બે કૅમેરાવાળી સ્માર્ટવૉચ બનાવી રહ્યું છે ફેસબુક

11 June, 2021 02:13 PM IST  |  Mumbai | Harsh Desai

તેની બૅકના કૅમેરાને વૉચની બૉડીમાંથી અલગ કરીને ફોટોગ્રાફી કરી શકાશે. હાર્ટરેટ મૉનિટરનો પણ સમાવેશ છે અને ફોન સાથે કનેક્ટ કરવાની જરૂર નથી અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકાશે: વાઇટ, બ્લૅક અને ગોલ્ડન એમ ત્રણ રંગમાં આ વૉચ આવશે

પ્રતીકાત્મક તસવીર

ફેસબુક હવે ઍપલ અને ગૂગલની જેમ સ્માર્ટવૉચ પર કામ કરી રહ્યું છે. ઍપલવૉચનો માર્કેટમાં દબદબો છે ત્યારે ગૂગલ પણ પિક્સેલવૉચ લઈને માર્કેટમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ સાથે જ ફેસબુક પણ એમને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે. ફેસબુકે એના કૅમેરામાં બે કૅમેરા અને હાર્ટરેટ મૉનિટરનો સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. જોકે ફેસબુકે હજી સુધી એની ઑફિશ્યલ જાહેરાત નથી કરી અને આ વાતની પુષ્ટિ પણ નથી કરી.

શું હશે આ વૉચમાં?  |  આ વૉચમાં ફેસબુક બે કૅમેરાનો સમાવેશ કરવાનું વિચારી રહ્યું છે. એક કૅમેરા ફ્રન્ટમાં હશે જે વિડિયો કૉલિંગ માટે કામ આવશે અને બીજો કૅમેરા બૅકસાઇડ હશે. આ બીજા કૅમેરાને ડિટેચેબલ બનાવવાનું પ્લાનિંગ છે એટલે કે એ કૅમેરાને ફોટોગ્રાફી સમયે વૉચની બૉડીમાંથી અલગ કરી શકાશે તેમ જ આ કૅમેરાનો ઉપયોગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી ઑપ્લિકેશન પર લાઇવ થવા અથવા તો ફોટો અને વિડિયો શૅર કરવા પણ કરી શકાશે. આ સાથે તેઓ વૉચમાં હાર્ટરેટ મૉનિટરનો સમાવેશ કરી રહ્યા છે, જેથી યુઝર્સ તેમની હેલ્થની પણ તકેદારી રાખી શકે.

ઍપલ અને ગૂગલ સાથે ટક્કર  |  ઍપલ અને ગૂગલ હવે એમના યુઝર્સની પ્રાઇવસી પર ખૂબ જ કન્ટ્રોલ રાખી રહ્યાં છે. ઍપલ અને ગૂગલની પૉલિસીના કારણે ફેસબુક હવે વધુ લોકો સુધી નથી પહોંચી રહ્યું. એમના ડેટા હવે ફેસબુકને નથી મળી રહ્યા. આ કારણસર ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે એમની સાથે સીધી ટક્કર લેવા માટે ડિવાઇસ બનાવવાનું નક્કી કર્યું છે જેથી વધુ યુઝર્સ સુધી તેઓ સીધા પહોંચી શકે. યુઝર્સ જે રીતે મોબાઇલનો ઉપયોગ કરે છે એ જ રીતે ઇન્ડિપેન્ડન્ટ રીતે વૉચનો પણ ઉપયોગ કરે એના પર ફેસબુક ફોકસ કરી રહ્યું છે. અત્યાર સુધી ઍપલ વૉચને કનેક્ટ કરવા માટે આઇફોન હોવો જરૂરી છે તેમ જ ગૂગલવૉચ માટે પણ ફોનને કનેક્ટ કરવામાં આવશે તો તમામ ફંક્શનનો ઉપયોગ કરી શકાશે. જોકે ફેસબુક વૉચ માટે આ રીતે કોઈ પણ પ્રકારનું કનેક્શન જરૂરી નથી. ટૂંકમાં, આ વૉચ સોશ્યલ મીડિયાના ઉપયોગ માટે બનાવવામાં આવી રહી હોય એવું લાગે છે.

પ્રાઇવસી બનશે અવરોધ?  |  ઍપલ અને ફેસબુક વચ્ચે પહેલેથી જ મતભેદ ચાલી રહ્યા છે. ઍપલે પોતાના આઇફોનની ઑપરેટિંગ સિસ્ટમને પ્રાઇવસી માટે મહત્ત્વ આપ્યું છે. હવે ફેસબુક ફક્ત યુઝર્સના લિમિટેડ ડેટા કલેક્ટ કરી શકે છે. આ કન્ટ્રોલને આઇફોને યુઝર્સના હાથમાં આપ્યો છે જેથી ફેસબુકે ડેટા કલેક્ટ કરવા કે નહીં એ તેઓ જાતે નક્કી કરે. બીજી તરફ ફેસબુક હાલમાં જ ડેટા લીકને લઈને ચર્ચામાં આવ્યું હતું. આથી ફેસબુક જ્યારે પોતાની વૉચ બનાવશે ત્યારે એને કોઈ પ્રકારનો અવરોધ નહીં રહે અને તેઓ તેમની ઇચ્છા મુજબ યુઝર્સના ડેટા કલેક્ટ કરશે. આથી યુઝર્સ માટે ડેટા પ્રાઇવસીનો પ્રશ્ન ઊભો રહેશે અને એ ફેસબુક વૉચના વેચાણ માટે અવરોધ બની શકે છે.

ફોન વગર ઇન્ટરનેટ કનેક્શન  |  ફેસબુક હાલમાં અમેરિકાની એક કંપની સાથે ઇન્ટરનેટના કનેક્શન વિશે ચર્ચા કરી રહ્યું છે. આ વૉચ માટે ફોન કનેક્ટ કરવો જરૂરી નથી માટે તે હવે ઈ-સિમ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે જે ઍપલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ટેક્નૉલૉજીની મદદથી યુઝર્સ તેમની વૉચમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

29000 - આવતા વર્ષની શરૂઆતમાં માર્કેટમાં આવનારી આ સ્માર્ટવૉચની કિંમત આટલા રૂપિયા રહેશે

ફેસબુકનો હાર્ડવેર પ્રૉબ્લેમ?

ફેસબુકે અત્યાર સુધી જ્યારે પણ હાર્ડવેરમાં ઝંપલાવ્યુ છે એ ફ્લૉપ જ રહ્યું છે. ૨૦૧૩માં એનો એચટીસી સાથેનો ફોન પણ ફ્લૉપ રહ્યો હતો. ફેસબુકે ઓકુલુસ વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ બનાવતી કંપની પણ ખરીદી લીધી હતી. જોકે આ હેડસેટનું વેચાણ કેટલું થયું એ વિશે એમના દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી. ફેસબુક આ વૉચ પાછળ ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યું છે અને તેઓ ૨૦૨૨માં તેમની પહેલી વૉચ રિલીઝ કરવાના પ્લાનિંગમાં છે, પરંતુ શું તેમને એવા હાર્ડવેર મળી રહેશે?

columnists harsh desai