સાઇબર ઇન્શ્યૉરન્સનું માર્કેટ ધમધમી રહ્યું છે

09 November, 2025 12:11 PM IST  |  Mumbai | Aashutosh Desai

લાઇફ ઇન્શ્યૉરન્સ, હેલ્થ ઇન્શ્યૉરન્સ, હોમ ઇન્શ્યૉરન્સ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્શ્યૉરન્સ, વેડિંગ ઇન્શ્યૉરન્સ, સ્કિલ ઇન્શ્યૉરન્સ જૂનાં થઈ ગયાં

પ્રતિકાત્મક તસવીર

સાઇબર-ફ્રૉડ કે સાઇબર-સ્કૅમ દ્વારા થનારા સંભવિત નુકસાન સામે જે પૉલિસી-કવર આપે એને સાઇબર ઇન્શ્યૉરન્સ કહેવામાં આવે છે. આ વીમો ડેટાની સંવેદનશીલતાના આધારે એ ચોરી કે હૅક થઈ જવાથી સંભવિત આર્થિક નુકસાન સામે, કાયદાકીય ખર્ચ સામે અને સંભવિત પેનલ્ટી સામે પણ રક્ષણ આપનારું ટૂલ છે. ૨૦૨૫ના અંત સુધીમાં આ બજાર ૧૪૬૬ હજાર અબજ રૂપિયાનું થઈ રહ્યું છે ત્યારે જાણીએ આ નવા વીમાની દુનિયાનું જાણવા જેવું

એક સમય હતો જ્યારે વડીલો કહેતા કે જિંદગીનો કોઈ ભરોસો નથી ભઈલા એટલે વીમો તો લઈ જ લેવાનો. ત્યાર પછી સમય બદલાયો અને સમજદાર કહેવા માંડ્યા કે સ્વાસ્થ્ય અને જિંદગીનો કોઈ ભરોસો નથી એટલે મેડિક્લેમ અને લાઇફ ઇન્શ્યૉરન્સ તો લઈ જ લેવાનો ભઈલા અને હવે સમય ફરી એક વાર પડખું ફેરવી રહ્યો છે. નવી સલાહ કંઈક એવી છે કે ડેટા-પ્રાઇવસી, સ્વાસ્થ્ય અને જિંદગીનો કોઈ ભરોસો નથી એટલે સાઇબર ઇન્શ્યૉરન્સ, મેડિક્લેમ અને લાઇફ ઇન્શ્યૉરન્સ તો લઈ જ લેવાના ભઈલા!
સમયે હવે ખરેખર જ પડખું કંઈક એવું ફેરવ્યું છે કે ઇન્ટરનેટના આ જમાનામાં આપણે આપણા જેટલા અવતારો ઘરવાળાને પણ નથી દેખાડતા એટલા સોશ્યલ મીડિયા દ્વારા લોકોને દેખાડીએ છીએ. એટલું જ નહીં, ઍરપોર્ટથી લઈને ટ્રાવેલ હિસ્ટરી સુધીની રજેરજની વિગતોનો પણ આપણે બિન્દાસ સોશ્યલ મીડિયા પર ઘા કરતા હોઈએ છીએ. આવા બધા દેખાડામાં આપણે એક બાબત વિશે ક્યારેય ગંભીરતાથી વિચારતા જ નથી કે મારી પોસ્ટ્સ કે મારી વિગતો આ વિશ્વમાં કેટલા લોકો જોતા હશે અને કેટલા લોકો એનો કઈ રીતે ફાયદો કે ગેરફાયદો ઉઠાવતા હશે.
