જે તમને આઇવૉચમાં મળતું હતું એ બધું જ પૉકેટ-ફ્રેન્ડ્લી ભાવમાં મળશે વિવોની વૉચ 2માં

24 December, 2021 04:23 PM IST  |  Mumbai | Harsh Desai

હજી બે દિવસ પહેલાં જ ચીનમાં લૉન્ચ થયેલી વિવોની સેકન્ડ જનરેશન વૉચમાં ઈ-સિમ અને સાત દિવસનું બૅટરી બેકઅપ આપવામાં આવ્યું છે અને એનાં ઘણાં ફીચર્સ આઇવૉચને પણ ટક્કર મારે એવાં છે

જે તમને આઇવૉચમાં મળતું હતું એ બધું જ પૉકેટ-ફ્રેન્ડ્લી ભાવમાં મળશે વિવોની વૉચ 2માં

ઍપલની આઇવૉચ એનાં ફીચર્સને લઈને વેઅરેબલ માર્કેટ્સમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે, પરંતુ હવે વિવો પણ એની વૉચ દ્વારા ઍપલને ટક્કર આપવા માટે આવી રહી છે. વિવોએ ગયા વર્ષે પહેલી વાર તેમની સ્માર્ટવૉચ લૉન્ચ કરી હતી. તેમણે હાલમાં જ સેકન્ડ જનરેશનને લૉન્ચ કરી છે જેને વૉચ 2 નામ આપવામાં આવ્યું છે. ઍપલ આઇવૉચ ફક્ત ઍપલમાં જ ચાલે છે, પરંતુ એમાં જેવાં ફીચર્સ છે એવાં ફીચર્સની ઍન્ડ્રૉઇડ વૉચ માર્કેટમાં આવી રહી છે. એ પણ બજેટ ફ્રેન્ડલી ભાવમાં. 
ઈ-સિમ અને બૅટરી લાઇફ | વિવો વૉચ 2માં હવે ઈ-સિમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વૉચમાં પણ હવે સેલ્યુલરનો ઉપયોગ કરી શકાશે. અત્યાર સુધી વૉચમાં કૉલનાં નોટિફિકેશન આવતાં હતાં. જોકે હવે એના દ્વારા કૉલ ઉઠાવી પણ શકાશે અને કરી પણ શકાશે. આ વૉચની બૅટરી લાઇફ ખૂબ જ પાવરફુલ અને સાત દિવસ સુધી ચાલવા માટે સક્ષમ છે. જો ઈ-સિમ બંધ કરી દેવામાં આવે તો આ વૉચ ૧૪ દિવસ સુધી પણ ચાલી શકે છે. જોકે એ કેટલા દિવસ સાલે એ યુઝર્સના ઉપયોગ પર પણ આધાર રાખે છે.
ડિઝાઇન | આ વૉચને 50ATM વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ બનાવવામાં આવ્યું છે જેથી એને સ્વિમિંગ દરમ્યાન પણ પહેરી શકાય છે. તેમ જ એમાં બેઝલ-લેસ ડિસ્પ્લે ડિઝાઇન છે, જેમાં સ્ટેનલેસ સ્ટીલની બૉડી અને રબર સ્ટ્રૅપ છે. આ રબર સ્ટ્રૅપ ફ્લેક્સિબલ અને ડ્યુરેબલ છે. તેમ જ એમાં જૅપનીઝ શેપના બકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી પરસેવો પણ ખૂબ જ ઓછો થાય અને એને પહેરવાનો ડર પણ ઓછો રહે. આ સાથે જ નેપ્પા લેધર સ્ટ્રૅપનો પણ બીજો ઑપ્શન આપવામાં આવ્યો છે. આ લેધર એકદમ સૉફ્ટ હોવા છતાં ઘણું ડ્યુરેબલ હોય છે. ઘણી લક્ઝરી કારમાં આ લેધરનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેધરની મદદથી હાથમાં મૉઇશ્ચર પણ વધુ નથી થતું એથી પરસેવો પણ ખૂબ જ ઓછો થાય છે. જોકે લેધર બેલ્ટની પ્રાઇસ રબર બેલ્ટ કરતાં વધુ રાખવામાં આવી છે.

અન્ય ફીચર્સમાં શું?

ચીનમાં લૉન્ચ કરવામાં આવેલી આ વૉચ-ટૂમાં એફએમ રેડિયો અને ક્લાઉડ મ્યુઝિકની પણ સુવિધા આપવામાં આવી છે. આથી મોબાઇલ સાથે વૉચ કનેક્ટ ન હોય એમ છતાં મ્યુઝિકની મજા માણી શકાય છે. આ સાથે જ એમાં ઘણા સ્પોર્ટ્સ મોડ્સ પણ આપવામાં આવ્યા છે. વિવો વૉચ-ટૂમાં ઇમર્જન્સી કૉલ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોબાઇલ સાથે કનેક્ટ ન હોવા છતાં ઇમર્જન્સી સમયે ફાયર-બ્રિગ્રેડ, પૅરામેડિક્સ અથવા તો પોલીસને ફોન કરી શકાય છે. અન્ય સ્માર્ટવૉચમાં ઊંઘને મૉનિટર કરવા માટે ઍક્સિલરેશન સેન્સરનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ આ વૉચમાં કાર્ડિયોપલ્મનરી કપલ્ડ સ્લીપ ઍનૅલિસિસ ટેક્નૉલૉજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજી વધુ ઍક્યુરેટ છે જે કેટલા સમય માટે ઊંઘ લીધી હતી એ નક્કી કરે છે અને એમાં બપોરે નૅપ લો તો પણ એનો સમાવેશ કરે છે. આ સાથે જ બ્લડ ઑક્સિજન મૉનિટરિંગ અને આખો દિવસ હાર્ટ-રેટને પણ મૉનિટર કરે છે. જો યુઝર્સે વૉચને એના મોબાઇલ સાથે કનેક્ટ કરી હોય તો આ તમામ ડેટા ઑટોમૅટિકલી સિન્ક્રોનાઇઝ થાય છે. આ સાથે જ સ્ટ્રેસ મૉનિટરિંગ, બ્લડ વાઇટાલિટી વૅલ્યુઝ અને પાણી પીવા માટેનું રિમાઇન્ડર જેવાં પણ ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કિંમત

આ વૉચ 2ની કિંમત ઇન્ડિયામાં ૨૦,૦૦૦ રૂપિયાની આસપાસથી શરૂ થવાની શક્યતા છે. રબર અને લેધર સ્ટ્રૅપની કિંમતમાં ફેરફાર જોવા મળશે. આ વૉચનું હાલમાં ચીનમાં પ્રી-બુકિંગ ચાલુ થઈ ગયું છે. ચીનની સાથે ઇન્ડિયામાં પણ લૉન્ચ કરવામાં આવે એના ચાન્સ ખૂબ જ ઓછા છે. આથી ઇન્ડિયન કસ્ટમરે એ માટે રાહ જોવી રહી. આ વૉચ બ્લેક, વાઇટ અને સિલ્વર ફ્રેમમાં ઉપલબ્ધ છે.

harsh desai technology news tech news