કેવી રીતે ઈ-મેઇલ ઍડ્રેસ ચેન્જ કરવું?

01 October, 2021 04:00 PM IST  |  Mumbai | Harsh Desai

જૂની મેઇલને ઇમ્પોર્ટ કરવા અને ફૉર્વર્ડ કરવા સાથે લોકોને નવા ઈ-મેઇલ ઍડ્રેસ વિશે કેવી રીતે જણાવવું એ વિશે જાણો

પ્રતીકાત્મક તસવીર

ઈ-મેઇલ ઍડ્રેસ આજે યુઝર્સની એક ડિજિટલ ઓળખ જેવું બની ગયું છે. એના વગર મોટા ભાગનાં કામ શક્ય નથી. ઘણી વાર યુઝર્સ તેના ઈ-મેઇલ ઍડ્રેસને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં એને પાંચ વર્ષ પછી શરમ આવે એવું બનાવે છે. ઘણી વાર તેઓ પોતાના ફેવરિટ કૅરૅક્ટર અથવા તો ફેવરિટ ગેમ અથવા તો ફેવરિટ સેલિબ્રિટીના નામ પરથી ઈ-મેઇલ ઍડ્રેસ બનાવે છે. જોકે સમય જતાં એ તમારું મેઇન અકાઉન્ટ બની જાય છે અને અન્ય વ્યક્તિ સાથે એ શૅર કરવાની પણ શરમ આવે છે. ઘણા કેસમાં એવું થતું હોય છે કે સ્કૂલમાં અથવા તો ઑફિસમાંથી ઈ-મેઇલ ઍડ્રેસ આપવામાં આવ્યું હોય છે, જેનો ઉપયોગ યુઝર લાંબા સમય બાદ નથી કરી શકતો એટલે કે સ્કૂલ છોડ્યા બાદ અથવા તો ઑફિસ છોડ્યા બાદ નથી કરી શકતો. આ સમયે ઈ-મેઇલ ઍડ્રેસ ચેન્જ કરવું પડે છે. જોકે આ ઈ-મેઇલ ઍડ્રેસ ચેન્જ કેવી રીતે કરવું અને દરેક ઈ-મેઇલનું બૅકઅપ કેવી રીતે લેવું એ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ જોઈએ.

જૂના ઈ-મેઇલ ઍડ્રેસને કાર્યરત રાખવું | યુઝર્સ જ્યારે નવા ઈ-મેઇલ ઍડ્રેસમાં સ્વ‌િચ કરે ત્યારે જૂના ઈ-મેઇલ ઍડ્રેસને થોડા સમય માટે કાર્યરત રાખવું જરૂરી છે જેથી પ્રોસેસ સ્મૂધ થઈ રહી છે કે નહીં એની જાણ થઈ શકે. સ્કૂલ અથવા તો ઑફિસ છોડતી વખતે તમારું ઈ-મેઇલ ઍડ્રેસ કેટલા સમયમાં ડિઍક્ટિવેટ થશે એની માહિતી મેળવી લેવી, જેથી એ મુજબ યુઝર્સ પ્લાનિંગ કરી શકે. મોટા ભાગની કંપની યુઝર્સને ઈ-મેઇલ ઍક્સેસ નથી કરવા દેતી, પરંતુ તેઓ થોડા સમય માટે તેમની ઈ-મેઇલ્સને ફૉર્વર્ડ કરવાની સુવિધા આપે છે. આથી આ ચેક કરી લેવું.

નવું ઈ-મેઇલ ઍડ્રેસ બનાવવું | નવા ઈ-મેઇલ ઍડ્રેસ બનાવતી વખતે કંપની અથવા તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અથવા તો સ્કૂલ દ્વારા ઈ-મેઇલ આપવામાં આવે એ પસંદ ન કરવું. હંમેશાં એવું ઈ-મેઇલ ઍડ્રેસ પસંદ કરવું જે તમારી ઉંમર સાથે પણ સુસંગત રહે. આ માટે તમારા નામની સાથે તમારી અટકનો પહેલો આલ્ફાબેટ અથવા તો બર્થ-ડેટ અથવા તો બર્થ યરનો સમાવેશ કરવો.

ફૉર્વર્ડ ઈ-મેઇલ્સ | નવું ઈ-મેઇલ ઍડ્રેસ બનાવ્યા બાદ જૂના ઈ-મેઇલ ઍડ્રેસ પર આવતી તમામ ઈ-મેઇલને નવા પર ફૉર્વર્ડ કરવી. આ ઈ-મેઇલને ફૉર્વર્ડ કરતી વખતે બે ઑપ્શન આવે છે. પહેલા ઑપ્શનમાં જૂના ઈ-મેઇલ અકાઉન્ટમાં પણ ઈ-મેઇલ સ્ટોર થશે અને બીજા ઑપ્શનમાં જૂના ઈ-મેઇલ અકાઉન્ટમાંથી મેઇલ ફૉર્વર્ડ થયા બાદ ડિલીટ થઈ જશે. બીજો ઑપ્શન વધુ યોગ્ય છે, કારણ કે જૂના અકાઉન્ટમાં સ્ટોરેજ ફુલ થવાનો વારો નહીં આવે અને એને પણ યુઝર્સે છાશવારે ક્લીન ન કરવું પડે.