આ એક સૌથી મોટું કારણ છે આજકાલના ગુનાઓ, ષડયંત્રો અને ચોરી-ચકારીનું. ના-ના, તમે વિચારો છો એ નહીં. આપણે અહીં વાત કરી રહ્યા છીએ ડિજિટલ ગુનાઓ, ડિજિટલ ષડયંત્રો અને ચોરી-ચકારીની. આપણે ક્યારેય સાંભળ્યા, જોયા કે જાણ્યા પણ નહીં હોય એવા-એવા ભેજાબાજોનાં એવાં-એવાં કારનામાં છાશવારે થતાં રહે છે. દર વખતે કોઈ નવી મોડસ ઑપરેન્ડી. ક્યારેક OTP સ્કૅમ તો ક્યારેક અનનોન લિન્ક, ક્યારેક ડિજિટલ અરેસ્ટ તો ક્યારેક પાર્સલ આવ્યું છે ના કૉલ્સ, ક્યારેક અંગતથી અતિ અંગત ફોટોગ્રાફ્સ અને વિડિયો દ્વારા બ્લૅકમેઇલ તો ક્યારેક હાઉસ અરેસ્ટ.
આ અને આવાં અનેક ઉદાહરણો જો વ્યક્તિગત ડિજિટલ અટૅકનાં હોય તો એ જ રીતે હવેના દિવસોમાં સંસ્થાઓ, વેપારીઓ, કંપનીઓ, ઑફિસો શું; સરકારી અને રેગ્યુલેટરી બૉડીઝ પણ સુરક્ષિત નથી. ક્યારેક ઑફિશ્યલ ડેટા લીકેજની ધમકી તો ક્યારેક ફાઇનૅન્શિયલ હૅકિંગ કે ચોરીની ધમકી. હવે તો વળી નવું શીખ્યા છે. કૉર્પોરેટ્સના ડેટા ચોરી કે હૅક કરી લઈને તેમની પાસે ખંડણીના પૈસા માગતાં પણ આ હૅકર્સ ગભરાતા નથી. આ તો થઈ દેખીતા ફ્રૉડ કે સ્કૅમ્સની વાત. આ જ રીતે તમારી જાણ બહાર પણ રોજેરોજ તમારા ડેટા સાથે અનેક પ્રકારનાં ફ્રૉડ અને સ્કૅમ્સ થતાં હોય છે જેની કદાચ સામાન્ય વ્યક્તિને જાણ પણ નથી. ખરું કહો તો આજે એક જીવિત વ્યક્તિની એટલી કિંમત નથી જેટલી તેના પર્સનલ ડેટાની છે.
ટૂંકમાં, હવે સમય કંઈક એવો આવ્યો છે કે ઇન્ટરનેટ યુગમાં શું, ક્યાં અને ક્યારે ક્લિક કરવાથી, કઈ રીતે સર્ફિંગ કરવાથી કે ડેટા અપલોડ કરવાથી તમે અને તમારા ડેટા સિક્યૉર્ડ રહેશે એ કહી શકાતું નથી. આથી જ સરકાર આ અંગે સતત સાવચેત અને સતર્ક રહેવાની જાહેરાતો કરતી રહેતી હોય છે. ઇન્ટરનેટ સ્કૅમ્સ-ઇન્ટરનેટ ફ્રૉડ કે બ્લૅક નેટ વર્લ્ડ હવે એટલું કાળું બની ચૂક્યું છે કે આપણે એનાથી પણ સિક્યૉર્ડ થવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. આ માટે હમણાં થોડાં વર્ષોથી સાઇબર ઇન્શ્યૉરન્સ જબરદસ્ત ચલણમાં છે.

