જ્યારે સૌથી બેહુદી ભાષા કઇ એવા સવાલના જવાબમાં ગૂગલે આ જવાબ આપ્યો ત્યારે થઇ મુશ્કેલી

04 June, 2021 11:41 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

ગૂગલ સર્ચ પર અતરંગી સવાલો કરનારા કોઇએ પૂછી માર્યું કે ભારતની કઇ ભાષા સૌથી કુરુપ છે - અગ્લિએસ્ટ છે ત્યારે તેના જવાબમાં કન્નડ ભાષા એવું રિઝલ્ટ આવ્યું અને કર્ણાટકમાં બબાલ થઇ ગઇ

પ્રતીકાત્મક તસવીર

આપણા દેશના ભાષા વૈભવની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે અને દરેક ભારતીયને આ વિવિધતાનો ગર્વ છે. આવામાં ગૂગલ સર્ચ પર અતરંગી સવાલો કરનારા કોઇએ પૂછી માર્યું કે ભારતની કઇ ભાષા સૌથી કુરુપ છે - અગ્લિએસ્ટ છે ત્યારે તેના જવાબમાં કન્નડ ભાષા એવું રિઝલ્ટ આવ્યું અને કર્ણાટકમાં બબાલ થઇ ગઇ. લોકો સોશિયલ મીડિયા પર એના વિશે ચર્ચા કરવા લાગ્યા હતા. આ વાત એટલી વધી કે રાજ્ય સરકારે ગૂગલને કાયદાકીય નોટિસ ફટકારી દેવાશે એવી ચીમકી પણ આપવી પડી. સૌથી ખરાબ ભાષા તરીકે કન્નડ ભાષાનું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી  તમામ રાજકીય નેતાઓએ આ મામલે ગૂગલની નિંદા કરી. કર્ણાટકના કન્નડ, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું હતું કે ગૂગલને આવો જવાબ આપવા અંગે કાયદાકીય નોટિસ મોકલવામાં આવશે. જોકે એ પછી મંત્રીએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને ગૂગલને કન્નડિગા લોકોની માફી માગવા કહ્યું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘કન્નડ ભાષાનો પોતાનો ઈતિહાસ છે અને આ ભાષા લગભગ 2500 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી હતી. આ ભાષા સદીઓથી કન્ન઼ડિગા લોકો માટે ગર્વની બાબત રહી છે. 

લિંબાવલીએ ટ્વીટમાં લખ્યું કે, ‘કન્નડ ભાષાને ખરાબ દર્શાવીને કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો આ ગૂગલનો પ્રયાસ છે. હું ગૂગલને કન્નડ અને કન્નડિગાની તાત્કાલિક માફી માગવા  કહું છું. અમારી સુંદર ભાષાની છબિ ખરડવા માટે ગૂગલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’  

ગૂગલના એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘સર્ચ હંમેશાં પરફેક્ટ નથી હોતી અને ઘણીવર જે માહિતી વિશે પુછાય તેના પરિણામો નવાઇ પમાડે તેવા હોઇ શકે છે. અમે જાણીએ છીએ કે આ બરાબર નથી પણ જ્યારે અમને આવા કોઇપણ ગ્લિચ વિશે જાણ થાય છે અમે તરત જ તેને લગતો સુધારો કરી દઇએ છીએ.  અમે અમારા અલ્ગોરિધમને પણ સતત સુધારીએ છીએ. સ્વાભાવિક રીતે એમાં ગૂગલનું પોતાનું કોઈ મંતવ્ય સામેલ હોતું નથી. અમે આ ગેરસમજ માટે અને કોઈની પણ લાગણી દુભાઈ હોય તો એ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.’

પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ટ્વીટ કરીને ગુગલની નિંદા કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ગૂગલ ભાષાની બાબતમાં "બેજવાબદારીથી" વર્તે છે.

બેંગ્લોર સેન્ટ્રલના ભાજપના સાંસદ પી.સી.મોહન સહિત અન્ય નેતાઓએ પણ ગૂગલની નિંદા કરી અને માફી માંગવાનું કહ્યું.

google tech news karnataka