જ્યાંથી તમને સારી સર્વિસ મળી શકે તેમ જ એવી વેબસાઇટનો ઉપયોગ કરવો જેમનો ફિઝિકલ સ્ટોર પણ હોય જેથી એ સ્ટોરની મુલાકાત લઈને તમે એ ઇશ્યુ સૉલ્વ કરી શકો.

આ રહી બ્લૅક ફ્રાઇડેની કેટલીક લલચામણી ડીલ્સ

ઍપલ મેકબુક ઍર એમ1 2020 મૉડલ 256 SSDની કિંમત 87090 છે, પરંતુ એચડીએફસીના ક્રેડિટ કાર્ડ પર ૧૦,૦૦૦ અને ૨૦૦૦ ક્રોમાનું ઍડિશનલ ડિસ્કાઉન્ટ સાથે એ ૭૫,૦૦૦ની આસપાસ પડે છે.

પ્લે સ્ટેશનના સ્ટોરમાં પણ ગેમ્સમાં ખૂબ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સૌથી ફેમસ રહેલી ગેમ ગ્રૅન્ડ થેફ્ટ ઑટો ફાઇવ ડિજિટલ એડિશનની કિંમત ૨૪૭૦ છે, પરંતુ હાલમાં સેલમાં ૧૦૩૭ રૂપિયામાં એ મળી રહી છે. આ સાથે જ નીડ ફૉર સ્પીડ હીટ ડિજિટલ એડિશનની કિંમત ૩૯૯૯ રૂપિયા છે, પરંતુ ડીલમાં એની કિંમત ફક્ત ૩૯૯ રૂપિયા છે. આ સાથે જ અનચાર્ટેડ, રેસિડન્ટ ઇવિલ અને અસેસિન્સ ક્રીડ જેવી ગેમમાં પણ ખૂબ ડિસ્કાઉન્ટ છે.

ટ્રાવેલ અને સ્પોર્ટ્સના શોખીનો માટે ડેકાથ્લૉન પર પણ જોરદાર સેલ ચાલી રહ્યું છે. આ પ્રોડક્ટસ એવી છે કે એને કોઈ પણ સીઝનમાં અને કોઈ પણ સમયે ઉપયોગ કરી શકાય છે.

columnists harsh desai black friday technology news tech news life and style