કોણ લઈ શકે સાઇબર ઇન્શ્યૉરન્સ? 

કોઈ પણ સામાન્ય વ્યક્તિથી લઈને કંપનીઓ કે સંસ્થાઓ આ પ્રકારનો ઇન્શ્યૉરન્સ લઈ શકતી હોય છે. જેમ કે IT કંપનીઓ જે એવા બિઝનેસમાં છે જ્યાં તેમણે સતત ડેટાઝ સાથે જ કામ કરવાનું હોય છે. તો આવી IT કંપનીઓથી લઈને બૅન્ક્સ, હૉસ્પિટલો, કૉલેજો, સ્કૂલો, સ્ટાર્ટઅપ્સ, ઈ-કૉમર્સ કંપનીઓ જેવી કોઈ પણ જે આર્થિક કે અંગત ડેટાઓ પર કામ કરતી હોય તે વ્યક્તિ કે કંપની આ ઇન્શ્યૉરન્સ લઈ શકે.

ડિજિટલ ડિવાઇસિસ અને ડેટા સેન્ટર 

આપણે બધા જ એક યા બીજી રીતે આજના ડિજિટલ યુગ સાથે એટલા ઓતપ્રોત થઈ ગયા છીએ કે એક વર્ષના નાના બાળકથી લઈને ૯૯ વર્ષના વૃદ્ધ સુધીના બધા જ મોબાઇલ નામના વળગણને સાથે લટકાવી ફર્યા કરે છે. જેને ડિજિટલ ડિવાઇસિસ કહેવાય એવા મોબાઇલ ફોન્સ, લૅપટૉપ, ડેસ્કટૉપ, ટૅબ્લેટ જેવાં યંત્રોમાં આપણે અનેક અંગત તથા વ્યાપાર કે નોકરી-ધંધામાં ઉપયોગી એવી માહિતીઓ અને દસ્તાવેજોનો સંગ્રહ કર્યો હોય છે. પ્રોફેશનલ ઑફિસિસ એના ડેટા, ફાઇલ્સ, ફૉર્મ્યુલાઝ, ક્લાયન્ટ્સ લિસ્ટ્સ, આર્થિક હિસાબ-કિતાબ, ટ્રેડ લાઇસન્સ, ટ્રેડ સીક્રેટ્સ, પૉલિસીઝથી લઈને રેસિપીઝ, સ્ટ્રૅટેજિસ, નફા-નુકસાન, ટ્રેડ્સ જેવી અનેક માહિતીઓ રાખે છે તો બીજી તરફ આપણા જેવા સામાન્ય જન અંગત ફોટોગ્રાફ્સથી શરૂ કરીને વિડિયોઝ, પર્સનલ ડૉક્યુમેન્ટ્સ (આધાર, પાસપોર્ટ, પૅન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે), સોશ્યલ મીડિયા, બૅન્ક અકાઉન્ટ્સ કે બૅન્કિંગ ઍપ્લિકેશન્સ જેવી અનેક અંગત બાબતો રાખે છે. હવે આપણે જે ડિવાઇસિસમાં આ બધા ડેટા સ્ટોર કરીએ છીએ એને ટેક્નિકલ ભાષામાં કહે છે ડેટા સેન્ટર્સ! અને હૅકર્સ કે ફ્રૉડ્યુલન્ટ ઍક્ટિવિટી કરનારાના પ્રયત્ન હોય છે કે તે સીધો તમારા ડેટા સેન્ટર્સ પર જ અટૅક કરે જેથી તમે તેમની મજબૂત પકડમાં પકડાઈ જાઓ.

અનિશ્ચિતતા સામે સુરક્ષિતતા

આપણે જાણીએ છીએ કે ઇન્શ્યૉરન્સ અનેક પ્રકારના હોય છે : હોમ ઇન્શ્યૉરન્સ, લાઇફ ઇન્શ્યૉરન્સ, વ્હીકલ ઇન્શ્યૉરન્સ, ગોલ્ડ ઇન્શ્યૉરન્સ, લોન ઇન્શ્યૉરન્સ. ટૂંકમાં, જે-જે ચીજવસ્તુઓ આપણને જિંદગીમાં મૂલ્યવાન લાગતી હોય એને સિક્યૉર્ડ કરવા માટે આજે બજારમાં ઇન્શ્યૉરન્સ નામની પ્રોડક્ટ હાજર છે. એ જ રીતે આજના આ ડિજિટલ યુગ તરીકે ઓળખાતા સમયમાં આપણો ડેટા પણ અત્યંત મૂલ્યવાન છે. અંગત વ્યક્તિની વાત કરીએ તો આપણામાંથી કોઈનેય ખબર નથી કે આપણું ડિવાઇસ કે ડેટા સેન્ટર હમણાં આ ઘડીએ સુરક્ષિત છે કે નહીં. એ જ રીતે કૉર્પોરેટ્સ કે ઑફિસિસને પણ રોજિંદા કામ દરમ્યાન ખબર નથી હોતી કે તેમના ડેટા હાલમાં ખરેખર સુરક્ષિત છે કે નહીં. તેથી વિશ્વના અનેક દેશોમાં એક ઇન્શ્યૉરન્સની બોલબાલા ખૂબ ઝડપથી વધી રહી છે અને એ છે સાઇબર સિક્યૉરિટી ઇન્શ્યૉરન્સ.  
હવે ખરેખર તો કાયદો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો અંગત ડેટા કોઈ વ્યક્તિ કે કંપની પોતાના લાભ માટે કે ઉપયોગ માટે વાપરી શકે નહીં, પરંતુ ફ્રૉડ્યુલન્ટ ઍક્ટિવિટી કરનારા કે સ્કૅમર્સને કાયદો શું કહે છે એથી કોઈ ફરક પડતો નથી.