જીમેઇલમાં કેવી રીતે ફૉર્વર્ડ કરશો? | જીમેઇલમાં કૉર્નરમાં આવતા સેટિંગ્સ ઑપ્શનમાં જઈને ઑલ સેટિંગ્સ પસંદ કરવું. ત્યાર બાદ અકાઉન્ટ્સ ઍન્ડ ઇમ્પોર્ટમાં જવું અને ત્યાર બાદ ‘ઍડ અ મેઇલ અકાઉન્ટ’ ઑપ્શન પસંદ

કરવો. ત્યાર બાદ ઈ-મેઇલ ઍડ્રેસ ઍડ કરીને ‘ટ્રીટ ઍઝ અ એલિયાસ’ ઑપ્શન પર ક્લિક કરવું. આમ કરવાથી યુઝર્સ જ્યારે ઈ-મેઇલનો રિપ્લાય આપે છે ત્યારે એ નવા ઈ-મેઇલ આઇડી પરથી જશે. આ માટે ‘સેન્ડ થ્રૂ જીમેઇલ’ ઑપ્શનને પણ પસંદ કરવાનું રહે છે. આ માટે વેરિફિકેશન માટે ઈ-મેઇલ આવશે અને એમાં આવેલી લિન્ક પર ક્લિક કરતાં પ્રોસેસ પૂરી થઈ જશે.

આઉટલુક.કૉમ પર ઈ-મેઇલ્સ ફૉર્વર્ડ કરવી | આઉટલુકમાં ગયા બાદ સેટિંગ ઑપ્શન પર સિલેક્ટ કરવું. સેટિંગમાં ગયા બાદ મેઇલમાં જઈને સિન્ક મેઇલ કરવું. ત્યાર બાદ જીમેઇલ અથવા તો અન્ય ઈ-મેઇલ અકાઉન્ટ્સને પસંદ કરવું. ત્યાર બાદ નામ, ઈ-મેઇલ ઍડ્રેસ અને પાસવર્ડ ઍડ કરવાં. ત્યાર બાદ અન્ય ફોલ્ડર પસંદ કરવું અથવા તો નૉર્મલ ઇનબૉક્સ અને સેન્ટ આઇટમ્સમાં જે ઈ-મેઇલ જોઈએ છે એ પસંદ કરવી. બની શકે કે યુઝર્સે ઈ-મેઇલ્સનાં સેટિંગ્સ મૅન્યુઅલી ઍડ કરવાં પડે.

નવા ઈ-મેઇલ ઍડ્રેસ વિશે જણાવવું  | 

યુઝર્સ જ્યારે નવા ઈ-મેઇલને શરૂ કરી દે અને જૂના અકાઉન્ટના મેઇલ

ફૉર્વર્ડ થઈ જાય ત્યાર બાદ તેણે સૌથી પહેલાં લોકોને નવા ઈ-મેઇલ વિશે જણાવવું. આ માટે હંમેશાં Bcc ઑપ્શનનો ઉપયોગ કરવો. એ ઑપ્શનનો ઉપયોગ કરી બલ્ક મેઇલ કરીને લોકોને નવા ઈ-મેઇલ ઍડ્રેસ વિશે જણાવી શકાય છે. તેમ જ યુઝર્સે કોને-કોને ઈ-મેઇલ કરી છે એ અન્ય વ્યક્તિને પણ જાણ નહીં થાય. આ સાથે જ સિગ્નેચરમાં પણ તમારા ઈ-મેઇલ ઍડ્રેસનો સમાવેશ કરી દેવો.

નોંધ : જીમેઇલ હોય કે આઉટલુક, દરેક ઈ-મેઇલ સર્વિસ પ્રોવાઇડર્સના સેટિંગ્સમાં જ મેઇલ ફૉર્વર્ડ કરવા અથવા તો કૉન્ટૅક્ટ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવા અથવા તો સિગ્નેચરનો સમાવેશ થતો હોય છે. મોટા ભાગનાં સેટિંગ્સ સરખાં જ હોય છે.

કૉન્ટૅક્ટ્સ ઇમ્પોર્ટ કરવા

જૂના ઈ-મેઇલ ઍડ્રેસમાં જરૂરી અથવા તો તમામ ઈ-મેઇલ ઍડ્રેસ અથવા તો કૉન્ટૅક્ટ્સને નવા અકાઉન્ટમાં ઇમ્પોર્ટ કરવા માટે સૌથી પહેલાં એને csv અથવા તો vCard ફાઇલમાં ઇમ્પોર્ટ કરવા. ત્યાર બાદ નવા ઈ-મેઇલ ઍડ્રેસમાં જઈ એને એક્સપોર્ટ કરી દેવા જેથી યુઝર્સને કૉન્ટૅક્ટ કરવામાં સરળતા રહે.

columnists harsh desai