તમારો ફેસબુક ડેટા લીક થયો છે કે કેમ એ કઈ રીતે ચેક કરશો?

09 April, 2021 02:09 PM IST  |  Mumbai | Harsh Desai

લેટેસ્ટ રિપોર્ટ મુજબ લગભગ ૫૩૩ મિલ્યન ફેસબુક અકાઉન્ટ્સનો ડેટા લીક થયો છે. આવું થયું હોય તો અકાઉન્ટની સિક્યૉરિટી માટે આટલું જરૂર કરો

પ્રતીકાત્મક તસવીર

ટેકવર્લ્ડમાં અત્યારે ડેટા લીક ખૂબ જ મોટી સમસ્યા છે. આપણે જેટલા વધુ ટેક્નૉલૉજી તરફ વળી રહ્યા છીએ એટલું જ આપણા પર જોખમ પણ તોળાઈ રહ્યું છે. ટેક્નૉલૉજીનો વધુપડતો ઉપયોગ અને આપણી વધુપડતી પર્સનલ ડીટેલ્સ આપણી પ્રાઇવસીને જોખમમાં મૂકી શકે છે. હાલમાં જ જાહેર થયું છે કે લગભગ ૫૩૩ મિલ્યન ફેસબુક અકાઉન્ટનો ડેટા લીક થયો  છે. આ ડેટામાં જેટલી વસ્તુ પબ્લિક હતી એ જ નહીં, પરંતુ પ્રાઇવેટ ડેટાનો પણ સમાવેશ થાય છે. આ ઇન્ફર્મેશનનો કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કરી શકે છે અને એનાથી તમારા પાસવર્ડને ગેસ કરીને તમારા એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપાડી શકે છે.

કેવી રીતે ચેક કરશો?

આ ડેટા લીક ૨૦૧૯માં થયા હતા, પરંતુ એ તમામ ડેટા હાલમાં સાઇબરક્રાઇમ ફોરમમાં ઉપલબ્ધ થયા હોવાથી એ ફરી ન્યુઝમાં આવ્યું છે. આ માટે https://haveibeenpwned.com/ પર જઈને તમારું ઈ-મેઇલ ઍડ્રેસ નાખીને ચેક કરી શકાય છે. ઈ-મેઇલ ઍડ્રેસની સાથે તમારો નંબર પણ ચેક કરી શકાય છે. નંબર નાખતાં પહેલાં કન્ટ્રી કોડ નાખ્યા બાદ એને ચેક કરવું જેથી ચોક્કસ ડીટેલ મેળવી શકાય. ઇન્ડિયનને નંબર પહેલાં ૯૧ લખવું જરૂરી છે. ઈ-મેઇલ ઍડ્રેસ કરતાં વધુ નંબર લીક થયા છે. ડિજિટ ચોક્કસ હોવાથી નંબરને શોધવા હૅકર માટે સરળ છે અને એથી જ નંબર પણ ચેક કરવા જરૂરી છે. આ ડેટા લીક થયા છે કે નહીં એ જાણવા માટે ઘણી વેબસાઇટમાંથી ઉપર જણાવેલી વધુ સેફ છે. જો તમારો ડેટા લીક થયો હોય તો રેડ બૅકગ્રાઉન્ડ થશે અને જો ન થયો હોય તો ગ્રીન બૅકગ્રાઉન્ડ થશે.

ડેટા લીક હોય તો શું કરશો?

સાવચેતીના ભાગરૂપે સૌથી પહેલાં તમારા અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવો. આ ડેટા લીકમાં પાસવર્ડ ચોરી થયાનો સમાવેશ નથી થયો, પરંતુ એમ છતાં એ ચેન્જ કરી દેવું. ત્યાર બાદ ફેસબુકના પ્રાઇવસી સેટિંગમાં જઈને તમને જણાવવા જેવી લાગે એવી જ માહિતીનો સમાવેશ કરવો. ટૂ-સ્ટેપ-વેરિફિકેશન ઑન રાખવું જેથી કોઈ અન્ય વ્યક્તિ અકાઉન્ટ ઍક્સેસ કરવાની કોશિશ કરે તો પણ તમારા મોબાઇલ અથવા તો ઈ-મેઇલ પર વન-ટાઇમ-પાસવર્ડ આવે જેથી તમને એની માહિતી મળે. તેમ જ યુઝર્સ 1password જેવી ઍપ્લિકેશનનો ઉપયોગ પણ પાસવર્ડ સેવ કરવા અને લૉગ ઇન માટે કરી શકે છે. આવી ઍપ્લિકેશનની સિક્યૉરિટી વધુ હોવાથી હૅક કરવું હૅકર્સ માટે ચૅલેન્જિંગ રહે છે.

60 - આટલા લાખ ઇન્ડિયન યુઝર્સનો ડેટા લીક થયો હોવાનું કહેવાય છે

columnists harsh desai