ડેટા ક્યા બોલતા હૈ 

વિશ્વકક્ષાએ વાત કરીએ તો સાઇબર ઇન્શ્યૉરન્સ વિશે જ નહીં, એના પૉલિસીહોલ્ડર્સ વિશે જાણવું પણ રસપ્રદ છે. આજે વિશ્વકક્ષાએ એવા-એવા સાઇબર ઇન્શ્યૉરન્સહોલ્ડર્સ છે જેમણે ૧૦૦ મિલ્યન ડૉલરના કવરેજ કરતાં પણ વધુ રકમનો સાઇબર ઇન્શ્યૉરન્સ લીધો છે! વિશ્વમાં સૌથી મોટી સાઇબર ઇન્શ્યૉરન્સ તરીકે એક કંપનીનું નામ આવે છે - ચબ (Chubb) કૉર્પોરેશન. ૨૦૧૬માં ACE લિમિટેડ દ્વારા ચબ કૉર્પોરેશનને હસ્તગત કરવામાં આવી અને ત્યારથી વિશ્વની સૌથી મોટી સાઇબર ઇન્શ્યૉરન્સ પ્રોવાઇડર તરીકે ચબનું નામ મોખરાના સ્થાને છે.
જ્યારે ભારતની વાત આવે ત્યારે HDFC Argo સૌથી મોટી સાઇબર ઇન્શ્યૉરન્સ પ્રોવાઇડર છે. એ જ રીતે જો ભારતમાં સૌથી મોટી સાઇબર ઇન્શ્યૉરન્સ પૉલિસી લેનાર કંપની કઈ છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તો HDFC બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ હમણાં સુધીમાં સૌથી મોટી ૧૦૦ મિલ્યન ડૉલર જેટલી અર્થાત્ અંદાજે ૮૮૦ કરોડ રૂપિયાની સાઇબર ઇન્શ્યૉરન્સ પૉલિસી લીધી છે!

આ તો થઈ વિશ્વની વાતો, પણ ભારતમાં શું?

ભારતમાં પણ આ બજાર આજકાલ ધમધમતું બજાર ગણાવાય છે. ૨૦૨૪માં એકલા ભારતમાં જ ૫૮૨.૨ મિલ્યન ડૉલર જેટલી પ્રીમિયમ વૅલ્યુના સાઇબર ઇન્શ્યૉરન્સ લેવાયા હતા અને હવે અંદાજો એવું કહી રહ્યા છે કે ૨૦૩૩ સુધીમાં સાઇબર ઇન્શ્યૉરન્સનું આ બજાર ૬૯૦૭.૮ મિલ્યન ડૉલરનું થઈ જશે. અભ્યાસ કંઈક એવું કહી રહ્યા છે કે ૨૦૨૫થી ૨૦૩૩ના સમયગાળા દરમ્યાન ભારતમાં ૨૯.૨૬ ટકાના દરે ગ્રોથ નોંધાશે. ભારતમાં સાઇબર સિક્યૉરિટી અંગે કાયદો તો છેક ૨૦૦૦ની સાલથી અમલમાં છે, જેને આપણે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ ૨૦૦૦ તરીકે જાણીએ છીએ, પરંતુ ૨૦૦૮, ૨૦૧૩ અને ત્યાર બાદ ૨૦૨૩માં એમાં અમેન્ડમેન્ટ્સ દ્વારા સુધારા કરીને હવે કાયદાને વધુ સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યો છે. છતાં આજે ડિજિટલ અરેસ્ટથી લઈને કંપનીઓના ડેટા લીક થવાની કે ચોરાયા હોવાની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે લોકોને સાઇબર ઇન્શ્યૉરન્સ એક આગોતરી સુરક્ષાનું માતબર હથિયાર જણાઈ રહ્યું છે.z

ડેટા વર્તમાન સમયનો નવો બિઝનેસ 

અનેક વ્યક્તિઓના અનેક ડેટા આજકાલ વિશ્વભરમાં એક ખૂબ મોટું માર્કેટ બની ગયું છે. ડેટાની આપ-લે હવે મોટો બિઝનેસ બની ચૂક્યો છે. એક તરફ તમારો મોબાઇલ ઑપરેટર તમારી વિગત કોઈ ટેલી માર્કેટિંગ કંપનીને વેચતો હશે તો બીજી તરફ તમે જ્યાંથી ખરીદી કરો છો એ ઈ-કૉમર્સ કંપની તમારી ખરીદીની વિગતોથી લઈને તમારા શોખ અને સર્ફિંગની વિગતો કોઈ બીજી કંપનીને વેચતી હશે. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આપણા સ્માર્ટફોનમાં કોઈ વસ્તુ કે વિગત અંગે સર્ચ કરીએ અને બીજી જ મિનિટથી આપણા દરેક સોશ્યલ મીડિયા, ગેમ્સ કે ઇન્ટરનેટ સર્ફિંગમાં એને લગતી જાહેરાતો કે પ્રોડક્ટ્સ શા માટે આવવા માંડે છે? એટલું જ નહીં, આ ઇન્ડસ્ટ્રીના જાણકારો તો ત્યાં સુધી કહે છે કે તમારા ગજવામાં કે બાજુમાં પડેલા મોબાઇલ મારફત તમે શું વાત કરી રહ્યા છો અને શું કરી રહ્યા છો એની પણ પૂરેપૂરી જાણકારી રખાતી હોય છે.  
આવું શાથી બને છે? કારણ કે તમારા પેલા સર્ચનો ડેટા ક્યાંક સ્ટોર થતો હોય છે અને ત્યાર બાદ તરત જ એ ડેટા અનેક પાર્ટીઓને વેચવામાં આવતો હોય છે. આ જટિલ બાબતને એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે ફોન પર અમસ્તા જ સર્ફિંગ દરમ્યાન બેસ્ટ ઍરકન્ડિશનર સર્ચ કર્યું હોય અને બીજી જ મિનિટે તમારા ફેસબુક અકાઉન્ટ સ્ક્રોલિંગ દરમ્યાન, ઇન્સ્ટાગ્રામ પર, ગેમ્સમાં વચ્ચે આવતી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સમાં, ગૂગલ સર્ફિંગમાં કે યુટ્યુબ પર સુધ્ધાં ધડાધડ એક પછી એક ઍરકન્ડિશનરની જાહેરાતો અથવા વિડિયો આવવા માંડશે. આ કઈ રીતે? તો તમારા પેલા સર્ચનો ડેટા ગૂગલ કે સર્ચ એન્જિનના પ્લૅટફૉર્મ પર સેવ થઈને તરત ઍરકન્ડિશનરની કંપનીઓને, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને અને ઍમૅઝૉન, ફ્લિપકાર્ટ જેવાં ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સને પહોંચી જતો હોય છે અને એ લોકો તરત તમને પોતાનો ગ્રાહક બનાવી લેવા માટે પડાપડી શરૂ કરી દેતા હોય છે. આ તો વાત થઈ કેટલાક અંશે બિનહાનિકારક ડેટા શૅરિંગની, પરંતુ એવા ડેટાનું શું જે તમારા અંગત છે અથવા પ્રોફેશનલ કે કૉન્ફિડેન્શિયલ છે?

સાઇબર ક્રાઇમ અને સાઇબર ફ્રૉડ 

કાયદાની દૃષ્ટિએ આ પ્રકારના ડેટા મેળવવા કે એનો ઉપયોગ કરવો એ ગુનો છે. કોઈ પણ વ્યક્તિના અંગત, પ્રોફેશનલ કે કૉન્ફિડેન્શિયલ ડેટા તેની પરવાનગી વિના મેળવવા, વાપરવા, વહેંચવા કે વેચવા ગુનાપાત્ર છે. જોકે કાયદો કેટલો અસરકારક છે અને એની છટકબારીઓ કેટલી શોધી લેવામાં આવે છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આજકાલ બે ચીજો આપણે અવારનવાર સાંભળીએ છીએ : સાઇબર ફ્રૉડ અને સાઇબર ક્રાઇમ. 
અનેક વાર ન્યુઝપેપર્સમાં કે ન્યુઝ-ચૅનલ્સ પર વાંચીએ, જોઈએ, સાંભળીએ છીએ કે કોઈ કંપનીના ડેટા લીક થયા અથવા ચોરી લેવામાં આવ્યા કે હૅક કરી લેવામાં આવ્યા વગેરે... વગેરે... ધારો કે આપણા ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના સૉફ્ટવેર કે ડેટા કોઈક કંપની કે કોઈ બીજા દેશ કે કોઈ ગ્રુપ ઑફ પીપલ દ્વારા હૅક કરી લેવામાં આવ્યા. ધારણા મૂકી શકો કે કેટલું મોટું નુકસાન આ કારણે સર્જાઈ શકે છે? એ જ રીતે કોઈ કંપનીનાં ટ્રેડ-સીક્રેટ્સ કેટલાક લોકો કે કોઈ વ્યક્તિ દ્વારા ચોરી લેવામાં આવે કે હૅક કરી લેવામાં આવે તો? આવી અત્યંત સંવેદનશીલ બાબતો અંગે તો શું નુકસાન થઈ શકે કે કેટલું થઈ શકે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આથી જ જ્યાં-જ્યાં નુકસાનની શક્યતા છે ત્યાં-ત્યાં ઇન્શ્યૉરન્સની શક્યતા છે. આથી સાઇબર ઇન્શ્યૉરન્સ હવે નવો ઇન્શ્યૉરન્સ હીરો તરીકે ઊભરી રહ્યો છે. એક એવી વસ્તુ જે આ રીતની ચોરી, હૅકિંગ, ફ્રૉડ કે સ્કૅમથી જે-તે વ્યક્તિ, સંસ્થા, કંપની કે ધંધાને સિક્યૉર્ડ બનાવે છે.

માર્કેટ ગરમ હૈ ભીડુ

જેમ-જેમ ડિજિટાઇઝેશન વધતું જાય છે તેમ-તેમ ફ્રૉડ અને સ્કૅમ્સ પણ વધતાં જાય છે અને જેમ-જેમ ફ્રૉડ-સ્કૅમ્સ વધતાં જાય છે તેમ-તેમ એ અંગેની જાગરૂકતા અને આગોતરી કાળજી પણ વધતી જાય છે. તમે માનશો નહીં પણ વૈશ્વિક સ્તરે હાલ સાઇબર ઇન્શ્યૉરન્સનું માર્કેટ જબરદસ્ત ગરમ છે. એક અંદાજ મુજબ ૨૦૨૫ના અંત સુધીમાં સાઇબર ઇન્શ્યૉરન્સ માર્કેટ ૧૬.૫૪ બિલ્યન ડૉલરનું માર્કેટ બની ગયું હશે. એટલું જ નહીં, આ અભ્યાસ કહે છે કે ઇન્શ્યૉરન્સનું આ માર્કેટ વાર્ષિક ૧૪.૨ ટકાથી લઈને ૨૪.૫ ટકાના દરે ગ્રો કરશે અને આવનારાં વર્ષોમાં એ ફૂલી-ફાલીને ૩૨.૧૯ બિલ્યન ડૉલર સુધી અને ૨૦૩૨ના વર્ષ સુધીમાં તો ૮૩.૬ બિલ્યન ડૉલરનું બજાર બની ગયું હશે. 
આ સર્વેનું કહેવું છે કે જે પ્રમાણે વિશ્વના અનેક દેશોની સરકાર અને પ્રોફેશનલ કંપનીઓ પર થતા સાઇબર અટૅક્સ અને એનું સૉફેસ્ટિકેશન વધતાં જાય છે એ સામે સંરક્ષણ તરીકે દેશની સરકારો પણ સજ્જડ અને કડક પગલાંઓ લેવા માંડી છે. એમાં GDPR અને CCPA જેવા રેગ્યુલેટર્સ અને લોકોમાં વધી રહેલી અવેરનેસ ખૂબ મોટો ભાગ ભજવે છે. 
GDPR અને CCPA એ ડેટા પ્રાઇવસી અંગેના કાયદા છે જે ગ્રાહકોને એટલે કે આપણા જેવા જનસામાન્યને પોતાના અંગત ડેટા સુરક્ષિત રાખવા અંગે વધુ પાવર અને વધુ કન્ટ્રોલ આપે છે. GDPR અર્થાત્ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન. આ કાયદો EUમાં અસ્તિત્વમાં છે એટલે કે યુરોપિયન યુનિયનના દેશોમાં જેના દ્વારા યુરોપના દેશના રહેવાસીઓને સુરક્ષા મળે છે. એ જ રીતે CCPA અર્થાત્ કૅલિફૉર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવસી ઍક્ટ. આ અમેરિકાનો કાયદો છે. 

સાઇબર ઇન્શ્યૉરન્સ 

સાવ ટૂંકમાં અને સરળ ભાષામાં કહીએ તો સાઇબર ફ્રૉડ કે સાઇબર સ્કૅમ દ્વારા થનારા સંભવિત નુકસાન સામે જે પૉલિસી કવર આપે એને સાઇબર ઇન્શ્યૉરન્સ કહેવામાં આવે છે! આ ઇન્શ્યૉરન્સ ડેટાની સંવેદનશીલતાના આધારે એના ચોરી કે હૅક થઈ જવાથી સંભવિત આર્થિક નુકસાન સામે, કાયદાકીય ખર્ચ સામે અને સંભવિત પેનલ્ટીઝ સામે પણ રક્ષણ આપનારું ટૂલ છે એમ કહીએ તો ચાલે.
ક્યારેય કોઈ ઇન્શ્યૉરન્સનું મહત્ત્વ માત્ર આર્થિક નુકસાન ભરપાઈ કરી આપે એટલું જ નથી હોતું. ઇન્શ્યૉરન્સનો મૂળભૂત ગુણ કે આશય હોય છે સુરક્ષાની ધરપત અને આ સાઇબર ઇન્શ્યૉરન્સનું મૂળ મહત્ત્વ તો એનાં આર્થિક સિવાયનાં ફીચર્સ અથવા ટૂલ્સમાં છે. આવા વીમા ચોરાયેલા કે હૅક થયેલા ડેટા રિકવર કરી આપવાથી લઈને રીસ્ટોરેશન કરાવવા સુધીનું કવર આપતા હોય છે. આવા ઇન્શ્યૉરન્સ કોઈ સામાન્ય વ્યક્તિ કે કંપની કે ઑફિસ જ્યારે સાઇબર અટૅક કે ફ્રૉડનો શિકાર બને ત્યારે સૌથી પહેલાં તો એ ઘટનાનું ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે અને ડેટા ક્યાંથી અને કઈ રીતે લીક, હૅક કે ચોરી થયો એના મૂળ સુધી જઈ એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરે છે.
ધારો કે કોઈ એવા ડેટા ચોરી કે હૅક થયા છે જેના પર તમારો બિઝનેસ ચાલતો હોય તો એવા ડેટા ચોરી કે હૅક થવાને કારણે જેટલા દિવસ તમારો બિઝનેસ ઠપ થઈ ગયો હશે એટલા દિવસનું જે સંભવિત નુકસાન હશે એ પણ આ ઇન્શ્યૉરન્સ ભરી આપતા હોય છે. અચ્છા, ધારો કે તમારા ડેટા ચોરી કે હૅક થયાની ખબર પડતાં જ કોઈક ક્લાયન્ટ્સ કે કંપની કે રિલેટેડ પાર્ટીએ તમારા પર કોર્ટમાં કેસ દાખલ કરી દીધો તો આ ઇન્શ્યૉરન્સ એ કેસ લડવાનો ખર્ચ પણ ઇન્શ્યૉરન્સ કવર તરીકે આપે છે. ધારો કે કોઈ રેગ્યુલેટર બૉડી (SEBI, RBI, પોલીસ ડિપાર્ટમેન્ટ કે ઇન્કમ-ટૅક્સ, આધાર) જેવી બૉડીઝ માટે તમે ડેટા મૅનેજમેન્ટ કે ડેટાકીપિંગનું કામ કરતા હો અને એ કંપનીએ તમારા પર ડેટા ચોરી કે ફ્રૉડનો આરોપ મૂક્યો અને એને કારણે આર્થિક પેનલ્ટી લગાડી હશે તો એ અંગે પણ આ ઇન્શ્યૉરન્સમાં કવર તરીકે મળતું હોય છે. 
જમાનો જો સજાગ રહેવાનો છે તો જમાનો ગમે ત્યાંથી ધંધાની તક ઊભી કરી લેવાનો પણ છે. લાઇફ ઇન્શ્યૉરન્સ અને એની સાથેના અનેક બીજા ઇન્શ્યૉરન્સ હજી ઓછા હતા કે હવે સાઇબર ઇન્શ્યૉરન્સનું પણ બજાર ધમધમી રહ્યું છે. લોકો માટે સુરક્ષિત રહેવું પણ એટલું જ મહત્ત્વનું છેને. આ વાત વિશ્વનો ઇન્શ્યૉરન્સ બિઝનેસ બહુ સારી રીતે જાણે છે. આથી જ મોંઘું પ્રીમિયમ હોય કે સસ્તું, પણ ઇન્શ્યૉરન્સ એના ગ્રાહકોને અને ગ્રાહકો તેમને જરૂરી ઇન્શ્યૉરન્સને ગમે ત્યાંથી શોધી જ લેતા હોય છે.

cyber crime Crime News health insurance life insurance columnists